શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 25 જૂન 2021 (13:37 IST)

અભિનેત્રી પાયલ રોહતગી સામે અશ્લીલ ગાળો બોલવા અને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ, પોલીસે અટકાયત કરી

બોલિવૂડની એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી એક વખત વિવાદમાં આવી છે. સેટેલાઇટ વિસ્તારમાં પોતાની સોસાયટીના સભ્યોની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અભદ્ર અને બીભત્સ ભાષામાં કૉમેન્ટ લખી ડીલિટ કરી નાખી હતી. એક્ટ્રેસ સોસાયટીની મીટીંગમાં સભ્ય ન હોવા છતાં આવીને સભ્યો સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી ઉપરાંત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા સોસાયટીના ચેરમેને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધવતા પોલીસે તેની ધરપકડ કરી છે. 

સેટેલાઈટ સુંદરવન એપાર્ટમેન્ટમાં એક્ટ્રેસ પાયલ રોહતગી તેના માતા-પિતા સાથે રહે છે. ફલેટમાં ડોકટર પરાગભાઇ શાહ રહે છે. તેઓ સોસાયટીમાં છ મહિનાથી ચેરમેન છે. 20મી જૂનના દિવસે સોસાયટીના સભ્યોની એજીએમ હતી. જેમાં સોસાયટીમાં સભ્યોને બોલાવવામાં આવ્યા હતા. જોકે, પાયલ સભ્ય ન હોવા છતાં બેઠકમાં આવી હતી. જેથી ચેરમેને તેણીને કહ્યું હતું કે, તમારા માતાપિતા સભ્ય છે. તમારા માતા હાજર છે, તમે સભ્ય ન હોવાથી વચ્ચે ન બોલશો. આમ કહેતા જ પાયલે સભ્યો સાથે બીભત્સ ભાષામાં વાત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે જ પાયલ રોહતગીએ વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું. સોસાયટીના વૉટ્સએપ ગ્રુપમાં પણ અભદ્ર અને બીભત્સ મેસેજ મૂક્યા હતા. જેમાં સભ્યોની ટકોર બાદ તે ડીલિટ કર્યા હતા. પાયલે માર્ચ મહિનાથી ઈન્સ્ટાગ્રામ પર સોસાયટીના જે સભ્યોને ચાર-પાંચ બાળકો હોય તેમના પર વીડિયો અપલોડ કરી હિન્દી ભાષામાં કહ્યું હતું કે, "ફેમિલી પ્લાનિંગ નથી કરતા. અમારા સોસાયટીમાં અમુક લોકો ફેમિલી પ્લાનિંગ વિશે વિચારતા નથી. હમારી સોસાયટી કા ચેરમેન હૈ વો ગુંડાગીરી કરતા હૈ." પાયલે આવી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી. સોસાયટીના સભ્ય જયેશ વિશે પણ " જયેશ કરકે કોઈ ડોકટર હે વો ગુંડે કઈ તરહ ચિલ્લા રહા થા કે બિચારા મેરી વજહ સે પાગલ ન હો જાયે. એવી કોમેન્ટ પણ કરી હતી. પાયલે સોસાયટી ગેરકાયદેસર હોવાનું લખાણ પણ લખ્યું હતું. ઉપરાંત સોસાયટીના બાળકોને પણ 'અહીં રમશો તો ટાંટીયા ભાંગી નાખીશ' તેવી ધમકીઓ આપી હતી. ટ્વીટર પર ઉશ્કેરણીજનક મેસેજ મુકતા ટ્વીટરે પણ તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કર્યું છે. રાજસ્થાન પોલીસ વિશે પણ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી કરતા કાર્યવાહી થઈ છે. આ મામલે સોસાયટીના ચેરમેને સેટેલાઇટ પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી પાયલ રોહતગીની ધરપકડ કરી છે.