સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2024 (16:07 IST)

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

chinmaya krishna das
ચિન્મય કૃષ્ણદાસની સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
ઇસ્કૉન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણદાસની સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
 
બાંગ્લાદેશમાં ઇસ્કૉન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું હતું. હવે બાંગ્લાદેશે વળતું નિવેદન આપ્યું છે.
 
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહ્યું છે કે,"બાંગ્લાદેશ સરકાર નોંધ લે છે કે આજે ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ સરકારની આંતરિક બાબત સંબંધિત મીડિયામાં નિવેદન બહાર પાડ્યું છે."
 
"ખૂબ જ નિરાશા અને ઊંડા દુઃખની વાત છે કે બાંગ્લાદેશ સરકારે નોંધ્યું છે કે શ્રી ચિન્મય કૃષ્ણદાસની ધરપકડને કેટલાક લોકો દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવી છે કારણ કે શ્રી ચિન્મય કૃષ્ણદાસની ચોક્કસ આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે."
 
"બાંગ્લાદેશ સરકાર કહે છે કે આવા પાયાવિહોણાં નિવેદનો માત્ર તથ્યોને ખોટી રીતે રજૂ કરે છે એટલું જ નહીં પરંતુ તે બે પાડોશી દેશો વચ્ચેની મિત્રતા અને પરસ્પર સમજણની ભાવનાથી પણ વિપરીત છે."
 
"આ નિવેદન તમામ ધર્મોના લોકોમાં પરસ્પર સંવાદિતા અને આ સંદર્ભમાં સરકાર અને લોકોની પ્રતિબદ્ધતા અને પ્રયાસને પણ પ્રતિબિંબિત કરતું નથી."
 
"બાંગ્લાદેશની સરકાર બાંગ્લાદેશના લોકો વિરુદ્ધ કરવામાં આવી રહેલા માનવાધિકાર ઉલ્લંઘનના ગુનેગારોને મુક્ત હાથ આપી રહી છે. એવી જો વાત હોય તો એ બાબત વાસ્તવિકતાથી વેગળી છે."
 
"બાંગ્લાદેશ સરકાર ફરીથી કહેવા માગે છે કે દેશનું ન્યાયતંત્ર સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને ન્યાયતંત્રના કામકાજમાં દખલ કરતું નથી. જે મામલા પર સવાલ ઊભા થયા છે તે કાયદાની અદાલતમાં છે."
 
ભારતે જે નિવેદન આપ્યું હતું તેમાં કહ્યું હતું કે, "અમે બાંગ્લાદેશના સમ્મિલિત સનાતન જાગરણ જોટના પ્રવક્તા શ્રી ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ અને જામીન નામંજૂર કરવાને લઈને ખૂબ જ ચિંતિત છીએ. આ ઘટના બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર હુમલા પછી સામે આવી છે."
 
"બાંગ્લાદેશમાં લઘુમતીઓનાં ઘર અને દુકાનો લૂંટી લેવામાં આવી છે. આ સાથે જ ચોરી, તેમનાં મંદિરોની તોડફોડ અને તેમનાં દેવી-દેવતાઓને અપવિત્ર કરવાના ઘણા કેસ નોંધાયા છે."
 
"આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે આ ઘટનાઓના અપરાધીઓ હજી પણ મુક્ત રીતે ફરે છે. પણ એક ધાર્મિક નેતા સામે આરોપો લગાવાઈ રહ્યા છે. આ નેતા શાંતિપૂર્ણ સભાઓ દ્વારા તેમની માગણી કરી રહ્યા હતા."