રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ: , બુધવાર, 15 એપ્રિલ 2020 (07:38 IST)

કોંગ્રેસના ધારાસભ્યને કોરોના પોઝિટિવ, સીએમ વિજય રૂપાણી સાથે કરી હતી મુલાકાત

અમદાવાદના કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડવાલા કોરોના સંક્રમિત હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ઇમરાન ખેડવાલા જમાલપુર ખાડીયા વિસ્તારના ધારાસભ્ય છે. મંગળવારે આવેલા તપાસ રિપોર્ટમાં કોરોના વાયરસ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે જ ધારાસભ્ય ઇમરાન ખેડવાલાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. 
 
મંગળવારે થયેલી મીટીંગમાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત ઉપમુખ્યમંત્રી નિતિન પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપ જાડેજા પણ સામેલ હતા. કહેવામાં આવી રહ્યું હતું કે ઇમરાન ખેડવાલાએ આ દરમિયાન પત્રકારો સાથે પણ મુલાકાત કરી હતી. પરંતુ આજે મોડી સાંજે આવેલા કોરોના તપાસ રિપોર્ટમાં ધારાસભ્ય ઇમરાન ખેડવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ ધારાસભ્યને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે. આ સમાચારનો ખુલાસો થયા બાદ હડકંપ મચી ગયો છે. જાણકારોના અનુસર સીએમ વિજય રૂપાણી સહિત મીટિંગમાં સામેલ થયેલા તમામ મંત્રી અને ઇમરાનના સંપર્કમાં આવેલા પત્રકાર પણ કોરોના ટેસ્ટ કરાવી શકે છે. 
 
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં કોરોનાના કેસો  વ્યાપક પ્રમાણમાં મળી આવતા સમગ્ર વિસ્તારને કરફ્યુ હેઠળ મૂકવા માટેની ચર્ચા વિચારણા માટે જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રીના નિવાસસ્થાને બોલાવ્યા હતા. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા.
 
આશરે બે દિવસ પહેલા સામાન્ય તાવ અને શરદીના લક્ષણો જણાતા ઇમરાન ખેડાવાલાના સેમ્પલ લેવામાં આવેલા હતા અને તેના રિપોર્ટ આવવાના બાકી હતા. તેમણે રિપોર્ટ ન આવે ત્યાં સુધી અન્ય લોકોને મળવાનું ટાળવું જોઈતું હતું. પરંતુ તેમણે તેમ ન કરીને ભૂલ કરી છે.
 આજની બેઠકમાં  ઇમરાન ખેડાવાલા મુખ્યમંત્રી વિજય રૂપાણીથી આશરે 15 થી 20 ફૂટ જેટલા અંતરે બેઠા હતા અને નજીકના સંપર્કમાં આવ્યા નથી. આમ છતાં આવતીકાલે સવારે મેડિકલ તજજ્ઞોની સલાહ મેળવીને તેમની સલાહને અનુસરવામાં આવશે. તેમ પણ મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું છે.