બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ન્યુઝ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 ડિસેમ્બર 2016 (15:09 IST)

ગુજરાતમાં ૫૬% લોકો રુપે કાર્ડનો ઉપયોગ કરતા નથી

કાળા બજાર પર કડક લગામ લાગે અને ઇ-ટ્રાન્ઝેક્શનના પ્રમાણમાં વધારો થાય તેવા દાવા સાથે કેન્દ્ર સરકાર દ્વારા ૮ નવેમ્બરે નોટબંધી જાહેર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા નાણાકીય લેવડ-દેવડને  પ્રોત્સાહન આપવાની મથામણ કરવામાં આવી રહી છે. પરંતુ હકિકત એવી પણ છે કે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત જારી કરવામાં આવેલા ૫૬ ટકા રુપે (RuPay)  કાર્ડ્સ નિષ્ક્રિય છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ખાનગી કંપનીના ડેબિટ-ક્રેડિટ કાર્ડના વિકલ્પ તરીકે રુપે કાર્ડ જારી કરવામાં આવ્યા હતા. જે પણ નાગરિકનું જનધનમાં ખાતું હોય તેમને આ રુપે કાર્ડ આપવામાં આવે છે. જન ધન ખાતા સાથે રુપે કાર્ડ્સ સંકળાયેલા છે.પરંતુ આ પૈકીના ૫૬ ટકા રુપે કાર્ડ નિષ્ક્રિય હોવાનું એક અહેવાલમાં સામે આવ્યું છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટિ-ગુજરાત દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ અનુસાર ગુજરાતમાં કુલ ૯૦.૫૬ લાખ લોકો જનધન ખાતું ધરાવે છે. આ પૈકી ૭૩.૮૫ લાખ ખાતાધારકોને રુપે કાર્ડ આપવામાં આવેલા છે. કુલ ૭૩.૮૫ લાખમાંથી ૩૨.૬૩ લાખ એટલે કે ૪૪ ટકા લોકો જ રુપે કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. આમ તેનો મતલબ એવો પણ થાય છે કે ૫૬ ટકા રુપે કાર્ડ્સ નિષ્ક્રિય છે.રુપે કાર્ડ્સ નિષ્ક્રિય હોય તેના માટે અનેક પરિબળો જવાબદાર છે. જેમાં નાણાકીય સાક્ષરતાનો અભાવ મુખ્ય પરિબળ છે. ગુજરાતમાં કુલ ૪૯ નાણાકીય સાક્ષરતા કેન્દ્રો છે. હવે આશ્ચર્યની વાત એ છે કે એકપણ નાણાકીય સાક્ષરતા કેન્દ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં નથી. ૩૩ નાણાકીય સાક્ષરતા કેન્દ્રો સેમી અર્બન જ્યારે ૧૫ અર્બન વિસ્તારમાં છે.આમ, નાણાકીય સાક્ષરતાના અભાવે ગ્રામ્ય વિસ્તામાં લોકો રુપે કાર્ડ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો, ઇ ટ્રાન્ઝેક્શન એટલે શું તેવી બાબતોથી વાકેફ હોય નહીં તે સ્વાભાવિક બાબત છે. આમ, દેશમાં કેટલા નાણાકીય સાક્ષરતાની હજુ વધારે જરૃર છે તેનું હોમવર્ક કર્યા વિના જ નોટબંધી અમલમાં મૂકી દીધી છે તે પુરવાર થાય છે. જે ગામમાં બેંક બ્રાન્ચ નથી ત્યાં બેંક દ્વારા 'બેંક મિત્ર'ની વરણી કરવામાં આવે છે. કુલ ૫૮૬૦માંથી ૧ હજાર 'બેંક મિત્ર' નિષ્ક્રિય છે.