રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 11 જુલાઈ 2020 (10:31 IST)

શાળાઓમાં ફી મુલતવી રાખવા અંગેની અરજી સુપ્રીમ કોર્ટે નકારી

'ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ' અખબારના અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટે શુક્રવારે લૉકડાઉન દરમિયાન શાળાઓમાં ફી મુલતવી રાખવા માટેની અરજીને દાખલ કરવાનો ઇન્કાર કર્યો છે.
 
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે આ તબક્કે આ વિષયમાં દખલ કરવા નથી માગતી કારણ કે વિગતો રાજ્ય પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.
 
સુપ્રીમ કોર્ટે આ સાથે કહ્યું છે કે આ મામલો રાજ્યોની હાઈકોર્ટ પહેલાં જુએ તે વધુ યોગ્ય રહેશે.
 
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા એસ. એ. બોબડેના નેતૃત્વમાં ત્રણ જજોની ખંડપીઠે આ અવલોકન કરતા કહ્યું કે દરેક રાજ્યમાં આ અંગેની સમસ્યા અલગ છે. રાજ્ય જ નહીં, જિલ્લાવાર વિગતો આધારિત પરિસ્થિતિ આ વિષયમાં અલગ હોઈ શકે છે.
 
સુપ્રીમ કોર્ટે અરજીકારોને તેમની અરજી પરત ખેંચી રાજ્યોની હાઈકોર્ટ સમક્ષ તેને લઈ જવા કહ્યું છે.
 
રાજસ્થાન, ઓડિશા, પંજાબ, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી અને મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા કરવામાં આવેલી આ અરજીમાં લૉકડાઉનના સમય દરમિયાન નાણાકીય મુશ્કેલી હોવાથી સ્કૂલ ફીમાં ઘટાડો અથવા મોકૂફીની માગ કરવામાં આવી હતી.