ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2013
Written By વેબ દુનિયા|

ગુરૂનો મિથુન રાશિમાં પ્રવેશ : જાણો બાર રાશિના જાતકોને કેવુ ફળ મળશે ?

P.R
મોક્ષમાર્ગે સડસડાટ આગળ વધવામાં મદદરુપ થનાર ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સામાન્ય રીતે ગુરુ એક રાશિમાં એક વર્ષ સુધી રહેતો હોય છે. જે મિથુન રાશિમાં તા.૧૭ જૂન, ૨૦૧૪ સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિ બુધની ગણાય છે અને આ રાશિમાં ગુરુનું પરિભ્રમણને પગલે દેશ માટે સમય કપરો રહે. સાથે જ અનેક રાજકીય નેતાઓ અને મોટા ધર્મગુરુઓને મોઢું સંતાડવું પડે તેવી વિષમ પરિસ્થિતિ સર્જાઇ શકે છે.

ગુરુનાં રાશિ પરિવર્તન સમયે જે કુંડળી બને છે, તેનું અવલોકન કરી જૈન મુનિ મિત્રાનંદસાગરજી મ.સા.એ જણાવ્યું કે આ સમયે વૃષભ લગ્ન ઉદિત થયેલું છે. રાશિ બદલ્યા પછી બીજા ધનભાવમાં, ગુરુ-બુધ અને શુક્ર સાથે યુતિ રચે છે. છઠ્ઠા શત્રુ સ્થાનમાં શનિ-રાહુ ઉગ્ર શાપિત યોગ રચી રહ્યાં છે. કેતુ બારમા સ્થાનમાં છે અને નોંધપાત્ર રીતે ચંદ્ર તદ્દન એકાકી રીતે દશમભાવમાં શનિનાં સ્થાનમાં બેઠો છે. આઝાદ ભારતની કુંડળીમાં પણ વૃષભ લગ્ન છે એ બાબત ધ્યાનમાં લઇએ અને ગુરુનાં પરિવર્તન સમયે શાપિત યોગ, કેમદ્રુમ યોગ, સૂર્ય-મંગળની યુતિ વગેરે જે વિષય યોગો બની રહ્યાં છે તે જોઇએ તો આગામી સમય દેશ માટે બહુ કપરો નીવડવાની અનેક નિશાનીઓ પૂરી પાડે છે.

તેમણે જણાવ્યું કે દેશનાં વિકાસની ગતિમાં રુકાવટ, નેતાઓનાં છળ-કપટની વધતી ભાવનાઓ, પ્રજા સાથે ખુલ્લેઆમ છેતરપિંડી, નેતાઓ દ્વારા વધુને વધુ ધન પડાવી લેવાની વૃત્તિ વગેરે બાબતોમાં આગામી સમયમાં ઉછાળો આવતો જોવાશે. ગુરુ જે સ્થાનમાં હોય તેની હાનિ કરતો હોવાનું માનવામાં આવે છે, એ બાબત લક્ષ્યમાં લઇએ તો દેશનું ધન લૂંટાઇને પિંઢારાઓનાં હાથ જાય તેવી સંભાવના પ્રબળ બની જાય છે. ધનભાવમાં બુધ, શુક્ર અને ગુરુનું સંયોજન ધર્મગુરુઓ માટે પણ સારા સંકેતો આપનારું જણાતું નથી. મોટા-મોટા ધર્મગુરુઓને મોઢું સંતાડવું પડે એવી વિષમ પરિસ્થિતિઓ ઉભી થતી દેખાશે.

ગુરુનો સમાવેશ શુભ ગ્રહોમાં થાય છે. ગુરુ ગ્રહ પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે. જેનો ગુરુ શ્રેષ્ઠ હોય તે ઓછા પ્રયત્ને જ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે, એમ કહી જૈન મુનિએ જણાવ્યું કે ગુજરાતનાં પનોતાપુત્ર કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય મહારાજ, મહાન વૈયાકરણ પાણિનિ, ભગવાન મહાવીર, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્રજી વગેરેની કુંડળીમાં પરમ ઉચ્ચ અવસ્થા સહિતનું ગુરુનું અત્યંત શુભત્વ ઇતિહાસમાં નોંધાઇ ચૂક્યુ છે.

