ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 30 મે 2021 (11:26 IST)

મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની અંતગર્ત નિરધાર બાળકોને મળશે આર્થિક આધાર અને ઉજ્જવળ ભવિષ્ય

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ વ્યાપી મહામારી કોરોના સમયમાં અનાથ-નિરાધાર બનેલા બાળકોની વેદના પ્રત્યે સંવેદના દર્શાવતા આવા બાળકોને આર્થિક આધાર સહિત અભ્યાસ અને ભવિષ્યની કારકિર્દી માટે સહાયરૂપ થવા મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 
 
મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની NDA સરકારના સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે સંવેદનાપૂર્ણ અભિગમ સાથે નિરાધાર- અનાથ બાળકોના આર્થિક આધાર અને ભવિષ્યની કાદકિર્દી માટે પ્રધાનમંત્રીએ કોરોનામાં પોતાના માતા-પિતા ગુમાવનારા બાળકો પ્રત્યે સંપૂર્ણ સંવેદના સાથે તેમના ભવિષ્યનો વિચાર કરીને PM Care Fund માંથી જે સહાય જાહેર કરી છે તે માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. 
 
મુખ્યમંત્રીએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકારે પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના સાત વર્ષ પૂર્ણ થવાની પૂર્ણ સંધ્યાએ ગુજરાતમાં અનાથ- નિરાધાર બાળકોના આર્થિક આધાર અને તેમના ભવિષ્ય માટે આ મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની આ જાહેરાત આજે કરી છે. 
 
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મળેલી કોરકમિટિની બેઠકમાં આ બાલ સેવા યોજના જાહેર કરવામાં આવી હતી. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની વિસ્તૃત ભૂમિકા આપતાં જણાવ્યું કે, કોરોનાની મહામારી એ એવી પરિસ્થિતિ ઉભી કરી છે કે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 
 
તેમણે સંવેદનાપૂર્વક ઉમેર્યું કે, કોઇ એ પોતાના વ્હાલ સોયા દિકરા-દિકરીઓ ગુમાવ્યા છે તો કોઇ એ ભાઇ-બહેન-પત્નિનો સાથ ખોયો છે અને રાજ્યમાં કેટલાય બાળકો આ કોરોના સમય દરમિયાન પોતાના માતા-પિતા બંને ગુમાવવાને કારણે અનાથ અને નિરાધાર બન્યા છે. 
 
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, ગુજરાતની સંવેદનશીલ સરકાર કોરોનાના આ કપરાકાળમાં આવા નિરાધાર અને માતા-પિતા બંને ગુમાવી ચુકેલા બાળકોની વેદનામાં પૂરી સંવેદનાથી પડખે ઉભી રહી છે અને મુખ્યમંત્રી બાલ સેવા યોજનાથી આવા બાળકોને આર્થિક આધાર આપવાનો સેવાભાવ પ્રગટ કર્યો છે. 
 
આ મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના લાભો અને અન્ય વિશેષતાઓની વિગતોમાં જણાવ્યું કે, રાજ્યમાં એવા બાળકો જેમણે પોતાના માતા-પિતા બંને ગુમાવ્યા છે તેવા બાળકોને આર્થિક સહાય- આધાર આપીને તેમને જીવન નિર્વાહ માટે રાજ્ય સરકારની “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”નો લાભ મળશે. 
 
તેમણે કહ્યું કે, કોરોના મહામારીના આ સંક્રમણ દરમિયાન જે બાળકોના પરિવારના મુખ્ય કમાનાર પિતા અથવા માતા કે પિતા બંનેનું અવસાન થયું છે તેવા બાળકોના ભરપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ- લોન અને સહાય પૂરી પાડવા આ યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના જે લાભો જાહેર કર્યા છે તદઅનુસાર, 
 
• ૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો કે જેમના માતા- પિતા બંનેનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાને લીધા વિના દર મહિને પ્રત્યેક બાળક દિઠ રૂ. ૪,૦૦૦ રાજ્ય સરકાર આ મુખ્યમંત્રી બાલ સેવા યોજના અન્વયે આપશે. 
 
• જે બાળકોનો ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ૨૧ વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં આવરી લઈને આવકની મર્યાદાના બાધ સિવાય દર મહિને રૂ. ૬,૦૦૦ની સહાયનો લાભ આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. 
 
• ૨૧ વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક- યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની ૨૪ વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્વયે દર મહિને રૂ. ૬,૦૦૦ની સહાયનો લાભ મળશે. 
 
• એટલે કે, તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણવામાં આવશે. 
 
• રાજ્યના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, એન.ટી.ડી.એન.ટી અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતીના બાળકોને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહીને મંજુર કરાશે. 
 
• સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓના લાભો આવકમર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય પાત્રતા ધરાવતા બાળકોને આપવાના રહેશે. 
 
• એટલું જ નહી, રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન કોઇપણ જાતની આવકમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે અપાશે. 
 
• આવા અનાથ અને નિરાધાર બાળકોને ઉચ્ચશિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અન્વયે આવરી લેવામાં આવશે અને તેના લાભો કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય પ્રાયોરિટીના ધોરણે અપાશે. 
 
• ૧૪ વર્ષથી ઉપરની વયના બાળકો માટે વોકેશનલ તાલીમ અને ૧૮ વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ આ મુખ્યમંત્રી બાલ સેવા યોજના અન્વયે સરકારી ખર્ચે અગ્રતાના ધોરણે અપાશે. 
 
• જે દિકરીઓ એ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવી નિરાધાર થયેલી કન્યાઓને શિક્ષણ માટે કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળાઓમાં પ્રવેશમાં અગ્રતા/પ્રાયોરેટી આપવામાં આવશે. હોસ્ટેલ ખર્ચ પણ અપાશે. 
 
• આવી નિરાધાર કન્યાઓને લગ્ન માટે કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત સમાવેશ કરીને આ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે અને યોજના અન્વયે મામેરાની રકમ રાજ્ય સરકાર આપશે. 
 
• કોરોનાના સમયગાળા દરમિયાન માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ “મા” કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર પણ અગ્રતાના ધોરણે અપાશે. 
 
• આ યોજનાનો લાભ લેતા બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (NFSA) અન્વયે અગ્રતાના ધોરણે આવરી લેવાશે. જેથી આવા પરિવારોને દર મહિને રાહત દરે ઘઉં, ચોખા, ખાંડ વગેરે મળવાપાત્ર અનાજ મળી રહે.  
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કાર્યરત રહેશે. 
 
વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણમાં જેમને પોતાના જીવ ગુમાવ્યા છે તેવા ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને પણ આ અગાઉ ઉદાર સહાય આપીને તેમના પરિવારોની દુ:ખની ઘડીએ તેમની પડખે ઉભી રહી છે. 
 
હવે, મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ સમય દરમિયાન માતા-પિતા બંને ગુમાવીને નિરાધાર અને અનાથ બની ગયેલા બાળકો એ નિરાધાર બાળકો નથી પણ રાજ્ય સરકાર તેમની પડખે તેમના વાલી બનીને ઉભી રહી છે. તેમણે ઉમેર્યું કે આવા બાળકોનું ભવિષ્ય રોળાઇ ન જાય તેવી પૂરી સંવેદનાથી આ “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”નો રાજ્યમાં ત્વરાએ અમલ કરાશે.