રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: જામનગર , મંગળવાર, 23 જુલાઈ 2024 (18:46 IST)

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

rain 3
rain 3
છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક ગામડાઓમાં પાણી ફરી વળતાં લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની જાત માહિતી મેળવવા મુખ્ય સચિવ રાજકુમાર સાથે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.મુખ્યમંત્રીની સાથે અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ પોલીસ વડા વિકાસ સહાય પણ સાથે જોડાયા હતા. 
 
આજે નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા પુર જેવી સ્થિતિ સર્જાય છે. જેની સામે ઉત્તર અને મધ્ય ગુજરાત હજુ પણ વરસાદ માટે ઝંખી રહ્યું છે. આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 22 જુલાઈ સુધીમાં સીઝનનો 52 ટકા વધુ વરસાદ ખાબક્યો છે.આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂકાવા સહિત વરસાદની સંભાવના છે, તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આજે નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 
 
કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં 10 ઇંચ અને  વિસાવદર તાલુકામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના પલસાણા અને બારડોલી તાલુકામાં 7 ઇંચ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં 7 ઇંચ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે.રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 44 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 66 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં કુલ 58 ટકા, દક્ષિણ ગુજરાતમાં 50 ટકા, ઉત્તર ગુજરાતમાં 24 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ 24 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.