તેમણે જણાવ્યું કે શાપિત યોગની અસર હેઠળ જન્મેલા જાતકો માટે આરોગ્ય, શિક્ષણ વગેરે વિકટ પ્રશ્નો ઊભા થતાં દેખાશે. શિક્ષણ વ્યવસ્થામાં અંધાધૂંધી થઇ શકે છે. શિક્ષકો પોતાનો ગુરુધર્મ ભૂલાતા જોવા મળી શકે. અનેક નેતાઓ અને ધર્મનેતાઓને બદનામી ઉપરાંત આરોગ્યની પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે. એકંદરે ગુરુ પોતાની પ્રતિષ્ઠા મુજબ શુભત્વનો માર્ગ બતાવવાનાં બદલે અશુભત્વ તરફ પ્રયાણ કરતો દેખાશે. જ્યારે જે જાતકની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય તેમણે શ્વેત વર્ણની માળાથી પોતાનાં ઇષ્ટદેવનાં જાપ કરવા. સાથે જ જે જૈન જાતકોની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય તેમણે આદિનાથ પ્રભુ અને ગૌતમ સ્વામીનાં જાપ કરવા.


ગુરુનાં મિથુન રાશિ પ્રવેશનું બારેય રાશિનાં જાતકોને કેવું ફળ આપશે?

ગુરુ મહારાજ મિથુન રાશિમાં પ્રવેશ કરતાં બારેય રાશિઓનાં જાતકોને જે ફળ આપે છે, તે આ મુજબનું છે

મેષઃ આરોગ્યની કાળજી રાખવી, વિદ્યાર્થીઓ માટે વધુ મહેનત માંગી લેતો સમયગાળો.

વૃષભઃ પ્રગતિમાં અવરોધો આવે. આર્થિક વ્યવહારોમાં સાવચેતી રાખવી. સ્ત્રીઓ માટે લાભદાયક સમય.

મિથુનઃમોટા રોકાણો કરતાં પહેલા બરાબર ચકાસી લેવું, મૂડીનું ધોવાણ ન થાય તેની કાળજી રાખવી પડશે.

કર્કઃ વધુ પડતાં આત્મવિશ્વાસથી આંધળું સાહસ ન કરવું. સહી-સિક્કા કરતાં પહેલાં બે વાર વિચારવું.

સિંહઃ જીત તમારી થશે પરંતુ દોડવામાં ઉતાવળ ન કરવી. આરોગ્યની કાળજી રાખવી.

કન્યાઃ સારા સમાચારો માટે તૈયાર રહો. પણ લક્ષ્મીજી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જશો.

તુલાઃ સર્વક્ષેત્રે સાવધાની રાખવી આવશ્યક છે. શનિદેવને રિઝવવા પડે તેવો સમય.

વૃશ્ચિકઃ મન શાંત રાખવાની જરુર પડશે. ઉશ્કેરાટમાં બાજી ન બગડે તેવો વિવેક રાખશો તો જીતી જશો.

ધનઃ સમય સફળતાદાયી બની રહેશે. નુકસાન કરતાં લાભનું પ્રમાણ વધુ રહેશે.

મકરઃ જોઇ વિચારીને પગલાં ભરવા. એકંદરે સમય શુભ ફળદાયી, લાભપ્રદ રહે.

કુંભઃ વેપાર-ધંધામાં સંભાળવું પડે, અધ્યયન ક્ષેત્રે વધુ મહેનતે ઇચ્છિત ફળ મળે. આરોગ્ય મધ્યમ.

મીનઃ તંદુરસ્તીનું ધ્યાન રાખવી. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખશો તો લાભમાં રહેશે.