બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : સોમવાર, 10 જુલાઈ 2017 (15:56 IST)

દિલ્હીમાં રાહુલ ગાંધી સમક્ષ શંકરસિંહ વાઘેલાની મનકી બાત, ભરત સોલંકીએ પ્રમુખપદ છોડવા તૈયારી દર્શાવી

વિધાનસભાની ચૂંટણીન ટાણે જ ગુજરાત કોંગ્રેસનુ ઘર જૂથવાદની આગમાં સળગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ ટાળવા હાઇકમાન્ડ ફરી એકવાર પ્રયાસો હાથ ધર્યાં છે . દિલ્હીમાં રાહુલ ગાંધી સમક્ષ શંકરસિંહ વાઘેલાએ ૪૫ મિનિટ સુધી મન કી બાત કહી હતી. સૂત્રોના મતે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના જૂથવાદને ઠારવાનો મુદ્દો હાથ પર લીધો છે

જેના ભાગરૃપે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દક્ષિણ ગુજરાતના પ્રવાસેથી સીધા જ દિલ્હી પહોંચ્યા હતાં . શનિવારે દિલ્હીમાં રાહુલ ગાંધીએ શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી સાથે અલગ અલગ મળી તેમની વાત સાંભળી હતી. શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં કોંગ્રેસની રાજકીય ઇમેજ , અંદરોઅંદરનું રાજકારણ , વર્તમાન રાજકીય સ્થિતી સહિત ચૂંટણી વખતે શું કરી શકાય , અત્યારે શું ખામી છે તે તમામ મુદ્દે વાત રજૂ કરી હતી. રાહુલ ગાંધીએ ભરત સોલંકી સાથે ૨૫ મિનિટ વાત કરી હતી. પ્રદેશ પ્રમુખે મોટુ મન રાખીને જો પક્ષમાં મનમેળાપ થતો હોય તો પ્રદેશ પ્રમુખપદ છોડી દેવાની પણ તૈયારી દાખવી હોવાનું જાણવા મળ્યું છે.બંન્ને નેતાઓ સાથેની બેઠક બાદ રાહુલે અશોક ગેહલોત સાથે પણ બેઠક યોજીને ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતીનો અંદાજ મેળવ્યો હતો. સૂત્રો કહે છેકે, પ્રદેશ કોંગ્રેસના કેટલાંક નેતાઓને સંગઠનની જવાબદારી મળી શકે છે.આ ઉપરાંત હવે ગુજરાત કોંગ્રેસના નવા માળખાની પણ જાહેરાત થઇ શકે છે. અત્યારે તો જીલ્લા-તાલુકામાં બેઠકોનો દોર-પ્રવાસ થકી કોંગ્રેસ ચૂંટણીનો ધમધમાટ શરૃ કર્યો છે. હવે દડો રાહુલ ગાંધીની કોર્ટમાં છે. તેમના નિર્ણય પર સૌ કોઇની નજર મંડાઇ છે. આ ઉપરાંત બાપુ પણ શું કરશે તે મુદ્દે રાજકીય અનુમાનો શરૃ થયા છે.