રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (15:10 IST)

વડોદરાની MS યુનિવર્સિટીમાં ગર્લ્સ બાદ હવે બોયઝ હોસ્ટેલમાં 141 ટેસ્ટમાંથી 21 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા

વડોદરાની MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં આજે સવારથી કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. બોયઝ હોસ્પેટલના કુલ 12 હોલના 141 વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રીતે ટેસ્ટ કરાવ્યા હતા. જેમાંથી 21 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે. જેને પગલે વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતિત થયા છે.

આ ઉપરાંત એક સિક્યોરિટી ગાર્ડનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ બોયઝ હોસ્ટેલને સેનિટાઈઝેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગઇકાલે ગર્લ્સ હોસ્ટેલની 36 વિદ્યાર્થિનીઓ પોઝિટિવ આવી હતી અને આજે બીજા દિવસે બોયઝ હોસ્ટેલમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે. યુનિવર્સિટીની કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં અધ્યાપકો બિન શૈક્ષણિક કર્મચારીઓને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા સાતથી આઠ દિવસમાં જ જેટલા કેસો આવ્યા હોવાનું બહાર આવ્યું છે. નેકની પ્રી ઇન્સ્પેકશન બેઠકોના પગલે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

આર્ટ્સ કોમર્સ સાયન્સ ફેકલ્ટીમાં અધ્યાપકોને એક રૂમમાં બેઠકો કરવામાં આવી રહી છે. જેને લઇને સંક્રમણ વધ્યાની શંકા છે. નેકની બેઠકો મોકુફ રાખવાની માગણી વધી રહી છે.એમ.એસ.યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં કોરોના વિસ્ફોટ થયો છે. ગુરુવારે ગર્લ્સ હોસ્ટેલની 175 વિદ્યાર્થિનીઓના ટેસ્ટ કરવામાં આવતા 36 વિદ્યાર્થિનીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં યુનિવર્સિટી કેમ્પસમાં બનેલા આઇસોલેશન હોલમાં રાખવામાં આવી છે. યુનિવર્સિટીના ચીફ વોર્ડન વિજય પરમારે જણાવ્યું હતું કે, આ તમામ વિદ્યાર્થીઓના પરિવારને ફોન કરીને જાણ કરાઇ છે. ગર્લ્સ હોસ્ટેલમાં ચાલી રહેલા કોરોના ટેસ્ટિંગની લાઈનો જોઈને એચ.એમ હોલની વિદ્યાર્થીની ગભરાઈને બેહોશ થઈ ગઈ હતી. જોકે, બાદમાં પ્રાથમિક સારવાર બાદ હોશમાં આવી ગઈ હતી. વિદ્યાર્થીનિનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. હોસ્ટેલ સત્તાધીશોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ સવારે નાસ્તો ના કર્યો હોવાથી બેહોશ થઈ ગઈ હતી.વડોદરામાં પહેલીવાર ગુરુવારે એક જ દિવસમાં 3094 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. એટલે કે એક કલાકમાં જ 123 દર્દીઓ સરેરાશ શહેરમાં નવા ઉમેરાયા હતા. બીજી તરફ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1084 દર્દીઓને ડિસ્ચાર્જ પણ અપાયો હતો. જે પણ નવો રેકોર્ડ હતો. વડોદરામાં ગુરુવારે 11623 નમૂનાઓનું ટેસ્ટિંગ થયુ જેમાં નવા દર્દીઓ મળ્યા તેથી પોઝિટિવિટી રેટ 26.5એ પહોંચી ગયો હતો. સયાજી હોસ્પિટલમાં ગુરુવારે 204 ટેસ્ટિંગ થયા હતા. જેમાંથી 90 પોઝિટિવ આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં કોરોનાથી 2ના મોત થતાં ત્રીજી લહેરમાં સત્તાવાર મોતની સંખ્યા 4 થઇ છે.