બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભારતીય રાષ્ટ્રપતિ ચૂંટણી
Written By
Last Updated : મંગળવાર, 28 જૂન 2022 (12:12 IST)

President Election 2022 - કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી?

president building india
President Election process- ચૂંટણી પંચે દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. 18 જુલાઈએ દેશના 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન થશે અને 21 જુલાઈએ દેશના નવા રાષ્ટ્રપતિ કોણ બનશે તેની ખબર પડશે.
 
President Election  રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ 29 જૂન છે.
1. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની શી પ્રક્રિયા હોય છે?
રાષ્ટ્રપતિની ચૂંટણી ઇલેક્ટરોલ કૉલેજ દ્વારા કરવામાં આવે છે. લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો આ ઇલેક્ટરોલ કૉલેજના સભ્યો હોય છે અને એ ઉપરાંત બધી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પણ.
 
વિધાન પરિષદના સભ્યો એના સભ્ય નથી હોતા. લોકસભા અને રાજ્યસભાના નામાંકિત સભ્યો પણ એના સભ્ય નથી હોતા.
 
પરંતુ આ બધાના મતોનું મૂલ્ય જુદું જુદું હોય છે. લોકસભા અને રાજ્યસભાના મતનું મૂલ્ય એક હોય છે અને વિધાનસભાના સભ્યોનું અલગ હોય છે. તે રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે.
 
આ ચૂંટણીમાં મશીનનો ઉપયોગ નથી થતો.
 
2. શું રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટાઈ પડે છે? અને એવું થાય તો ચૂંટણી કઈ રીતે થાય છે?
બંધારણના ઘડવૈયાઓએ ટાઈ પડવા-વિષયક વિચાર નહોતો કર્યો, તેથી એના વિશે ઉલ્લેખ નથી. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની બાબતમાં 1952નો જે કાયદો છે એમાં પણ એનો ઉલ્લેખ નથી. આજ સુધીમાં આવી સ્થિતિ ક્યારેય ઊભી નથી થઈ અને ઊભી થવાની સંભાવના પણ નથી દેખાતી.
 
3. રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થયા પછી શું એમનું રાજકીય જીવન સમાપ્ત થઈ જાય છે? શું પછી તેઓ ચૂંટણી નથી લડી શકતા?
બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ સમાપ્ત થયા પછી ફરીથી રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી લડી શકાય છે. રાજકીય જીવન સમાપ્ત થવાનો તો કોઈ સવાલ જ ઊભો નથી થતો. તેઓ ઇચ્છે તો કોઈ પણ પ્રકારનું રાજકીય જીવન જીવી શકે છે. પરંતુ દેશના સર્વોચ્ચ પદ પર રહ્યા પછી, સ્વાભાવિક છે કે તેઓ સાંસદ કે ધારાભ્ય કે રાજ્યપાલ બનવાનું પસંદ નહીં કરે. કેમ કે આ બધાં તો રાષ્ટ્રપતિ કરતાં નીચાં પદ છે.
 
4. ભારતમાં જ્યારે બધા અધિકારો વડા પ્રધાન પાસે હોય છે તો રાષ્ટ્રપતિપદનું શું મહત્ત્વ છે?
એવું નથી કે બધી સત્તા વડા પ્રધાનની પાસે રહે છે. સૌનાં પોતપોતાનાં ક્ષેત્ર છે. સમગ્ર કાર્યપાલિકાની શક્તિ રાષ્ટ્રપતિના હાથમાં હોય છે. રાષ્ટ્રપતિ પ્રત્યક્ષ રીતે કે પછી પોતાને અધીન રહેલા અધિકારીઓના માધ્યમથી એનો ઉપયોગ કરી શકે છે.
 
રાષ્ટ્રપતિની મુખ્ય જવાબદારી વડા પ્રધાનની નિમણૂક કરવાની અને બંધારણનું રક્ષણ કરવાની છે. આ કામ ઘણી વાર તેઓ પોતાના વિવેકથી નક્કી કરે છે. કોઈ પણ બિલ એમની મંજૂરી વિના પાસ નથી થઈ શકતું. તેઓ મની બિલને બાદ કરતાં બાકીનાં બધાં બિલ અંગે પુનર્વિચાર માટે પાછું મોકલી શકે છે.
 
5. રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ લડી શકે છે અને એ વ્યક્તિની યોગ્યતા અને ઉંમર કેટલાં હોવાં જોઈએ? રાષ્ટ્રપતિનાં કર્તવ્ય અને અધિકાર શાં છે?
ભારતના નાગરિક હોવા જોઈએ. ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. લોકસભાના સભ્ય થવાની પાત્રતા હોવી જોઈએ. ઇલેક્ટરોલ કૉલેજના સભ્યોમાંથી 50 પ્રસ્તાવક અને 50 સમર્થન આપનારા હોવા જોઈએ.
 
રાષ્ટ્રપતિનું મૂળ કર્તવ્ય સંઘની કાર્યકારી શક્તિઓનું નિર્વહન કરવાનું છે. સેનાના પ્રમુખોની નિમણૂક પણ તેઓ કરે છે.
 
6. રાષ્ટ્રપતિને પદ પરથી કઈ રીતે હઠાવી શકાય?
મહાભિયોગ દ્વારા રાષ્ટ્રપતિને એમના પદ પરથી હઠાવી શકાય છે.
 
