બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 20 એપ્રિલ 2019 (12:33 IST)

ઔષધિય ગુણોથી ભરપૂર લસણ અમૃત સમાન

લસણ ગમે ત્યાં મળે છે અને ખવાય છે, પણ એની વાસ અને ધાર્મિક માન્યતાઓને લીધે કેટલાક લોકો તેનો ઉપયોગ કરતા નથી. બાકી દાળ, શાક વગેરેમાં તેનો સ્વાદ અનેરો લાગે છે. તે અનેક રીતે વપરાય છે. ખાદ્ય ઉપરાંત તેના ઔષધિય ગુણો પણ જાણીતા છે, અને તે અર્થે પણ તે વપરાય છે.
ગ્રીસ અને અરબસ્તાનમાં પણ ઘણા જૂના સમયથી લસણ વપરાતું આવ્યું છે એ સસ્તુ અને સુલભ હોઈ ગામડાંના ગરીબ લોકોનો એક માત્ર તેજાનો ગણાય છે. બેલગામ, ધારવાડ, નાસિક, પૂના અને સતારા, લસણના પાકના મુખ્ય કેન્દ્ર છે. તેના બી થતા નથી ભાદરવા કે આસો માસમાં તેની કળીઓ રોપીને જ તેનું વાવેતર કરવામાં આવે. રેનાર કે સારા નિતારવાળી જમીન લસણના પાકને વધુ માફક આવે છે. તેના વાડ ડુંગળીના છોડ જેવા એકથી દોઢ ફૂટ ઊંચાઈના થાય છે. ડુંગળીનું એક દળું થાય છે. જ્યારે લસણનું દસ-પંદર કળીઓવાળું દળું થાય છે. લસણના પાન  ચપટા અને અણીદાર થાય છે. આરોગ્ય માટે લસણ અતિ ગુણકારી હોવાથી આપણાં પ્રાચીન આચાર્યોએ તેને અમૃત સમાન ગણેલ છે. તેની ઉત્પત્તિ પણ અમૃતમાંથી જ થયેલી મનાય છે. આ સંબંધી એક કથા પ્રચલિત છે: ગરુડજી ઇન્દ્રની પાસેથી અમૃતનું હરણ કરી જતા હતા, ત્યારે તેમાંથી  થોડાંક બિંદુઓ ઢોળાઈને પૃથ્વી ઉપર પડયાં ને તેમાંથી લસણ ઉત્પન્ન થયું. ગુણ અને ઉપયોગની દ્રષ્ટિએ લસણ અને અમૃત સમાન જ છે. તેમાં બેમત નથી.
 
ધોળું અને રાતું એમ લસણની બે જાતો છે. બંને ગુણોમાં લગભગ સરખાં છે. ઉપરાંત એક કળિયું કળીવાળું લસણ પણ થાય છે, જે વધારે ગુણકારી ગણાય છે. કેટલાય રોગોમાં તે ઔષધ તરીકે પણ વપરાય છે. તેનું તેલ લકવા અને વાનાં દરદોમાં ઉપયોગી છે. શિયાળાની ઋતુમાં કેટલાક લોકો લીલું લસણ ખાય છે. મગ કે અડદની દાળ, શાક અને ચટણીમાં લસણ નાખવાથી એક વિશિષ્ટ પ્રકરાનો રોચક સ્વાદ આવે છે. દર શિયાળાની ઋતુમાં જો વિવિધપૂર્વક લસણનું સેવન કરવામાં આવે તો મનુષ્ય નિરોગી તેજસ્વી અને બળવાન બની દીર્ઘાયુષ્ય ભોગવે છે. લસણ ઉત્તમ રસાયણ છે. એ બુદ્ધિ, આયુષ્ય, વીર્ય અને પુરુષત્વવર્ધક છે, તેથી શિયાળામાં અને ચોમાસામાં તેનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. સ્ત્રીઓ માટે પણ લસણ અત્યંત ગુણકારી ગણાય છે. લસણમાં રહેલું ઉડ્ડયનશીલ દ્રાવ્ય એલાયલ સલ્ફાઇડ લોહીના દબાણની વૃદ્ધિને મટાડે છે. એ મૂત્રલ અને કફદન પણ છે. આમ લસણ ખૂબ ગુણકારી હોવાથી સંસ્કૃતમાં તેને 'મહૌષધ' કહ્યું છે. લસણનો અર્ક પણ કઢાય છે.
 
લસણ ક્ષયના અણુઓની વૃદ્ધિને રોકનાર એક પ્રબળ જંતુનાશક દ્રવ્ય છે. શરીરમાં પ્રવેશ કરીને એ પ્રાણવાયુમાં 'સલ્ફ્યુરિક એસિડ' નામના અમ્લતત્વને ઉત્પન્ન કરે છે. જે ફેફસાં, ત્વચા, વૃક્ક, કાળજા વગેરેની ક્રિયાઓને સુધારીને શરીરની બહાર નીકળી જાય છે. એ જ કારણે નિયમિત રીતે લસણ ખાનારને ભાગ્યે જ ક્ષય છાય છે. અંગ્રેજીમાં લસણને 'ગાર્લિક' કહેવામાં આવે છે. લસણને ઘરગથ્થું ઉપચારમાં પણ સારું એવું વાપરવામાં આવે છે.