શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (16:29 IST)

ફિલ્મ સમીક્ષા : ‘વિસરાનાઈ’ તામિલ ફિલ્મ

વિસરાનાઈ એ વર્ષ ૨૦૧૫માં આવેલી તમિલ ભાષાની ભારતીય ફિલ્મ છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. વિસરાનાઈ શબ્દનો ગુજરાતીમાં અર્થ થાય છે ‘પૂછપરછ અથવા તપાસ કરવી’. વિસરાનાઈ ફિલ્મ સૌપ્રથમ ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારતીય સિનેમાઘરોમાં આ ફિલ્મ ૫ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ રિલીઝ થઇ હતી. ભારતમાં આ વર્ષે યોજાયેલા ૬૩માં નેશનલ એવોર્ડ સમારંભમાં આ ફિલ્મને કુલ ત્રણ નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયા છે જેમાં શ્રેષ્ઠ તમિલ ફિલ્મ, શ્રેષ્ઠ સંપાદન અને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો સમાવેશ થાય છે. આ ફિલ્મના પ્રોડ્યુસર એ જાણીતા અભિનેતા ધનુષ છે અને આ ફિલ્મ એમ. ચંદ્રકુમાર નામના રીક્ષા ડ્રાઈવરે લખેલી નવલકથા ‘લોક અપ’ પર આધારિત છે.

