સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 નવેમ્બર 2019 (12:16 IST)

રાજ્યમાં જે વિસ્તારમાંથી નશીલા પદાર્થ પકડાશે ત્યાંના પી.આઇ.ને સસ્પેન્ડ કરાશે

રાજ્યમાં મોટા શહેરોમાં સ્કૂલ-કોલેજ કેમ્પસ પાસે અને અન્ય વિસ્તારોમાં નશીલા પદાર્થો- ડ્રગ્સના વેચાણનું તેમજ કિશોરોમાં આવા પદાર્થોનું સેવન કરવાનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે જે વિસ્તારમાંથી વિજિલન્સ કે અન્ય ટીમ દ્વારા નશીલા પદાર્થો- ડ્રગ્સ પકડાશે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ઇનચાર્જને સસ્પેન્ડ કરવા આદેશ જારી કર્યો છે. તાજેતરમાં અમદાવાદમાં જ એક કિશોરને વ્હાઇટનર સૂંઘવાનું વ્યસન થતાં સ્ટેશનરીના માલિક સામે ગુનો દાખલ કરાયો છે, ત્યારે આ પ્રકારે અમદાવાદ અને અન્ય શહેરોમાં સ્કૂલ-કોલેજ પાસે નશીલા પદાર્થોનું વેચાણ કરીને યુવાનો તેમજ કિશોરોને વ્યસનના રવાડે ચડાવતી ગેંગ સક્રિય બની છે. કિશોરોમાં આવી બદી વધતી જાય છે ત્યારે સરકારે પોલીસને આવા દૂષણ તાત્કાલિક અટકાવવા સૂચના આપી છે. યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા સક્રિય ગેંગ સામે કડક પગલા લેવાશે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે દારૂ, હુક્કાબાર, ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધની પહેલ કરીને નશાખોરી સામે કડક કાર્યવાહી કરી છે. તે જ રીતે જે તે પોલીસ અધિકારીઓની બેદરકારી બહાર આવશે તો તેમની સામે પણ પગલાં લેવાશે. નશીલા દ્રવ્યોની ઘૂસણખોરી અટકાવવા માટે કેન્દ્ર સરકારના નાર્કોટિક કંટ્રોલ બ્યુરોની પણ મદદ લેવામાં આવી છે તેમજ ટ્રેન કે અન્ય માધ્યમથી આવા પદાર્થો ગુજરાતમાં ન આવે તેની તકેદારી લેવાઇ રહી છે અને જે તે વિસ્તારના પોલીસ અધિકારીઓને આ બાબતે તકેદારી રાખવા સુચના આપી છે.