ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 મે 2020 (13:57 IST)

કોવિડ હૉસ્પિટલમાં ટેસ્ટ માટે દાખલ દર્દીનો આઠ દિવસથી કોઈ પત્તો નથી

અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે કેન્સરની સારવાર માટે દાખલ કરવામાં આવેલા એક દર્દી ગાયબ થઈ ગયા છે. જે બાદમાં અનેક સવાલ ઊભા થયા છે. આઠ દિવસ પહેલાં અમદાવાદ સિવિલ કેમ્પસની કોરોના હૉસ્પિટલમાં પોરબંદર ખારવા સમાજના આગેવાન કેન્સરગ્રસ્ત પ્રવીણ બરીદુનને કોરોના ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા. જે બાદમાં તેમને કોઈ પત્તો નથી. કેન્સર વિભાગમાં દાખલ કરાયા બાદ તેમને કોવિડ 19 હૉસ્પિટલમાં રિપોર્ટ માટે લઈ જવામાં આવ્યા હતા. આ મામલે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ અમદાવાદ સિવિલ કોરોના હૉસ્પિટલનું તંત્ર પશુઓની પાંજરાપોળ કરતાં બદતર હોવાનું જણાવ્યું છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ ઘટનાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, પોરબંદર ખારવા સમાજના આગેવાન અને કૉંગ્રેસના કાર્યકર પ્રવીણભાઈ બરીદુન ગળાના કેન્સરની સારવાર માટે તા. 4થી મેના રોજ અમદાવાદની કેન્સર હૉસ્પિટલમાં દાખલ થવા તેમના પુત્ર નીરજ સાથે પહોંચ્યા હતા. કેન્સર હૉસ્પિટલમાંથી કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે તેઓને સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં જ આવેલી 1,200 બેડની કોરોના હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. કોરોના હૉસ્પિટલ ખાતે તેમનું સેમ્પલ લઈને તેમને કોરોનાના ICU વોર્ડમાં દાખલ થવાનું કહેવામાં આવ્યું હતું. તેમની પાસેથી મોબાઈલ અને બીજો સરસામાન લઈને તેમના પુત્રને આપી દેવામાં આવ્યો હતો. જે બાદમાં પુત્ર નીરજને કહેવામાં આવ્યું હતું કે કોરોના ટેસ્ટનું પરીણામ તેમના ટેલીફોન ઉપર આવી જશે. તા. 4 થી તા.12 સુધી પ્રવીણભાઈનો પુત્ર નીરજ દરરોજ કોરોના હૉસ્પિટલના હેલ્પ સેન્ટર ઉપર જઈને તેમના પિતાની તબિયત, કોરોના ટેસ્ટનું પરીણામ વગેરે બાબતો માટે રૂબરૂ પૂછપરછ માટે જતો હતો. દરેક બાબતે તેમને પ્રવીણભાઈની વિગત તથા પોતાનો ટેલીફોન નંબર રજીસ્ટરમાં લખવા તથા કોરોના ટેસ્ટનું પરિણામ તથા દર્દીની હાલત ટેલીફોન ઉપર જણાવાશે તેમ કહેવામાં આવતું હતું.તા.12ના રોજ અર્જુન મોઢવાડિયાએ અમદાવાદ સિવિલ હૉસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ટ્રોમા સેન્ટરના હેડ  , હૉસ્પિટલના કોર ટીમના સભ્ય વગેરે સાથે વાત કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું. છેવટે તેઓએ ગંભીરતાથી તપાસ કરાવીને જણાવ્યું કે દર્દી ICUમાં નથી. OPD રજીસ્ટ્રર મુજબ પ્રવીણભાઈને વોર્ડ 3માં દાખલ કરે છે, પરંતુ તેઓ ત્યાં પણ નથી! પ્રવીણભાઈ બરીદુનને કોરોના હૉસ્પિટલમાં દાખલ કર્યા પછીના 8 દિવસે તેમનો અને તેમના મેડિકલ રિપોર્ટનો કોઈ પત્તો નથી. દાખલ થયાના ચોથા-પાંચમા દિવસે દર્દીના પુત્ર નીરજને હેલ્પ સેન્ટરમાંથી મૌખિક જણાવવામાં આવ્યું કે દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટીવ છે. જો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તો પ્રવીણભાઈ ગળાના કેન્સરની સારવાર હેઠળ કેન્સર હૉસ્પિટલમાં જ હતા તો તેમને કેન્સર હૉસ્પિટલમાં પરત કેમ ન મોકલાયા કે તેમનો રિપોર્ટ દર્દીના પુત્રને કે તેમના ટેલીફોનમાં કેન ન અપાયો?