USA કોન્સ્યુલેટ જનરલ એરિક ગાર્સેટીએ અમદાવાદના હેરિટેજ સ્થળો નિહાળ્યા, મોદી સ્ટેડિયમમાં મેચ જોવા જશે
અમેરિકા જવા માગતા ભારતીયોને વિઝા માટે ઓછો સમય રાહ જોવી પડે, વિઝા બેક લોગ ઘટે તેના પ્રયાસ કરશેઃ એરિક ગાર્સેટી
એરિક ગાર્સેટીએ સાબરમતિ આશ્રમની મુલાકાત લઈને ચરખો પણ કાંત્યો, કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા
અમેરિકાના કોન્સ્યુલેટ જનરલ એરિક ગાર્સેટીએ અમદાવાદમાં સાબરમતિ આશ્રમની મુલાકાત લીધી હતી. તેમણે અમદાવાદના હેરિટેજ સ્થળોને નિહાળ્યા હતાં અને કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતાં. તેઓ આજે ગિફ્ટ સિટીમાં રાજકીય અને સામાજિક લીડર્સને મળશે. તે ઉપરાંત તેઓ સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચેની આઈપીએલની મેચ જોવા માટે જશે.
એરિક ગાર્સેટી મેચ જોવા પણ જશે
તેમણે કહ્યું હતું કે, સાબરમતિ આશ્રમની મુલાકાત લઈને કંઈક નવી જ અનૂભૂતિ થઈ હતી. અમદાવાદમાં આપની સાથે આ એક યાદગાર મુલાકાત છે. તેમણે ઉમેર્યું હતું કે, શહેરના હેરિટેજ સ્થળોને નિહાળવાનો આનંદ કંઈક અલગ છે. આજે શહેરમાં મહિલાઓ માટે કામ કરતી સંસ્થાની મુલાકાત પણ કરવી છે. તે ઉપરાંત ગિફ્ટ સિટીમાં બિઝનેસ મેન સાથે પણ ચર્ચાઓ કરવી છે. તે ઉપરાંત ગુજરાતના રાજકિય તથા સામાજિક લીડરો સાથે દ્વીપક્ષીય ચર્ચાઓ પણ કરવી છે. તેમણે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચેની મેચ જોવા માટે પણ રસ દાખવ્યો હતો અને બંને ટીમોને શુભકામનાઓ પાઠવી હતી.
વિઝા માટે બેકલોગ ઘટે તેવા પ્રયાસ કરાશે
અમદાવાદમાં સાબરમતિ આશ્રમ મહાત્મા ગાંધીજીના અહિંસાના સંદેશ અને ભારતની લોકશાહીના કાયમી પ્રતિક તરીકે અડીખમ ઉભો છે. એક રાજદૂત તરીકે દિલ્હી બહારની મારી આ મુલાકાત લોકો સાથે વાત કરવા માટેનું યોગ્ય સ્થાન છે. મારી અમદાવાદ મુલાકાત ગુજરાત અને અમેરિકા માટે ભારતનું મહત્વ દર્શાવે છે. તેમણે એવા પણ સંકેતા આપ્યા હતાં કે, ભારતીય વિદ્યાર્થી ઓને વધુ વિઝા મળે અને અમેરિકા જવા માગતા ભારતીયોને વિઝા માટે ઓછો સમય રાહ જોવી પડે, વિઝા બેક લોગ ઘટે તેના પ્રયાસ કરશે. આગામી જૂન મહિનામાં ભારતના વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાત લેવાના છે. તેને લઈને મને ખૂબજ ઉત્સાહ છે અને તેમની તથા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બાઈડન સાથેની મુલાકાત ઐતિહાસિક હશે તેમ તેમણે કહ્યું હતું.