IPL- ગુજરાત લાયન્સની ચીઅર લીડર્સ ગરબા રમી શકે તેવી શક્યતા
બોર્ડ તેમજ શૈક્ષણિક મોટાભાગની પરીક્ષાઓ પુરી થયા બાદ એપ્રિલ માસની ૭મી તારીખથી રાજકોટમાં આઈપીએલનો પ્રથમ મેચ રમાશે. હોમ ટીમ ગુજરાત લાયન્સની ટક્કર કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે. આ સાથે જ રાજકોટ તેમજ સમગ્ર ગુજરાતમાં આઈપીએલ અને ક્રિકેટ ફિવર છવાઈ જશે. આ પૂર્વે હોમ ગ્રાઉન્ડ ખંઢેરી સ્ટેડિયમની સમીક્ષા કરવા રાજકોટ આવેલા ગુજરાત લાયન્સ ટીમના માલિક કેશવ બંસલે એક અખબાર સમક્ષ ચીઅર લીડર્સ સાથે ગરબા રમાડવાની શક્યતા વ્યક્ત કરી હતી.
ગુજરાતની ઓળખ ગરબા છે. આઈપીએલ વૈશ્વિક બ્રાન્ડ બની ગઈ છે ત્યારે ગુજરાતની સંસ્કૃતિ સમાન ગરબાને પણ આઈપીએલમાં ચીઅર લીડર ગર્લ્સ સાથે સ્થાન આપવા સુજાવ કરાયો હતો. જેને કેશવ બંસલે આવકાર્યો હતો અને આ માટે પુરા પ્રયાસો કરવા જણાવ્યું હતું. ગયા વર્ષે પદાર્પણ કરનાર ગુજરાત લાયન્સ ટીમની બોલિંગ લાઈન નબળી હતી. જેને ધ્યાને રાખી આગામી સીઝન માટે મુનાફ પટેલ, મનપ્રિત ગોની, નથુ સિંઘ જેવા ફાસ્ટ બોલર સાથે યુવા બ્રિગેડ તૈયાર કરવા પર વધુ ધ્યાન અપાયું છે. રાજકોટ તેમજ ગુજરાતભરના ક્રિકેટ રસિકોએ હોમ ટીમ તેમજ ક્રિકેટ માટે દર્શાવેલા ઉત્સાહ અને સપોર્ટ બદલ તેમણે સંતોષ અને ખુશી વ્યક્ત કરી હતી. આઈપીએલની ૧૦મી સીઝનમાં લોકલ બોય રવિન્દ્ર જાડેજા પર ટીમનો વધુ પડતો દારોમદાર રહેશે. નોંધનીય છે કે બીસીસીઆઈ સાથેના કરાર મુજબ ગુજરાત લાયન્સને માત્ર બે વર્ષ માટે જ ટીમ તરીકે માન્યતા મળી છે. જે પ્રમાણે આઈપીએલમાં ટીમનું આ બીજું અને અંતિમ વર્ષ છે ત્યારે બીસીસીઆઈ સમક્ષ આગામી વર્ષોમાં પણ ગુજરાત લાયન્સ આઈપીએલમાં ટીમ તરીકે ચાલુ રાખે તેવી રજૂઆત કરવામાં આવશે