રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 જાન્યુઆરી 2018 (13:06 IST)

ભાજપ તેના પ્લાનિંગમાં નિષ્ફળ નિવડતાં નર્મદા મુદ્દે આંદોલન થશે - ભરત સોલંકી

રૈયા રોડ પર પ્રમુખ સ્વામી હોલમાં કોંગ્રેસ દ્વારા આજે સૌરાષ્ટ્ર ઝોનની ચૂંટણીનો તખતો ઘડવા સૌરાષ્ટ્રના ધારાસભ્યો અને ઝોનના આગેવાનો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી ખાસ હાજર રહ્યા હતા. શહેરના જ્યુબેલી બાગ પાસે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ ભાજપ પર પ્રહારો કરતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ તેના પ્લાનિંગમાં નિષ્ફળ નિવડી છે. નર્મદા મુદે યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલન કરતા અચકાશું નહીં.

આ તકે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો દાવો કરતા તેમણે જણાવ્યું હતું કે, ભ્રમિત અને ભ્રષ્ટાચારી ભાજપથી લોકો થાક્યા છે. એટલે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે. ગત વિધાનસભા ચૂંટણીમાં પણ સૌરાષ્ટ્રની મહત્વની ભૂમિકા રહી હતી. ત્યારે સૌરાષ્ટ્ર નગરપાલિકામાં પણ કોંગ્રેસની જીત નિશ્ચિત છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જીતનો દાવો કર્યો હતો. જોકે કોંગ્રેસ જીતી તો ન શકી પરંતુ કોંગ્રેસને ગુજરાતમાં મજબૂતાઈ અવશ્ય મળી હતી. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીઓમાં વર્ષો બાદ જબરદસ્ત ટક્કર ભાજપને આપી હતી. જોકે હવે જોવાનું એ રહે છે કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ કેટલી સફળ થાય છે.