ફિલ્મની શરૂઆતમાં જ એક પછી એક ચાર લોકોને પકડી અને રીક્ષામાં બેસાડીને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે છે. ત્યારબાદ જે-તે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ આ ચાર લોકોને ફટકારવાનું શરુ કરે છે અને ફિલ્મના લગભગ મધ્યાંતર સુધી આ ચાર લોકોને ફટકારવાની ઘટના પડદા ઉપર ચાલુ જ રહે છે. ફિલ્મની વાર્તા એમ છે કે આંધ્રપ્રદેશના કોઈ એક વિસ્તારમાં તમિલનાડુમાંથી કામ અર્થે આવેલા સ્થળાંતરિત ચાર મજૂરોને પોલીસ કોઈ કારણ વગર પકડીને લઇ જાય છે. આ ચાર મજૂરો અનુક્રમે પાંડી, મુરુગન, અફઝલ અને કુમારને એ વાતનો ખ્યાલ નથી કે પોલીસ એમને પકડીને કેમ લાવી છે. પહેલા તો આ ચારેય લોકોને એવું લાગે છે કે પાંડી (ચાર પૈકીનો એક વ્યક્તિ) જ્યાં કામ કરે છે તે કરિયાણાની દુકાનની પાસે આવેલા એક ઘરમાં એક સ્ત્રીએ થોડા સમય પહેલા પાંડીની મદદ માગી હતી કે તેને અહીંયાથી બહાર તેના ગામ સુધી લઇ જવા માટે પાંડી તેની મદદ કરે અને પાંડીએ તે સ્ત્રીને મદદ કરવાની હા પણ પાડી હતી પણ અહીં તો ઘટના સાવ અલગ જ છે. પોલીસ સ્ટેશનમાં થોડી વાર બાદ પોલીસવાળા આવી અને તેમને કહે છે કે તમે ચારેય લોકો તમારો ગુનો કબૂલ કરી લો ત્યારે તેઓને ખ્યાલ આવે છે કે થોડા સમય પહેલા શહેરના ભદ્ર વિસ્તારના એક બંગલામાં ચોરીની ઘટના બની હતી અને પોલીસ તે ચોરને પકડવામાં નિષ્ફળ રહેતા તેમણે આ ચાર મજૂરોને પકડી લીધા છે કે જેઓ ચોરી થઇ તે વિસ્તારમાં જ કામ કરે છે અને પોલીસ તેમની પાસેથી વગર વાંકે ચોરીનો ગૂનો કબૂલ કરાવવા માગે છે કે જેથી આ ચોરીના કેસનો ઝડપથી ‘અંત’ આવે. ફિલ્મમાં પોલીસવાળા જે રીતે આ ચારેય લોકોને પોલીસ સ્ટેશનમાં અત્યંત ક્રૂરતાપૂર્વક ફટકારે છે તે દ્રશ્યો ફિલ્મમાં ખૂબ ઝીણવટપૂર્વક દર્શાવવામાં આવ્યા છે.ફિલ્મના એક દ્રશ્યમાં આ ચાર પૈકી પાંડી નામનો આરોપી એવું જાહેર કરે છે કે જો હવે તમે અમને મારશો તો અમે ભૂખ હડતાળ કરીશું ત્યારે પોલીસવાળા ચતુરાઈપૂર્વક તેઓને છોડી દે છે કે જેથી તેઓ બહાર જઈ અને ભરપેટ જમે અને ત્યારબાદ તેઓને સહી કરવાના બહાને પોલીસ સ્ટેશનમાં લાવી અને ફરીથી અત્યંત ક્રૂરતાપૂર્વક લાકડાના દંડાથી ફટકારવામાં આવે છે. ત્યારબાદ આ ચારેય લોકોને કહેવામાં આવે છે કે તમારે ચોરીનો ગૂનો કબૂલવો જ પડશે પણ જ્યારે આ ચારેય લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે પાંડી જજ સમક્ષ કહી દે છે કે તેમને આ કેસમાં ખોટા ફસાવવામાં આવ્યા છે અને તેમને છોડી મૂકવામાં આવે છે પણ વાત માત્ર અહીં ખતમ થતી નથી. આ ચારેય લોકોને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે તેઓ તમિલ ભાષામાં બોલતા હોવાથી જજ તેમની વાત સમજી શકતા નથી ત્યારે તેઓ ત્યાં કોર્ટ પરિસરમાં હાજર એક પોલીસવાળા (મુથુવેલ)ને ટ્રાન્સલેટર તરીકે મદદ કરવાનું કહે છે અને આ પોલીસવાળાની મદદથી આ ચાર લોકો છૂટી જાય છે ત્યારબાદ આ પોલીસવાળો (મુથુવેલ) આ લોકોને જણાવે છે કે તમારે મારી એક નાની મદદ કરવી પડશે એમ કહીને એક આરોપી (કે.કે.)નું અપહરણ કરાવીને જે-તે પોલીસ સ્ટેશન સુધી લઇ જવાનું કહે છે અને ચારેય લોકો તેનું આ કામ કરી આપે છે. ત્યારબાદ આ ચાર લોકોને મુથુવેલ જ્યાં કાર્યરત છે તે નવા પોલીસ સ્ટેશનને સાફ કરવાનું કામ સોંપવામાં આવે છે. અહીં આરોપી કે.કે. ઉર્ફે કિશોર કે જે જાણીતો એકાઉન્ટન્ટ છે અને વિરોધી પાર્ટીના તમામ હવાલાઓ સંભાળવાનું કામ કરે છે અને તે ત્યાંના ડી.સી.પી. અને એ.સી.પી.ની રાજરમતનો શિકાર બને છે. આ આરોપી કે.કે.ને પણ આ પોલીસ સ્ટેશનમાં મુથુવેલ (કે જે આ સ્ટેશનનો ઇન્ચાર્જ છે) ની ગેરહાજરીમાં અતિશય ફટકારવામાં આવે છે અને તેનું મૃત્યુ નીપજે છે ત્યારબાદ પોલીસવાળા આ આરોપીને આત્મહત્યાનો કેસ જાહેર કરી અને તેને તેના ઘરમાં જઈ અને પંખા પર લટકાવી આવે છે અને ત્યાં સુધી આ ત્રણ (આ ચાર પૈકી એક કુમાર નામનો મજૂર અપહરણ દરમિયાન રસ્તામાં જ ઉતરી જાય છે) મજૂરો કે જેઓ બિચારા માંડ-માંડ પોલીસની ચુંગાલમાંથી છુટેલા છે અને પોલીસ સ્ટેશનની સફાઈ કરતા જ રહે છે. ત્યારે ત્યાં હાજર કેટલાક ભ્રષ્ટાચારી પોલીસવાળાઓ આ ત્રણ લોકોને ફરી પાછા ચોરીના કેસમાં ફસાવી દે છે અને તેઓની હત્યા કરી નાખે છે. સાથે ઇન્સ્પેકટર મુથુવેલની પણ હત્યા કરી નાખે છે. આ ફિલ્મમાં મધ્યાંતર સુધીની ઘટનાનો ભાગ ‘લોક અપ’ નામની નવલકથામાંથી પ્રેરિત છે જ્યારે મધ્યાંતર પછીની આ ઇન્સ્પેકટર મુથુવેલવાળી સમગ્ર ઘટના કાલ્પનિક છે છતાં તેમાં પણ દરેક દ્રશ્યને એકદમ સાચી રીતે રજૂ કરવામાં આવ્યા છે.

