ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 4 એપ્રિલ 2020 (13:32 IST)

નિઝામુદ્દીન બનાવ સંદર્ભે વધુ ૧૯ લોકો ઓળખ કરાઇ, કુલ ૧૦૩ વ્યક્તિઓની મેડિકલ ચેકઅપ અને કોરેન્ટાઇન માટેની પ્રક્રિયા હાથ ધરાઇ

નોવેલ કોરોના વાઇરસ સંદર્ભે લોકડાઉનનો ચુસ્તપણે અમલ રાજ્યમાં  થઈ રહ્યો છે. આ દસ દિવસમાં જેવો સહકાર નાગરિકોએ આપ્યો છે એવો જ સહકાર આગામી દસ દિવસમાં મળતો રહે એવી આગ્રહપૂર્વક રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ અપીલ કરી હતી. લોકડાઉન સંદર્ભે આજે મીડિયાને વિગતો આપતા શિવાનંદ ઝાએ ઉમેર્યું કે રાજ્યમાં પ્રજાકીય પ્રશ્નો અંગે તંત્રને રજૂઆતો મળી છે તેનું તાત્કાલિક નિવારણ કરવા તંત્ર પ્રયાસો કરી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોટ દળવાની ઘંટીઓ બંધ જણાય છે તેવા વિસ્તારોમાં સત્વરે ઘંટીઓ ચાલુ કરે અને પોલીસ પણ તેમની પાસે ઘંટી શરૂ કરાવે તેવા નિર્દેશો આપી દેવાયા છે. 
 
તેમણે કહ્યું કે શહેરી વિસ્તારોમાં હાલ કોરોના સંક્રમણના કેસોનું પ્રમાણ વધુ જણાયું છે જેમાં અમદાવાદ મોખરે રહ્યું છે. ચાર મહાનગરો પણ હોટસ્પોટ ન બને એ માટે શહેરીજનો સવિશેષ તકેદારી રાખે તે જરૂરી છે. આ વિસ્તારોમાં રાત્રિના સમયે પણ પોલીસ બંદોબસ્ત વધારી ને કડક પગલાં લેવાશે. શહેરી વિસ્તારોમાં લોકો ધાબા પર કે અંતરયાળ મેદાનમાં ક્રિકેટ રમતા હોય તેવા બનાવો ધ્યાને આવ્યા છે. આ અંગે ડ્રોન ફૂટેજના આધારે ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે જેમાં આજ સુધી ૭૬૮ ગુના નોંધીને ૨૧૪૪ લોકોની ધરપકડ પણ કરાઈ છે એ જ રીતે સીસીટીવી ફૂટેજના આધારે આજ સુધીમાં ૮૦ ગુના નોંધી ૧૭૯ લોકોની પણ  ધરપકડ કરવામાં આવી છે.
 
તેમણે ઉમેર્યું કે કોરોના વાયરસ અને લોકડાઉન સંદર્ભે પોલીસ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે તે અનુસાર કોઈ પણ માહિતી કે પોસ્ટ ખરાઈ કર્યા વગર સોશિયલ મિડિયા પર ન મુકવાની તાકિદ કરવા છતાં પણ આવી ઘટનાઓ ધ્યાને આવી છે. આવી બાબતો ગંભીર છે એને ચલાવી લેવાશે નહીં, આવી પ્રવૃત્તિઓ અંગે આજ સુધી ૪૯ ગુના નોધીને ૯૦ લોકોની અટકાયત પણ કરાઇ છે એજ રીતે માલવાહક વાહનોમાં નાગરિકોની હેરાફેરી ન કરવા સૂચના આપી હોવા છતાં તેના ભંગ સંદર્ભે પંચમહાલમાં ત્રણ અને બનાસકાંઠામાં એક ગુનો નોંધીને વાહનો જપ્ત કર્યા છે.
 
તેમણે કહ્યું કે શહેરી વિસ્તારોમાં કે અન્ય જગ્યાએ નાગરિકો એ.ટી.એમ, બેંકોમાં કે અન્ય વસ્તુની ખરીદી માટે જાય ત્યારે જયાં લાઈનમાં ઊભા રહેવાનું હોય ત્યાં જરૂરી ડીસ્ટન્સ જાળવે અને શક્ય હોય ત્યાં સુધી ઓનલાઇન ખરીદી કરી હોમ ડિલીવરી દ્વારા વસ્તુઓ મંગાવી હિતાવહ છે. લોકડાઉનના ચુસ્ત પાલન માટે પોલીસને ચોક્કસ દિશા નિર્દેશો આપ્યા છે ત્યારે નાગરિકોએ પોલીસ સાથે સંઘર્ષમાં ન ઉતરવું, જો આવું બનશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરાશે
 
રાજ્ય સરકારે નિઝામુદ્દીના બનાવને અત્યંત ગંભીરતાથી લીધો છે અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તેનું મોનિટરિંગ પણ થઈ રહ્યું છે આજ દિન સુધીમાં નિઝામુદ્દીન મરકઝ માં ભાગ લીધો હોય તેવા ગુજરાતમાંથી ૧૦૩ લોકોની ઓળખ પણ કરી દેવાઈ છે જેમાં અમદાવાદના ૫૭, ભાવનગરના ૨૦, મહેસાણાના ૧૨, સુરતના ૮, નવસારીના ૨ અને બોટાદના ૪ લોકોનો સમાવેશ થાય છે આ તમામ લોકોના ટેસ્ટિંગ અને કોરોન્ટાઇન સહિતની કામગીરી ચાલુ છે તથા અન્ય લોકોના ઓળખાણની પ્રક્રિયા પણ ચાલુ છે.
 
રાજ્યોમાં નોંધાયેલા ગુનાઓની વિગતો આપતાં શ્રીઝાએ કહ્યું કે જાહેરનામાના ભંગ ના ૯૫૦, કોરેન્ટાઈન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ૩૬૪ ગુના અને અન્ય ૯૩ ગુનાઓ નોંધાયા છે. અત્યાર સુધીમાં ૨૨૧૮ આરોપીની અટકાયત કરાઇ છે અને ૪૭૮૬ વાહનો જપ્ત પણ કરાયા છે.