મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 જાન્યુઆરી 2018 (12:43 IST)

ગોંડલમાં સરકારી મગફળીની બે લાખ બોરી આગમાં ખાખ થઈ ગઈ

ટેકાના ભાવની મગફળી ખરીદીમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ આચર્યું હોવાની શંકાના લબકારા ઉઠતા હતા. આ લબકારા કૌભાંડમાં સંડોવાયેલાઓને ભડકે બાળે તે પૂર્વે જ ગોંડલમાં ઉમવાડા રોડ પર ખાનગી ગોડાઉનમાં આગ ફાટી નીકળતા તેમાં રાખેલી સરકારી મગફળીની બે લાખ બોરી ખાખ થઈ ગઈ છે. આ તકે અગન જવાળા સાથે ઘટના પણ શંકાસ્પદ હોવાના કાળા ડિબાંગ ધૂમાડા નીકળતા રાજકોટ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ ફોરેન્સિક તપાસના તેમજ ગોંડલ પ્રાંત અધિકારીને મેજીસ્ટેરીયલ ઈન્કવાયરી કરવાના પણ આદેશ આપ્યા છે.
આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. આગ હજી પણ બેકાબૂ બની રહી છે.


મગફળીના ભાવ તળિયે બેસી જતા સરકાર ટેકાના ભાવે ખેડૂતોની મગફળી લેવા આગળ આવી હતી. પરંતુ તેમાં દલાલો, કમિશનબાજો અને વહીવટદારોએ ખેલ પાડીને ભોળા ખેડૂતો પાસેથી ૭-૧રના દાખલા વગેરે દસ્તાવેજો લઈને તેનું વેચાણ કરીને ખિસ્સા ભરી લીધાનું કૌભાંડ ભૂગર્ભમાંથી સપાટી પર આવી રહ્યું છે. બરાબર આવા સમયે જ ગોંડલ શહેરના ઉમવાડા રોડ પર દિનેશભાઈ અંબાણીના રામરાજ જીનિંગ મીલના વેરહાઉસમાં ગુજકોટ અને નાફેડ દ્વારા રાખવામાં આવેલ અંદાજે બે લાખ બોરી મગફળીના જથ્થામાં આગ ભભૂકી ઉઠતા ફાયર ફાઈટરો દોડી ગયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૃપ લેતા કાળા ધૂમાડાના વાદળો શહેરભર ઉપર છવાઈ ગયા હતા. આગનું વિકરાળ સ્વરુપ જોતા લોકોના ટોળા ઉમટયા હતા. અને ચર્ચા કરવા લાગ્યા હતા કે આગ લાગી નથી પરંતુ લગાડવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે.

ટેકાના ભાવમાં મગફળી ખરીદીમાં આચરવામાં આવેલું પાપ છાપરે ચડીને પોકારે તે પહેલા તેનો નાશ કરવાનું કારસ્તાન કરવામાં આવ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું. નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આવી મોટાભાગની ઘટનામાં સેન્ટરવાળા અને ખરીદી વાળાની ગોલમાલ હોય તો જ આગ લાગે છે. ગોડાઉન ફરતે અને માલ ફરતે ચાર ફૂટ જગ્યા છોડવાના નિયમ હોય છે. એવામાં આગ લાગવાની શક્યતા ઘટી જાય. રાજકારણ અને વચેટીયાઓની સાંઠગાંઠને કારણે મંડળી ફડચામાં જતી હોય તેને પણ કામ આપવામાં આવે છે. છેવટે ખોટું થાય અને આગ લાગી જાય છે. એકંદરે પ્રજાના પૈસા બગડે છે.