આ ફિલ્મમાં પોલીસવાળાની બર્બરતા અને ક્રૂરતાને લોકો સમક્ષ રજૂ કરવાનો દિગ્દર્શક વેટરીમારનનો પ્રયાસ ખરેખર બિરદાવવાને પાત્ર છે. ફિલ્મમાં આ ચાર મજૂરો એક સ્થળેથી બીજા સ્થળે કામની શોધમાં સ્થળાંતરિત થયેલા છે અને વધુમાં તેઓની પાસે રહેવા માટે રહેઠાણ નથી માટે તેમને પબ્લિક પાર્કમાં આશરો લેવો પડે છે અને જ્યારે તેમને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવામાં આવે છે ત્યારે તેમને કેવી-કેવી યાતનાઓનો સામનો કરવો પડે છે તે વાત આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં જ્યારે આ ચાર મજૂરોનો માલિક તેમને મળવા માટે આવે છે ત્યારે તે માલિક આ ચાર લોકોને જણાવે છે કે તેમણે પોતાનો ગુનો (કે જે તેમણે કર્યો જ નથી) તે કબૂલી લેવો જોઈએ નહિ તો પોલીસવાળા તેમને વધારે ફટકારશે. કોઈની પણ મદદ વિના એક નવા શહેરમાં આ ચારેય લોકો મૂંગા મોંએ પોલીસવાળાનો માર સહન કર્યા જ કરે છે અને પોલીસવાળા પણ તેમને મહાપરાણે ગુનો કબૂલ કરાવવા માટે તેમના પર અત્યાચારો કરતા જ રહે છે. ફિલ્મમાં તમામ પાત્રોનો અભિનય ઉત્કૃષ્ટ છે.

હવે થોડી વાત આ ફિલ્મ જેમની નવલકથા ‘લોક અપ’ પર આધારિત છે તે લેખક એમ. ચંદ્રકુમાર વિષે. લેખક એમ. ચંદ્રકુમાર હાલ કોઇમ્બતુરમાં રીક્ષાચાલક તરીકેનું કામ કરે છે અને લોકો ત્યાં તેમને ઓટો ચંદ્રનના નામથી ઓળખે છે. ૫૩ વર્ષીય ઓટો ચંદ્રન જણાવે છે કે વર્ષ ૧૯૮૩માં તેમની આંધ્રપ્રદેશના ગુંતુર જીલ્લામાં ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાં લગભગ ૧૩ દિવસ તેમને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે પોતાના અનુભવોનું વર્ણન કરતુ પુસ્તક ‘લોક અપ’ લખ્યું. આ પુસ્તક વર્ષ ૨૦૦૬માં પ્રકાશિત થયું હતું. તેઓ જણાવે છે કે આજથી ૧૦ વર્ષ પહેલા મેં આ પુસ્તક લખ્યું હતું અને આજે તેના પરથી ફિલ્મ બની છે. મારી વાત સિનેમાના માધ્યમ થકી લોકો સુધી પહોંચી છે. પ્રાદેશિક સિનેમાની આ જ ખાસિયત છે કે તેમાં સ્થાનિક સ્થાનિક મુદ્દાઓને સામાજિક તાંતણા સાથે બાંધીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. હવે જોવાનું એ રહ્યું કે છેલ્લા થોડા સમયથી પ્રચલિત થયેલ ગુજરાતી ‘અર્બન’ સિનેમામાં આ પ્રકારનો સામાજિક સંદર્ભ અને મુદ્દાઓ ક્યારે જોવા મળશે.

લેખક સાભાર - નિલય ભાવસાર 

NilayBhavsar