મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 માર્ચ 2023 (19:06 IST)

રાજકોટ શહેરમાં 45 મિનિટમાં પોણા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. સુરત, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠું

rain in rajkot
રાજકોટ શહેરમાં 45 મિનિટમાં પોણા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં બીજીવાર ખેડૂતોની જણસી પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. તો રાજકોટ જિલ્લામાં લોધિકા, ધોરાજી, જેતપુર સહિતના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે.રાજકોટમાં વરસાદના પગલે યુનિવર્સિટી રોડ નજીક પાણી ભરાયા છે,તો વાહનચાલકોને ભારે હાલાકી થઇ રહી છે.

ગઈકાલે પણ રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદ પડયો હતો. જિલ્લામાં પડેલા વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન પહોચ્યું છે. આજે ફરી કમોસમી વરસાદ વરસતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ બની છે.લોધિકાના ખીરસરા ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી ખેતરો અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કમોસમી વરસાદથી ઘઉં, ચણા, જીરૂં સહિતના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.આગામી 25 માર્ચ સુધી ઉત્તર ગુજરાત વત્તા ઓછા પ્રમાણમાં આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે. ત્રણ દિવસ પહેલાં પણ જસદણ અને જેતપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પણ ખુલ્લા મેદાનમાં રહેલ જણસી પલળી હતી. જ્યાં ઘઉં, ધાણા, મરચાં, જેવા પાકો પલળ્યા હતા.

23 માર્ચે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર અને નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં હળવો કે ગાજવીજ સાથે વરસાદ પડે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. 24 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદમાં માવઠાંની આગાહી છે. તોસૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં તથા કચ્છ અને દીવમાં હળવો કે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.