સુરતમાં 30 વર્ષ જૂના પ્લાન્ટને કરાયો ડિમોલિશ, માત્ર 10 થી 15 સેકન્ડમાં ટાવર કડડભૂસ  
                                       
                  
				  				  
				   
                  				  આજે સુરતના ઉત્રાણ ખાતે 85 મીટર ઊચા પાવર હાઉસના ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ગેસ બેઝ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરનું ડિમોલિશન આજે સવારે 11 વાગ્યે કરવામાં આવ્યું હતું. આ ટાવર કે જે 70 મીટર પહોળો હતો જેને 30 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારે ધ્વસ્ત કરવા નિર્ણય લીધો હતો. આ કુલીંગ ટાવરને ટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પોઝન ટેકનિકથી બ્લાસ્ટ કરી ડિમોલિશન કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ માટે 250 કિલો ટાયમાનાઈટનો વપરાશ કરવામાં આવ્યો હતો.
				  										
							
																							
									  ટાવર સ્થિત વિસ્તારમાં આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગાવોટના બે પ્લાન્ટ ચાલી રહ્યા છે. જેમાં 135 મેગાવોટનો પ્લાટન્ટ 30 વર્ષથી કાર્યરત છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નિર્ધારીત વર્ષો પછી જુના પ્લાન્ટને જમીનદોસ્ત કરવામાં આવે છે. ઉત્રાણ પાવર સ્ટેશનમાં 135 મેગાવોટના પ્લાન્ટને તોડવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલતી હતી, આ કામગીરીના ભાગરૂપે આજે કુલીંગ ટાવરને બ્લાસ્ટ ડિમોલિશન કરી દેવાયો છે. કંટ્રોલ બ્લાસ્ટની કામગારી પૂર્ણ થતાં આશરે 30 થી 40 મિનિટનો સમય લાગી શકે છે. બ્લાસ્ટિંગ સમય માત્ર 10 થી 15 સેકન્ડનો હતો, એટલે કે માત્ર 10 થી 15 સેકન્ડમાં આખો ટાવર કડડભૂસ થઈ ગયો. આ કામગીરીના કારણે ટાવરની આસપાસના માત્ર 50 મીટરના વિસ્તારમાં  ધૂળની ડમરીઓ ઉડી અને 5-10 મિનિટ માટે વંટોળિયા જેવું હવાનું દબાણ સર્જાયુ હતું.