આજે World Cancer Day - ગુજરાતમાં દર મહિને કેન્સરના સરેરાશ ૪૬૦ દર્દી ઉમેરાય છે

Last Updated: સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (10:23 IST)

તબીબી ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોથી નવા શિખરો સર કર્યા હોવા છતાં હજુ સુધી કેન્સરનો સંપૂર્ણ ઈલાજ શોધવામાં તેને
સફળતા મળી નથી. ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી ઓરલ કેન્સરના પ્રમાણમાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે. ૪ ફેબુ્રઆરી-શનિવારે 'વર્લ્ડ કેન્સર ડે'
છે ત્યારે કેન્સરનું આ વધતું જતું પ્રમાણ ચિંતાજનક છે.


ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ઓરલ કેન્સરના ૮૫૫થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. આ અંગે નિષ્ણાત તબીબોનું માનવું છે કે ઓરલ કેન્સરના ૮૦% દર્દીઓ તમ્બાકુના વ્યસની હોય છે. તમ્બાકુ, સિગારેટના વ્યસનને લીધે સૌથી વધુ લોકો ઓરલ કેન્સરનો ભોગ બનતા હોય છે. ઓરલ કેન્સરને લીધે સૌથી વધુ મૃત્યુ થતાં હોય તેવા રાજ્યોમાં ગુજરાત આઠમાં ક્રમે છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં ઓરલ કેન્સરના સૌથી વધુ કેસ નોંધાતા હોવાનુંસામે આવ્યું છે.

અમદાવાદમાં ૩૫ થી ૪૦ની વયજૂથના લોકોમાં ઓરલ કેન્સરનું પ્રમાણ વધારે છે. તબીબોના મતે નાગરિકો તમ્બાકુ-સિગારેટથી દૂર રહે તેના માટે સરકાર દ્વારા પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે લોકો પરિવારના હિત માટે થઇને તમ્બાકુને તિલાંજલિ આપે તે ખૂબ જ જરૃરી બન્યું છે. એકવાર તમ્બાકુનું વ્યસન ઓછું થશે તો ઓરલ કેન્સરમાં પણ ઘટાડો થતો જશે.


કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ વર્ષ લોકસભામાં રજુ કરેલા આંકડા અનુસાર વર્ષ ૨૦૧૫ દરમિયાન ગુજરાતમાં કેન્સરના ૫૭૬૯૯ કેસ નોંધાયા હતા અને ૨૫૩૮૭ લોકોએ કેન્સર સામે જીવ ગુમાવ્યો હતો. ભારતમાં કેન્સરના કુલ કેસ નોંધાય છે તેમાંના ૫% દર્દીઓ ગુજરાતના છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૨માં ૨૩૨૮૫, ૨૦૧૪માં ૨૩૯૬૬ અને ૨૦૧૪માં ૨૪૬૬૭ લોકોએ કેન્સર સામે જીવ ગુમાવ્યો હતો. આ જ સમયગાળા દરમિયાન એટલે કે ૨૦૧૨માં ૫૨૯૨૦, ૨૦૧૩માં ૫૪૪૬૯ અને ૨૦૧૪માં ૫૬૦૬૧ કેસ કેન્સરના નોંધાયા હતા. આમ, ગુજરાતમાં દર મહિને કેન્સરના સરેરાશ ૪૬૦ દર્દી ઉમેરાય છે તેવું પણ કહી શકાય.

ડિપ્રેશનનો શિકાર બન્યા હોવ તો કેન્સર થવાની સંભાવના વધી જતી હોય છે તેવું તાજેતરમાં યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં સામે આવ્યું હતું. ડિપ્રેશનને લીધે ખાસ કરીને સ્વાદપિંડુ, પાચનતંત્ર, લ્યુકેમિયાના કેન્સર થવાની સંભાવના વધી જતી હોય છે. જોકે, ડિપ્રેશન અને કેન્સર સંલગ્ન છે તેવા તારણ પર મુશ્કેલ છે તેમ જણાવતા આ અભ્યાસમાં ઉમેરવામાં આવ્યું છે કે કેન્સરનું નિદાન થયું હોય નહીં ત્યારે શરીરમાં ફેરફાર થવાથી પણ ડિપ્રેશન વધી જતું હોય છે.


આ પણ વાંચો :