ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 9 મે 2014 (15:00 IST)

નરેન્દ્ર મોદી કર્મભૂમિને ત્યજીને ધર્મભૂમિને પોતીકી કરશે ?

લોકસભાની ચૂંટણીનો જંગ અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે વડોદરા અને વારાણસી બેઠક પરથી ચૂંટણી લડનાર ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જો બંનેય બેઠકો પરથી ચૂંટણી જીતશે તો કઈ બેઠક ખાલી કરશે? તે અંગે અટકળો પેદા થઈ છે.

ઉત્તર પ્રદેશ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપને મજબૂત કરવા, નરેન્દ્ર મોદીને ભાજપે વારાણસીથી ચૂંટણીમાં ઉતાર્યા હતા. બીજી તરફ ભાજપનો મજબૂત કિલ્લો ગણાતી વડોદરા લોકસભા બેઠક પરથી નરેન્દ્ર મોદીએ ચૂંટણી લડવાનું મક્કમતાથી મન મનાવી લીધું હતું. વડોદરા શહેર નરેન્દ્ર મોદીની કર્મભૂમિ છે.

આથી વડોદરા અને વારાણસી બંનેય બેઠકો પરથી નરેન્દ્ર મોદી જીતશે તો નરેન્દ્ર મોદી કર્મભૂમિને ત્યજીને ધર્મભૂમિને પોતીકી કરશે ? તેવો સવાલ ચર્ચાની એરણે ચઢ્યો છે.

નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના દાવેદાર હોવાથી આગામી તા. ૧૬મી મેના રોજ મતગણતરી બાદ ચિત્ર સ્પષ્ટ થયા પછી ગુજરાતના સિંહ ગણાતા નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્ય તેમની જન્મભૂમિ તથા આરએસએસના કાર્યકાળ દરમિયાન તેમની કર્મભૂમિ બનેલા વડોદરા શહેરને વહાલું રાખીને ગુજરાતમાંથી ગુલઝારીનંદા, મોરારજી દેસાઈ પછી ભાજપમાંથી ગુજરાતી તરીકે વડા પ્રધાનપદ સ્વીકારશે તેવું રાજકીય પંડિતોનું માનવું છે.

જો નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદે બિરાજશે ત્યાર પછી ગુજરાત રાજ્યના સુકાન માટે સૌરભ પટેલ, આનંદી પટેલ, નીતિન પટેલ અને અમિત શાહ પ્રબળ દાવેદાર છે. વડોદરા લોકસભા બેઠકના વાલી તરીકે સૌરભ પટેલ ન.મો.ના વિશ્ર્વાસુ છે તેમજ આનંદીબહેન પટેલ પણ મોદી કેમ્પના છે જ્યારે અમિત શાહને પણ મોદીનું પીઠબળ છે. જ્યારે નીતિન પટેલ પાર્ટીના વફાદાર સિનિયર નેતા છે. આ બધાની વચ્ચે મોદી લોકસભાની બે બેઠક પરથી કઈ બેઠક જાળવી રાખશે તે અંગે રાજકીય અટકળો વહેતી થઈ છે.