સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 4 મે 2020 (13:47 IST)

વડોદરામાં ફસાયેલા શ્રમજીવીઓને સ્પેશિયલ ટ્રેનમાં ઉત્તરપ્રદેશ રવાના કરાયા

વડોદરા શહેર અને જિલ્લામાં લોકડાઉનના કારણે ફસાયેલા કુલ 1209 પરપ્રાંતીયોને મોડી રાત્રે ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા ઉત્તરપ્રદેશ તંત્ર સાથે સંકલન કરીને પરપ્રાંતીયોને તેમના વતન મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોડી રાત્રે આ શ્રમજીવીઓને સિટી બસમાં બેસાડીને રેલવે સ્ટેશન લઇ જવાયા હતાં. જ્યાંથી તેઓ ટ્રેનમાં બેસીને વતન જવા રવાના થયા હતા.  શ્રમજીવીઓને જ્યારે રેલવે સ્ટેશન લઇ જવાયા હતા. ત્યારે રેલવે સ્ટેશન ઉપર કુંડાણા બનાવીને લાઇન કરવામાં આવી હતી. આમ સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે ઉત્તરપ્રદેશ માટે બનાવેલા નોડલ અધિકારી તેમજ ઉત્તરપ્રદેશ તંત્રના ગૃહસચિવ અને રેલવે તંત્ર સાથે સંકલન કરીને 1209 પ્રવાસીઓને ટ્રેન દ્વારા ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યા છે. બીજી તરફ જેમની પાસે પોતાનાં વાહનો છે તો તેવા પરપ્રાંતીયોએ ઓનલાઈન પાસ કાઢી આપવામાં આવ્યા હતા. આ પરપ્રાંતીયો પોતાના વાહનો મારફતે વતન જઈ શકશે. કોરોના વાઈરસની મહામારીમાં પોતાના જીવની પરવા કર્યાં વિના બસોની સેવા આપીને વડોદરાની વિનાયક સિટી બસ મેનેજમેન્ટ અને ડ્રાઇવર સ્ટાફ પણ કોરોના વોરિયર્સની ભૂમિકામાં રાત-દિવસ સેવા આપી રહ્યો છે. વડોદરા શેહરના અલગ-અલગ ઝોનમાં રાખવામાં આવેલા ઉત્તરપ્રદેશના 1209 શ્રમિકોને 25 બસ દ્વારા રાત્રે 8થી 2 વાગ્યા સુધીમાં રેલ્વે સ્ટેશન ઉપર પહોંચાડ્યા હતા. આ કામગીરી માટે પાલિકાના અધિકારી ધર્મેશ રાણા, વિનાયક સિટી બસના હુસેન માંકડ અને નરેન્દ્રસિંહ રાણા હાજર રહીને તંત્ર સાથે સંકલન કર્યું હતું.