મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 22 નવેમ્બર 2017 (12:20 IST)

ગુજરાતમાં શિવસેનાની 70 બેઠકો પર ઉમેદવારી

ભાજપ સાથે ક્યારેક પ્રત્યક્ષ તો પરોક્ષ રીતે જોડાયેલી મહારાષ્ટ્રની શિવસેના પાર્ટીએ ગુજરાતની હાલની વિધાનસભા ચૂંટણીમાં ૭૦થી૮૦ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખી મજબૂત રીતે ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે અને જે અંતર્ગત પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોમાંથી ૪૦ બેઠકો પર શિવસેનાના ઉમેદવારોએ ફોર્મ ભરી પણ દીધા છે. બીજા તબક્કામાં ૪૦થી૫૦ બેઠકો પર શિવસેનાના ઉમેદવારો ફોર્મ ભરે તેવી શકયતા છે.મહત્વનું છે કે ગત ચૂંટણીમાં પણ શિવસેનાએ ભાજપ સાથેની સમજૂતીને લઈને હિન્દુ મત ન તોડવા ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા.

પરંતુ હાલ ભાજપ સાથે શિવસેનાનો વિખવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે ગુજરાતની ચૂંટણીમાં શિવસેના મત તોડવાનું કામ કરશે કે ભાજપ માટે મત જોડવાનું કામ કરશે તે જોવુ રહ્યુ. ભાજપ અને સંઘ સાથે નજીકનો સંબંધ ધરાવતા મહારાષ્ટ્રના અગ્રણી રાજકીય પક્ષ શિવસેનાએ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર સૌથી વધુ ૭૦થી૮૦ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવા માટેની જાહેરાત કરી છે અને જે અંતર્ગત આજે પુરી થયેલી પ્રથમ તબક્કાની બેઠકો માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયામાં શિવસેનાએ ૪૦ બેઠકો પર ઉમેદવારી નોંધાવી દીધી છે. ૪૦ બેઠક પર શિવસેનાના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.જેમાં જામનગર,રાજકોટ, પોરબંદર, દ્વારકા, અમરેલી,ભાવનગર, મોરબી તથા સુરેન્દ્રનંગર સહિતના સૌરાષ્ટ્રના જીલ્લાઓની મહત્વની બેઠકોનો સમાવેશ થાય છે. શિવસેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં પણ શિવસેના અનેક બેઠકો પર ઉમેદવારી નોંધાવશે. અમદાવાદમાંથી ૧૦ બેઠકો, સુરત જીલ્લામાં ૮ બેઠકો પર તથા મધ્યગુજરાતમાં ૨૦ બેઠકો સાથે બીજા તબક્કામાં ૩૫થી૪૦ બેઠકો પર શિવસેનાના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરશે. મહત્વનું છે કે ગત ચૂંટણીમાં શિવસેનાએ એક પણ બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા અને જેને લઈને એવી પણ રાજકીય ચર્ચા ફેલાઈ હતી કે શિવસેનાએ ભાજપ સાથે હિન્દુ મતો ન તોડવાની સમજૂતી કરી હતી.અગાઉ ૨૦૦૭માં પણ શિવસેનાએ ૩૮ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા.જો કે એક પણ બેઠક પર શિવસેનાએ જીત મેળવી ન હતી. પરંતુ હવે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે શિવસેના અત્યાર સુધીની સૌથી વધુ ૭૦થી૮૦ બેઠકો પર ઉમેદવારી નોંધાવી રહી છે ત્યારે આ ભાજપ માટે મતો તોડવાનું રાજકારણ છે કે પછી મતો જોડવાનું રાજકારણ છે.શિવસેના હિન્દુ મતો તોડીને કોંગ્રેસને ફાયદો કરાવશે કે પછી ભાજપને તે હવે જોવુ રહ્યુ.મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં કોર્પોરેશનની અને વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની ફાળવણીને લઈને શિવસેનાનો ભાજપ સાથે અનેકવાર વિખવાદ થયો છે અને હાલ પણ વિખવાદ ચાલુ છે.