શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 25 ઑક્ટોબર 2017 (12:58 IST)

રાહુલ ગાંધી સાથેની મુલાકાતના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યાં, હાર્દિક હોટલ તાજ પર કેસ કરશે

રાહુલ ગાંધીએ ગાંધીનગરમાં સંમેલન કર્યું એ પહેલા હોટલ ઉમેદ તાજમાં રોકાણ કર્યું હતું. જેમાં રાહુલ ગાંધીની અમદાવાદની મુલાકાત દરમિયાન હોટલના રૂમમાં તેમની સાથે હાર્દિકે બેઠક યોજી હોવાના મીડિયાના અહેવાલો આવ્યા હતા. જેનો હાર્દિક પટેલે રદિયો આપ્યો હતો. હોટલના પાછલા દરવાજેથી રવિવારે 12 વાગ્યે હાર્દિક તેના ત્રણ સાથીદારો સાથે પ્રવેશ કરતા હોય તેવા સીસીટીવી ફુટેજ જાહેર થયા હતા. ત્યારબાદ આજે નવા સીસીટીવી ફૂટેજ પોલીસે મેનેજ કરીને મીડિયાને આપ્યા છે.

જેમાં હાર્દિક પટેલની રાહુલ ગાંધી સાથે ગુપ્ત મીટિંગ કરીને રાહુલ ગાંધીના રૂમમાંથી બહાર હાર્દિક નીકળતો દેખાય છે. હાર્દિક હવે સીસીટીવી ફૂટેજ મીડિયામાં આવતા હોટલ તાજ સામે કેસ કરશે તેમ જણાવ્યું હતું. હાર્દિકે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, તે કેવી લોકશાહી છે કે, ખાનગી હોટલમાં કોઈ નાગરીક પ્રવેશ કરે અને તેના સીસીટીવી ફુટેજ પણ મીડિયામાં જાહેર કરી દેવામાં આવે છે. ગુજરાતમાં કોઈ પણ નાગરીકની સુરક્ષા અને પ્રાઈવસી ખતરામાં છે. રાહુલ ગાંધી સાથેની મુલાકાતના સીસીટીવી જાહેર કરતા હાર્દિકે હોટલ ઉમેદ સામે કાયદાકીય પગલાં ભરવાની ચીમકી આપી હતી. હાર્દિકે રાજકોટના તરઘડી ખાતે મીડિયાને જણાવ્યું હતું કે, હું તાજ હોટલ પર કેસ કરીશ અને કોઇની પ્રાઇવસી આ રીતે બહાર ન પડાઇ તે વિસ્તારના પીઆઇ પર પણ ફરિયાદ કરીશ.