રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 એપ્રિલ 2020 (11:01 IST)

મુખ્યમંત્રી માર્કેટયાર્ડ શરૂ કરવાનો લીધો મહત્વપૂર્ણ નિર્ણય, નિયમોનું પાલન નહી થાય તો ફરીથી બંધ કરાશે

રાજ્યમાં તા. ૧પ એપ્રિલ-ર૦ર૦ બુધવારથી અનાજ માર્કેટ યાર્ડ બજાર સમિતિઓ પૂન: કાર્યરત કરવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે. કોરોના વાયરસને પગલે જાહેર થયેલા લોકડાઉનની સ્થિતીમાં રાજ્યભરના માર્કેટયાર્ડ-ખેતીવાડી બજા ઉત્પન્ન સમિતિઓ બંધ હતી તે હવે સ્થાનિક પરિસ્થિતી અને સુદ્રઢ આયોજન અનુસાર ફરી શરૂ કરી દેવાના દિશાનિર્દેશો તેમણે આપ્યા છે. આ માર્કેટયાર્ડ – બજાર સમિતિઓના સંચાલન અને કામકાજમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય અને કોરોના વાયરસનું સંક્રમણ  થાય તેની ખાસ તકેદારી રાખવાની પણ સુચનાઓ આપવામાં આવી છે. આ હેતુસર જિલ્લા કક્ષાએ જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતીની રચના કરવામાં આવી છે.
 
અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયગાળામાં રવિ સિઝન બાદ ખેડૂતોને પડી રહેલા ખેત ઉત્પાદનોના કારણે આર્થિક સંકડામણ ભોગવવી પડતી હતી. તદ્દઉપરાંત રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ આ બજાર સમિતિઓ માર્કેટયાર્ડના માધ્યમથી મળતી રહે તેવા હેતુથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની રાજ્યના માર્કેટયાર્ડ સંચાલકો સાથે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કર્યો છે. જિલ્લાકક્ષાની સમિતિ માર્કેટ શરૂ કરવાના તમામ આયોજનની ખાતરી કર્યા બાદ તારીખ નક્કી કરીને માર્કેટયાર્ડ ચાલુ કરાવશે.
 
બજાર સમિતિએ ખરીદીની પ્રક્રીયા માટે અગાઉથી જ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમજ ત્યાર બાદ તારીખ અને વાર મુજબ નિશ્ચિત કરેલી સંખ્યામાં ખેડૂતોને માર્કેટ યાર્ડમાં વેચાણ માટે બોલાવવાના રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહિ, સંબંધિત બજાર સમિતિ દ્વારા નિયત થયેલા સંખ્યા મુજબના ખેડૂતોની પસંદગી સંપૂર્ણ પારદર્શીતાથી થાય તે પણ સુનિશ્ચિત કરવાની સૂચનાઓ મુખ્યમંત્રીએ આપેલી છે.
 
મુખ્યમંત્રીએ બજાર સમિતિઓમાં ખેડૂતોની ભીડભાડ ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ  જળવાય તે માટે બજાર સમિતિઓ પોતાના વિસ્તારની મુખ્ય જણસીઓ આઇડેન્ટીફાય કરીને જે-તે જણસી પ્રમાણે દિવસ, વાર નક્કી કરીને તે જ જણસી ખેડૂતો બજારમાં સમિતિમાં લાવે અને તેનું જાહેર હરાજીથી વેચાણ થાય તેવી ગોઠવણ કરવા પણ દિશાનિર્દેશો આપેલા છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, ખેડૂતોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બાદ નિયત કરેલી તારીખે અને સમયે જ ખેડૂતો પોતાના ઉત્પાદનનું સેમ્પલ લઇને માર્કેટયાર્ડમાં આવે. આ ખેત ઉત્પાદનના ભાવ નક્કી થાય ત્યાર પછી વેપારી ખેડૂતના ખેતર અથવા પરસ્પર સમજૂતિ મુજબ ગોડાઉન અથવા ફેકટરી કે જગ્યા ઉપર તે ખેત ઉત્પાદન પહોચાડે તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે.
 
