1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. હોળી
Written By વેબ દુનિયા|

'બુરા ન માનો હોલી હૈ'.... ક્યા સુધી કહેતા રહેશો ?

તહેવારની મજા માણવામાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ઉદાસીનતા દાખવવાના બદલે બનો સજાગ
P.R

વર્ષોથી આપણે હોળી-ધૂળેટીમાં ‘બૂરા ન માનો.. હોલી હૈ’ કહેતા આવ્યા છીએ. કોઈ પોતાના પર રંગ લગાવવાની ના પાડે એટલે તરત બૂરા ન માનો.. કહી તેને કાબરચીતરો બનાવી દઈએ. જોકે તહેવાર ઉજવવાની કંઈ ના નથી, તહેવારની ઉજવણી મન ભરીને, પેટ ભરીને કરવી જ જોઈએ પણ સ્વાસ્થ્યના ભોગે નહીં. શહેરનાં ઘણાં ડર્મેટોલોજિસ્ટ્સ સાથે વાત કરતાં માલૂમ પડ્યું કે હોળી-ધૂળેટીની એસુરક્ષિત રીતે ઉજવણી કરવાથી શહેરનાં ઘણાં લોકોને નુક્સાન ભોગવવું પડતું હોય છે.

સ્વાસ્થ્યને અવગણીને તહેવારની ઉજવણી કરવામાં મજા નહીં પરંતુ ઘણી સમસ્યાઓને પણ આપણે આમંત્રણ આપતા હોય છે. કેટલાંકને ટેમ્પરરી તો કેટલાંક લોકોને જીવનભર કેટલીક સમસ્યાઓથી પીડાવું પડતું હોય છે. આ સમય દરમિયાન હસવામાંથી ખસવું ન થાય તેનું ધ્યાન સૌએ રાખવું જ રહ્યું.

પેશન્ટ્સની સંખ્યામાં થાય છે 25%નો વધારો

આ અંગે ડર્મેટોલોજિસ્ટ ડૉ.તૃપ્તિ શાહનું કહેવું છે કે આ હોળી-ધૂળેટીના દિવસો બાદ અમારી પાસે આવતા દર્દીઓની સંખ્યામાં 20%થી 25%નો વધારો થતો હોય છે. મોટા ભાગનાં તો ઓઈલ પેઈન્ટ કે કેમિકલયુક્ત કલરનાં કારણે થયેલી એલર્જીના જ કેસીસ હોય છે. આ દિવસોમાં એલર્જી થવી એ ખૂબ જ કોમન બાબત બની જાય છે. એ સિવાય આંખોમાં કલર જતો રહ્યો એટલે આંખ લાલ થઈ જવી, આંખમાં ઈરિટેશન થવું એ સમસ્યા પણ વધી જાય છે. જ્યારે કે આ પ્રકારની સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા દર્દીએ આગામી 10થી 15 દિવસ સુધી તો રાહ જોવી જ પડે.

હેર ટ્રીટમેન્ટનાં બૂકિંગ્સ પણ વધી જાય છે!

તો બ્યૂટીશિયન કિર્તી પટેલનું કહેવું છે કે લોકો રંગોથી ધૂળેટી તો રમી લે છે. પણ પછી તેમને ખબર પડે છે કે રંગ તેમનાં વાળમાં ગયા બાદ શું કામ કરે છે. આ રંગોના કારણે વાળ ડ્રાય અને રફ થઈ જાય છે. તેમાંથી મોઈશ્વર ઉડી જાય છે. પરિણામે તેની યોગ્ય માવજત પણ જરૂરી બની જાય છે. ધૂળેટી પછી મારે ત્યાં હેર સ્પા અને હેર ટ્રીટમેન્ટનાં બૂકિંગ્સ પણ વધી જાય છે. સામાન્ય દિવસોમાં હેર સ્પાના 2 બૂકિંગ હોય તો ધૂળેટી પછીના 3-4 દિવસમાં દરરોજનાં 5થી 7 બૂકિંગ આવે છે. પણ રંગોના કારણે વાળમાં થયેલા નુક્સાનનું પરિણામ તો લાંબા સમય સુધી ભોગવવું જ પડે છે.

તમને નુક્સાન ત્યારે થાય છે જ્યારે તમે તહેવારની મજા માણવામાં તમારા સ્વાસ્થ્યને અવગણો છો. પરંતુ જો થોડી કાળજી રાખીને તહેવારની ઉજવણી કરો તો તમે સ્વાસ્થ્ય અને મનોરંજન બંને સાથે મેળવી જ શકો છો.