રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 30 જૂન 2020 (08:17 IST)

કોરોના સંકટ અને ચીન સાથેના વિવાદ વચ્ચે આજે દેશને સંબોધન કરશે પીએમ મોદી, કરી શકે છે મોટી જાહેરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે દેશને સંબોધન કરશે. હજી સુધી તે અંગે કોઈ સંકેત મળ્યો નથી કે વડા પ્રધાન મોદી પોતાના આ  સંબોધનમાં કયા મુદ્દા પર સૌથી વધુ ભાર મૂકશે  પરંતુ એવું  માનવામાં આવી રહ્યુ છે કે તેઓ કોરોના સંકટને લગતા મુદ્દાઓ પર તેઓ વાત કરશે.  આ સિવાય એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે હાલના ચીન-ભારત તણાવ પર વડા પ્રધાન કંઈક બોલી શકે છે.
 
પીએમઓ ઈન્ડિયાના ટ્વિટર હેન્ડલ પરથી આ માહિતી આપવામાં આવી હતી. જેમા સૂચના  આપવામાં આવી હતી કે આજે સાંજે 4 વાગે  વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને નામ સંદેશ આપશે. 
 
વડા પ્રધાનના રાષ્ટ્ર સંબોધન પહેલાં ભારત સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે અને ગઈકાલે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં ટિકટોક, યુસી બ્રાઉઝર જેવી મોટા ચીની એપ્સનો સમાવેશ છે. આઇટી એક્ટ 2000 હેઠળ તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
 
ભારત અને ચીન વચ્ચે કમાન્ડર લેવલની વાતચીત
 
આ ઉપરાંત ભારત અને ચીન વચ્ચે આજે કમાન્ડર લેવલની વાતચીતનો ત્રીજો રાઉન્ડ પણ છે. આ બેઠક સવારે 10.30 વાગ્યાથી શરૂ થશે અને આમાં બંને દેશો એલએસી પરના તણાવ ઘટાડવાની વાત પણ કરી શકે છે. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યુ છે કે ભારતે હિંદ મહાસાગરમાં સર્વિલાંસ વધારી દીધુ છે. એવું માનવામાં આવે છે કે આ રીતે ચીનને સંદેશ આપવામાં આવી રહ્યો છે કે ભારત પોતાની સરહદ પર સંપૂર્ણ રીતે સજાગ છે.
 
વડા પ્રધાન કોરોના સંકટ દરમિયાન દેશને અનેક વખત સંબોધન કરી ચૂક્યા છે
 
ઉલ્લેખનીય છે  કે કોરોના સંકટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને અનેક વખત સંબોધન કર્યું છે. આ હેઠળ તેમણે સૌ પ્રથમ 19 માર્ચે 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી, અને તે પછી 24 માર્ચે તેમણે દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. પ્રથમ લોકડાઉન 25 માર્ચથી 14 એપ્રિલ સુધી લાદવામાં આવ્યું હતું.
 
28 જૂન રવિવારે જ વડા પ્રધાન મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને તેના એક જ દિવસ પછી તેઓ ફરીથી રાષ્ટ્રને સંબોધન કરવા જઇ રહ્યા છે. જેનાથી એક વાત સ્પષ્ટ છે કે તેઓ દેશ માટે મોટી જાહેરાત કરી શકે છે.