જો ખેડૂત પોતાના વાહનમાં ખેત ઉત્પાદન લઇને અનાજ માર્કેટયાર્ડમાં આવે તો તેણે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા પોતાના વાહનમાં જ રહેવું તેમજ વેપારીઓ ક્રમાનુસાર આવી હરાજીથી ઉત્પાદનની ખરીદી કરે તેવી વ્યવસ્થાઓ અપનાવવાની સૂચનાઓ પણ આપી દેવાઇ છે. કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા બજાર સમિતીમાં કામ કરતા વેપારી, કમિશન એજન્ટ, હમાલ, તોલાટ, અન્ય કર્મીઓ તેમજ વેચાણ માટે આવતા ખેડૂતોનું સંપૂર્ણ સેનીટાઇઝીંગ, માસ્ક, ગ્લોસ પૂરતી વ્યવસ્થા કરવાની સાથોસાથ દરેક વ્યકિતઓની ડિઝીટલ ઇન્ફ્રારેડ ટેમ્પરેચર ગન થી આરોગ્ય ચકાસણી અવશ્ય કરવાની પણ સ્પષ્ટ સૂચનાઓ માર્કેટયાર્ડ – બજાર સમિતિઓને રાજ્ય સરકારે આપી છે.
 
મુખ્યમંત્રીના સચિવે કહ્યું કે, અનાજ-માર્કેટયાર્ડ સબયાર્ડમાં પ્રવેશનારી દરેક વ્યકિત સેનીટાઇઝરનો ઉપયોગ કરીને જ પ્રવેશે તેમજ માસ્ક પણ અવશ્ય પહેરે તેની ચોકસાઇ – તકેદારી રાખવાની જવાબદારી પણ માર્કેટયાર્ડની રહેશે. રાજ્યના જે માર્કેટયાર્ડમાં શાકભાજી અને અનાજ બજાર એક જ જગ્યાએ હોય તેવા યાર્ડમાં બેયના ખરીદ-વેચાણ માટે અલગ-અલગ સમય નક્કી કરવાનો રહેશે તેવી પણ તાકીદ કરવામાં આવેલી છે. 
 
આ સુચનાઓનું બજાર સમિતિઓ દ્વારા યોગ્ય પાલન થાય તેની સંપૂર્ણ દેખરેખ બજાર સમિતિમાં જિલ્લા કક્ષાએથી નિયુકત થયેલા અધિકારી-કમર્ચારીએ કરવાની તેમજ જરૂર જણાયે સ્થાનિક પોલીસ, મહેસૂલીતંત્રનો સહયોગ મેળવીને તમામ સૂચનાઓનું પાલન કરાવવાની તકેદારી રાખવા પણ નિર્ધારીત કરવામાં આવેલું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે બજાર સમિતિઓ આ સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ જશે તેવા માર્કેટયાર્ડ બંધ કરાશે. 
 
બજાર સમિતિ-માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાના રજીસ્ટ્રેશન બાદ જે સમય-તારીખ-દિવસ તેમને ફાળવવામાં આવે તે જ દિવસે પોતાના ઉત્પાદનના વેચાણ માટે જાય તે પ્રવર્તમાન કોરોના વાયરસની સ્થિતીમાં તેમના તથા સમાજના વ્યાપક હિતમાં છે. તેમણે લોકડાઉનના ર૧માં દિવસે રાજ્યમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠાની ઉપલબ્ધિની વિગતો પણ પ્રચાર માધ્યમોને આપી હતી.
 
તદ્દઅનુસાર, ૪પ.૮૮ લાખ લીટર દૂધ વિતરણ થયું છે. પ૮,પ૯૯ કવીન્ટલ શાકભાજી અને ૧૦,૦૯૦ કવીન્ટલ ફળફળાદિનો આવરો થયો છે. રાજ્યમાં નિરાધાર, વૃદ્ધો, નિ:સહાય અને જરૂરતમંદ વ્યકિતઓને વિનામૂલ્યે બે ટાઇમ ભોજન અંતર્ગત ૧ કરોડ ૧૯ લાખ પેકેટ વિતરણ થયા છે અને સોમવારના એકજ દિવસમાં આવા ૮ લાખ ૪૧ હજાર ફૂડપેકેટસ આપવામાં આવ્યા છે.