ચૂંટણી રદ થવાનો મામલો ભૂપેન્દ્રસિંહે ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો
રાજ્યના કાયદા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની 2017ની વિધાનસભા ચૂંટણીને ગુજરાત હાઇકોર્ટે રદ કરી છે. જેને પગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે અને આજે સુપ્રીમમાં અરજી પણ કરી દીધી છે. આ અંગે ભાજપે સુપ્રીમમાં તેમની જીત થશે તેવી આશા સેવી છે, પરંતુ ભાજપના આંતરિક રાજકારણના પ્રવાહો હાલ કંઇક જૂદું ચિત્ર રજૂ કરે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાઈકોર્ટના ચુકાદા બાદ પક્ષ અને સરકાર તરફથી સૌથી પહેલી પ્રતિક્રિયા આપી શબ્દો ચોર્યાં વિના કહ્યું કે અમારા વકીલોએ અમને કહ્યું છે કે આ ચુકાદા બાદ ધારાસભ્યપદ રહેતું નથી. જોકે ચુડાસમાને હિંમત આપતા તેમણે ઉમેર્યું કે અમે બધાં તેમની સાથે છીએ. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે હાઇકોર્ટના ચૂકાદાની નકલ મળ્યે સ્વાભાવિક રીતે ભૂપેન્દ્રસિંહને ધારાસભ્યપદેથી દૂર કરવાની વિધિ કરવી પડે, પણ હજુ નકલ મળી નથી. વળી જો તે પૂર્વે કે પછી પણ સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા પર વચગાળાનો મનાઇ હુકમ ફરમાવે તો આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી જ ચુડાસમાનું ધારાસભ્યપદ ચાલુ રહે. ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને ભાજપ હાઇકમાન્ડ ચાહે તો જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ધારાસભ્યપદ છીનવાઇ ગયા પછી પણ મંત્રીપદે યથાવત્ રાખી શકે છે. પરંતુ આ માટે ભૂપેન્દ્રસિંહને નિયમ પ્રમાણે છ મહિનામાં ચૂંટાઇને વિધાનસભામાં આવવું પડે.