બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By નઇ દુનિયા|
Last Modified: ઈન્દોર , મંગળવાર, 12 ફેબ્રુઆરી 2008 (15:04 IST)

મધ્યપ્રદેશના શિક્ષણમંત્રીનુ અકસ્માતમાં મોત

ઈન્દોર(એજન્સી) દેવાસ પાસે ક્વોલીસ કાર અને ડમ્પર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી લક્ષ્મણસિંહ ગૌડનુ મોત નીપજતાં હાહાકાર મચી ગયો હતો. મંત્રી ગૌડની ગાડીમાં બેઠેલા અન્ય ત્રણ જણાં પણ ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ બનાવને પગલે મધ્યપ્રદેશના રાજકીય બેડામાં શોકનુ વાતાવરણ ફેલાયુ હતુ. રાજ્ય સરાકારે મધ્યપ્રદેશમાં ત્રણ દિવસનો રાજકીય શોક ઘોષીત કર્યો હતો.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, ઈન્દોરથી ક્વોલીસ ગાડીમાં બેસીને ગઈકાલે સાંજે ભોપાલ જવા માટે રવાના થયેલા રાજ્યના શિક્ષણ મંત્રી લક્ષ્મણસિંહ ગૌડની ગાડી દેવાસ પાસેથી પસાર થતી હતી. તે સમયે સામેથી પુરઝડપે દોડતાં ડમ્પરે તેમની ગાડીને અડફેટે લેતાં શિક્ષણ મંત્રી સહિત ચાર જણાં ગંભીર રીતે ઈજા પામ્યા હતા.

આ બનાવમાં ઈજા પામેલા ચારે જણાંને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ટુંકી સારવાર બાદ શિક્ષણ મંત્રીનુ કરુણ મોત નીપજ્યુ હતુ. બનાવની જાણ થતાં જ તેમના પરિવારજનો તથા સમર્થકોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. ગૌડના અવસાનની ખબર વાયુવેગે સમગ્ર રાજ્યમાં ફેલાઈ જતાં રાજકીય અગ્રણીઓ તાબડતોબ તેમના નિવાસ સ્થાને દોડી આવ્યા હતા.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના મોત અંગે અત્યંત ખેદ પ્રકટ કર્યો છે. તેમણે ત્રણ દિવસ માટે રાજકીય શોક ઘોષીત કરી દીધો હતો. ભાજપાના મિડીયા કાર્યાલયે જણાવ્યુ હતુ કે, લોધિપુરા ખાતેના તેમના નિવાસ સ્થાનેથી આજે બપોરે બે વાગ્યે તેમની અંતિમયાત્રા નિકળશે.