બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જાન્યુઆરી 2021 (09:43 IST)

રાજ્યમાં પહેલી ફેબ્રુઆરીથી કેદીઓ જેલમાં પોતાના સ્વજનો સાથે મુલાકાત કરી શકશે

રાજ્યમાં કોરોના વાયરસને કારણે લગાવવામાં આવેલા લૉકડાઉન બાદ હવે જેલના કેદીઓ તેમના સ્વજનોને જેલમાં જ મુલાકાત કરી શકશે. કોરોનાને કારણે લગાવવામાં આવેલો પ્રતિબંધ હવે દુર કરવામાં આવ્યો છે. ત્યારે એક ફેબ્રુઆરીથી કેદીઓ જેલમાંજ તેમના સ્વજનો સાથે મુલાકાત કરી શકશે. જો,કે કેદીના સ્વજનોના કોરોનાના રેપીડ ટેસ્ટ નેગેટિવ આવશે તો જ તેમની મુલાકાત શક્ય બનશે. તેની સાથે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પણ પાળવા પડશે. આ નિર્ણય લેવાયો છે ત્યાં સાબરમતિ જેલમાં બે કેદીઓ કોરોના પોઝિટીવ આવ્યાં છે. સાબરમતિ જેલમાં કુલ 3 હજાર કેદીઓને તેમના સ્વજનો સાથે મુલાકાતનો લાભ તબક્કાવાર મળશે. ગુજરાત રાજ્ય જેલોના વડા ડો. કે.એલ. રાવે બે દિવસ અગાઉ જારી કરેલા પત્રમાં જણાવ્યું છે કે, એપ્રિલ-2020થી કોરોના વાયરસના સંક્રમણની મહામારીની પરિસ્થિતિમાં જેલોમાં સંક્રમણ નિયંત્રણના ભાગરૂપે કેદીઓની રૂબરૂ મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ધીમે-ધીમે ઓછું થઈ રહ્યું છે અને રેપીડ એન્ટિજન ટેસ્ટનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે. સાથો જ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આવા સંજોગોમાં રાજ્યની જેલોમાં રહેલા કેદીઓ તેમના નજીકના લોહીના સંબંધ ધરાવતા કુટુંબીજનો સાથે રૂબરૂ મુલાકાતની અનુકુળતા કરવી કેદીઓના હીતમાં આવશ્યક જણાઈ છે. આથી શરતો અને કાર્યપદ્ધતિને આધિન કેદીઓની તેમના સ્વજનો સાથે પ્રત્યક્ષ મુલાકાત એક ફેબ્રુઆરીથી ચાલુ કરવાની મંજુરી આપવામાં આવે છે. સાબરમતી જેલ સહિત રાજ્યની જેલોમાં કેદી મુલાકાત એપ્રિલ મહિનાથી બંધ હતી. સામાન્ય દિવસોમાં કેદીના સ્વજનોને અઠવાડિયે 20 મિનિટ મળવાની મંજુરી અપાતી હતી તેના બદલે 15 દિવસે 20 મિનિટ જ મુલાકાત અપાશે. હાલમાં કુલ 3000 કેદી છે એવા સંજોગોમાં રોગચાળો ફેલાય નહીં તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સોશિયલ ડીસ્ટન્સ જાળવવા ઉપરાંત મુલાકાત લેવા આવનાર વ્યક્તિ પાંચને બદલે ઘટાડીને એક-બે જ કરવામાં આવશે. આવનાર વ્યક્તિના રેપીડ ટેસ્ટ નેગેટિવ આવે તો જ પ્રવેશ અપાશે.જેલમાં રહેલા કેદીઓ સ્વજનો સાથે મુલાકાત થઈ ન હોવાથી કેદીઓ અકળાઈ ગયાં છે. આઠ મહિનાથી કોર્ટ પણ બંધ હોવાથી કેદી બહાર જઈ શકતાં નથી. જરૂર પડે તો વિડિયો કોન્ફરન્સથી કેદીને ઓનલાઈન રજૂ કરવામાં આવે છે. એ જ રીતે બિમાર પડતાં કેદીઓની સિવિલમાં સારવાર પણ ખૂબ ઓછી કરી નાંખી છે. ગંભીર બિમારી સિવાય કેદીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં નથી. આમ છેલ્લા 9 મહિનાથી જેલમાં કંટાળેલા કેદીઓ માટે આખરે સ્વજનોને મળવાની તક આગામી પહેલી ફેબ્રુઆરીથી શક્ય બનશે.