તેના માટે લોકસભા અને રાજ્યસભાના સભ્યોને 14 દિવસની નોટિસ આપવાની હોય છે. એના પર ઓછામાં ઓછા એક ચતુર્થાંશ સભ્યોની સહી થવી જરૂરી હોય છે. પછી ગૃહ એના પર વિચાર કરે છે. જો બે તૃતીયાંશ સભ્ય એને માની લે તો પછી તે બીજા ગૃહમાં જશે. બીજું ગૃહ એની તપાસ કરશે અને ત્યાર બાદ બે તૃતીયાંશ સમર્થનથી તે પણ પાસ કરી દેવાય તો પછી રાષ્ટ્રપતિને પદ પરથી દૂર થયેલા માનવામાં આવશે.
 
7. શું બે જ ઉમેદવાર ઊભા રહે છે કે વધારે ઉમેદવાર પણ હોઈ શકે?
બેથી વધારે ઉમેદવાર પણ હોઈ શકે છે. જોકે એમાં એક શરત છે કે 50 પ્રસ્તાવક અને 50 સમર્થન કરનારા હોવા જોઈએ,
 
8. રાષ્ટ્રપતિ ક્ષમાદાનના પોતાના અધિકારનો ઉપયોગ પોતાના વિવેકના આધારે કરે છે કે મંત્રીપરિષદની સલાહના આધારે?
રાષ્ટ્રપતિ ક્ષમાદાનના અધિકારનો ઉપયોગ મંત્રીપરિષદની સલાહના આધારે જ કરે છે, પરંતુ મંત્રીપરિષદે રાષ્ટ્રપતિને શી સલાહ આપી છે, તે અદાલતમાં પૂછી શકાતું નથી.
 
 
9. સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ એટલે શું?
એમાં જોગવાઈ એવી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રમાણસરનું પ્રતિનિધિત્વ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ હશે. બંધારણના નિર્માણ વખતે આ એક પણ મિટિંગ વગર પાસ થઈ ગયો હતો. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે એક કરતાં વધારે સીટો માટે જો ચૂંટણી થઈ રહી હોય તો પ્રમાણસરના પ્રતિનિધિત્વનો મુદ્દો ઊભો થાય છે, એક પદ માટે નહીં.
 
10. શું અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિની કોઈ ચૂંટણી વિના વિરોધે થઈ છે?
નીલમ સંજીવ રેડ્ડી એક એવા રાષ્ટ્રપતિ બન્યા હતા જેમને વિના વિરોધે ચૂંટવામાં આવ્યા હતા અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એકલા એવા રાષ્ટ્રપતિ હતા જેમને બે વાર ચૂંટવામાં આવ્યા.
 
રામનાથ કોવિંદ
11. રામનાથ કોવિંદ વિશે માહિતી
રામનાથ કોવિંદે 25 જુલાઈ, 2017એ ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. રામનાથ કોવિંદ સર્વોચ્ચ અદાલતમાં વકીલ રહી ચૂક્યા છે અને દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ સ્વીકારતાં પહેલાં તેઓ બિહારના રાજ્યપાલ હતા.
 
એમને સર્વોચ્ચ અદાલતથી માંડીને સંસદ સુધીનાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાનો અનુભવ છે.
 
રામનાથ કોવિંદનો જન્મ 01 ઑક્ટોબર, 1945ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના પરૌંખ ગામમાં થયો હતો.
 
એમણે પ્રાથમિક અને ઉચ્ચતર શિક્ષણ પણ કાનપુરમાં જ લીધું. એમણે પહેલાં કૉમર્સ ગ્રૅજ્યુએટની પરીક્ષા પાસ કરી અને પછી કાનપુર વિશ્વ વિદ્યાલયમાંથી કાયદાની ડિગ્રી મેળવી.
 
તેઓ 1977થી 1979 સુધી દિલ્હીમાંની સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારના વકીલ હતા. 1978માં તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતમાં ઍડ્‌વોકેટ ઑન રેકૉર્ડ બન્યા. 1980થી 1993 સુધી તેઓ સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારના સ્થાયી વકીલ હતા.
 
1994માં, રામનાથ કોવિંદ ઉત્તર પ્રદેશમાંથી સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. માર્ચ 2006 સુધી 6-6 વર્ષના સતત બે કાર્યકાળ માટે તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા.
 
08 ઑગસ્ટ, 2015માં એમણે બિહારના રાજ્યપાલ તરીકેનો પદભાર સંભાળ્યો.
 
ત્યાર બાદ તેઓ દેશના 14મા રાષ્ટ્રપતિ બન્યા.
 
લાઇન
અત્યાર સુધીમાં ભારતમાં કેટલા રાષ્ટ્રપતિ બન્યા અને એમનાં નામ શાં છે?
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પહેલાં દેશમાં 13 રાષ્ટ્રપતિ હતા.
 
•ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (1884-1963)
 
•ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1888-1975)
 
•ડૉ. ઝાકીર હુસૈન (1897-1969)
 
•વરાહગિરી વેંકટગિરી (1894-1980)
 
•ડૉ. ફખરુદ્દીન અલી અહમદ (1905-1977)
 
•નીલમ સંજીવ રેડ્ડી (1913-1996)
 
•જ્ઞાની ઝૈલસિંહ (1916-1994)
 
•આર વૈંકટરમન (1910-2009)
 
•ડૉ. શંકરદયાલ શર્મા (1918-1999)
 
•કે. આર. નારાયણન (1920 - 2005)
 
•ડૉ. એપીજે અબ્દુલ કલામ (1931-2015)
 
•પ્રતિભાદેવીસિંહ પાટિલ (જન્મ - 1934)
 
•પ્રણવ મુખર્જી (1935-2020)