શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 એપ્રિલ 2020 (12:41 IST)

અમદાવાદમાં કોરોના પોઝિટિવના 13 નવા કેસ નોંધાતા કુલ આંકડો 295એ પહોંચ્યો

રાજ્યમાં કોરોનાનો કહેર સતત વર્ષી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 13 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 295 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 13 લોકોના મોત નિપજ્યાં છે. આજે આવેલા તમામ કેસો જમાલપુર, મણિનગર, બહેરામપુરા,વેજલપુર, વટવા ના છે. જ્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવના દર્દીની સંખ્યા 538એ પહોંચી છે. અમદાવાદ બાદ વડોદરા તેમજ આણંદમાંથી કેસો સતત વધી રહ્યાં છે.મ્યુનિસિપલ કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ જાહેરનામું બહાર પાડી 13 એપ્રિલથી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. જેથી આજે વહેલી સવારથી રોડ પર અવર-જવર કરનાર પર નજર રાખવામાં આવે છે. સવારે એલિસબ્રિજ પાસેથી પસાર થતા એક વાહન ચાલકને માસ્ક ન પહેરવા બદલ રૂ. 1000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે અન્ય ઓફીસ જતા લોકો પણ માસ્ક વગર નીકળતા AMCએ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાહેરનામા અનુસાર, જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ.5000નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને 3 વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે.