શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 15 એપ્રિલ 2013 (14:52 IST)

તમામ સ્વિમિંગ-પૂલ બંધ કરવા સરકારનો આદેશ

દુષ્કાળગ્રસ્ત ગુજરાતમાં ઉનાળો શરૂ થતાંની સાથે જ પાણીના કપરા સંજોગો ઊભા થયા છે. રાજ્યના મહત્વના એવા ૨૫૪ ડૅમોમાંથી ૨૩૧ ડૅમ તળિયા ઝાટક થઈ ગયા છે, જ્યારે હજી પણ ચોમાસાને મિનિમમ ત્રણથી સાડા ત્રણ મહિનાની વાર છે.
P.R

આવા સમયે આવતા દિવસોમાં ગુજરાતમાં પાણીની કટોકટી વધુ ઘેરી થવાની છે. આવું ન બને અને આવતા દિવસોમાં ગુજરાતનનું વૉટર મૅનેજમેન્ટ જળવાય રહે એ માટે ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રાલયે ગઈ કાલે ગુજરાતના તમામ સરકારી સ્વિમિંગ-પૂલ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. અત્યારે સરકારી સ્વિમિંગ-પૂલ બંધ કરવામાં આવ્યા છે, જો જરૂર લાગશે તો પ્રાઇવેટ ક્લબના સ્વિમિંગ-પૂલ અને ગુજરાતમાં આવેલા વૉટરપાર્ક પણ બંધ કરાવવામાં આવશે. ગુજરાત સરકારના પ્રવક્તા સૌરભ પટેલે કહ્યું હતું કે ‘આ સમયે પીવાના પાણી ગુજરાતનાં છેવાડાનાં ગામો સુધી પહોંચે એ જરૂરી હોવાથી આ નિશ્ચિય લેવામાં આવ્યો છે. નાહવા માટે એક ડોલ બસ છે. સ્વિમિંગ-પૂલ બંધ કરાવ્યા એમાં કંઈ ખોટું પણ નથી થયું.’

ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે આજથી ગુજરાતમાં ૬૦૦થી વધુ સરકારી સ્વિમિંગ-પૂલ બંધ થયા છે. જોકે હજી આટલી જ સંખ્યાના પ્રાઇવેટ સ્વિમિંગ-પૂલ અને વીસથી વધુ વૉટરપાર્ક ચાલુ છે. જો પ્રાઇવેટ પૂલ અને વૉટરપાર્ક બંધ કરાવવામાં આવશે તો એ પાણીના ર્સોસનો ઉપયોગ સરકાર દ્વારા કરવામાં આવશે.