બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , શુક્રવાર, 5 મે 2023 (17:43 IST)

ગુજરાત હાઈકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી ફગાવી, નીચલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો

હાઈકોર્ટે કહ્યું હતું કે, કાયદાનો દુરુપયોગ કરનારની અરજી સ્વીકારવા પાત્ર નથી
 
ગુજરાત હાઈકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે નીચલી કોર્ટના ઓર્ડરમાં કોઈ જ ખામી નહીં હોવાનું અવલોકન કર્યું છે. જેથી નીચલી કોર્ટના આદેશને માન્ય રાખીને સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી છે. 1996માં બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા તરીકેના કાર્યકાળમાં સંજીવ ભટ્ટ પર ખોટો નાર્કોટિક્સ કેસ ઉભો કરવાનો આરોપ છે. આ કેસમાં તેમણે અમુક સાક્ષીઓ બોલાવવાની મંજુરી માંગતી અરજી કરી હતી. જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. સાક્ષીઓ બોલાવવા અંગેની સંજીવ ભટ્ટની અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે, કાયદાનો દુરુપયોગ કરનારની અરજી સ્વીકારવા પાત્ર નથી. 
 
સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી
પાલનપુર કોર્ટે ડ્રગ્સ કેસમાં નિવૃત્ત DySP આઈ.બી.વ્યાસને છૂટકારો આપ્યો હતો. સરકારી સાક્ષી બનાવીને પાલનપુર કોર્ટે ડ્રગ્સ કેસમાં નિવૃત્ત DySP આઈ.બી.વ્યાજને છૂટકારો આપતા સંજીવ ભટ્ટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી, દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ સંજીવ ભટ્ટ પર લાગ્યો હતો.આ મામલે વર્ષ 2018માં પૂર્વ IPS સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. 
 
તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી
CID ક્રાઈમે પાલનપુરની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી. આ ઉપરાંત સીઆઈડી ક્રાઈમે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી. જે બાદ પાલનપુર કોર્ટ દ્વારા વ્યાસને સરકારી સાક્ષી બનાવીને 1996ના ડ્રગ કેસમાં છૂટકારો આપવાની મંજૂરી આપી હતી.