સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 11 નવેમ્બર 2017 (11:21 IST)

રાહુલ ગાંધી ત્રણ દિવસ ઉત્તર ગુજરાતના પ્રવાસે, ગાંધીનગરના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ઉત્તર ગુજરાતના પ્રવાસે નિકળ્યાં છે. તેમણે ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિરમાં પગરણ માંડ્યાં હતાં. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ હવે અહીંથી ઉત્તર ગુજરાતની 13 વિધાનસભા સીટો પર પ્રચાર કરશે. આ સીટોમાં મુખ્યત્વે 5 સીટો પર કોંગ્રેસ અને 8 સીટો પર ભાજપના ઉમેદવારો જીત્યાં હતાં. 

રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન  અંબાજી ,બહુચરાજી, શંખેશ્વર,  પાટણમાં કાલિકા મૈયા અને દલિતોના ઇષ્ટદેવ વીરમાયાદેવ, વરાણામાં આઇ ખોડિયાર માતાજી તેમજ થરામાં વાળીનાથ દાદા સહિત કુલ 7 મંદિરોમાં દર્શન કરવા જશે. જ્યારે 12 સ્થળોએ જાહેરસભા સંબોધશે. જેમાં પ્રથમ દિવસે શનિવારે પ્રાંતિજ, હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મામાં સભા કરશે. બીજા દિવસે રવિવારે પાલનપુર, ડીસા, થરા અને પાટણમાં જાહેરસભા સંબોધશે. જ્યારે ત્રીજા દિવસે સોમવારે વરાણા, બહુચરાજી, મહેસાણા અને વિસનગરમાં સભા કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અતિવૃષ્ટિ સમયે ધાનેરાની મુલાકાત સમયે રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંકાવાની ઘટના બની હતી, જેને લઇ આ વખતે સ્થાનિક પોલીસ ઉપરાંત એસપીજી દ્વારા વિશેષ બંદોબસ્ત વ્યવસ્થા કરાઇ છે.
સાબરકાંઠાની હિંમતનગર વિધાનસભા બેઠકના પ્રભારી સી.જે.ચાવડા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મણિભાઇ પટેલે જણાવ્યું કે, રાહુલ ગાંધી શનિવારે સવારે 9-30 વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતરી 10-30 વાગે પ્રાંતિજ જૂના બસ સ્ટેન્ડ ખાતે અને બપોરે 12-30 વાગે હિંમતનગરમાં મહેતાપુરા ત્રણ રસ્તા ખાતે ખેડૂત અધિકાર સભાને સંબોધશે. બપોરે 2-00 વાગે ઇડરની સરપ્રતાપ હાઇસ્કૂલ ખાતે યુવા રોજગાર સભા અને 3-50 વાગે ખેડબ્રહ્મામાં આદિવાસી વિકાસસભાને સંબોધન કરશે. જેમાં ખેડૂતો, મોંઘવારી, રોજગારી અને આદિવાસીઓ સહિતના પ્રશ્નો ઉઠાવશે. સાંજના 5 વાગે દાંતા તાલુકાના હડાદથી બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરશે. ત્યાંથી અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી અહીં જ રાત્રિરોકાણ કરશે.
બીજા દિવસે રવિવારે સવારે 10 વાગે દાંતા ખાતે સ્વાગત બાદ પાલનપુરની રામપુરા ચોકડી ખાતે સવારે 10-30 વાગે જાહેર સભા સંબોધશે. ત્યાંથી પાટણ પહોંચશે. ત્રીજા દિવસે સોમવારે પાટણમાં કાલિકામૈયા અને વીરમાયાના દર્શન, 9-30 વાગે રાણકી વાવ, 10 વાગે દલિત સમાજના આગેવાનો સાથે બેઠક અને ત્યાંથી 10-30 કલાકે હારિજ જવા રવાના થશે. ત્યાંથી બપોરે 1 વાગે શંખેશ્વર પહોંચશે. જ્યાં દર્શન કરીને બપોરે 2 વાગે બહુચરાજી પહોંચશે. ત્યાંથી બાયપાસ માર્ગે મહેસાણામાં મોઢેરા રોડ સ્થિત કચ્છી કડવા પાટીદારની વાડી સામે ખુલ્લા મેદાનમાં મહિલા સંમેલનને સંબોધશે. સાંજના 5-30 કલાકે વિસનગર જવા રવાના થશે. વિસનગરમાં કાંસા રોડ પર સ્થિત વિશાલા પાર્ટીપ્લોટમાં જાહેરસભા યોજી ગોઝારિયા માર્ગે અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.