ધો.૧૦-૧૨ પરીક્ષાના ૨ હજારથી વધુ કોપી કેસની આજથી સુનાવણી
ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા બાદ હાલ તમામ સેન્ટરોના સીસીટીવી ફુટેજની ચકાસણી ચાલી રહી છે.જેમાં ધો.૧૦ અને ૧૨ના સીસીટીવી ફુટેજ પકડાયેલા અને સ્થળ પર નોંધાયેલી સહિતના ૨ હજારથી વધુ કોપી કેસ છે.જેમાં સ્થળ પરના કોપી કેસ માટે આવતીકાલથી સુનાવણી હાથ ધરાશે. ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ સીસીટીવી ફુટેજ ધરાવતા પરીક્ષા કેન્દ્રોમાં લેવાય છે.જેમાં દરેક પરીક્ષા સેન્ટરના સ્થળ સંચાલકે દરેક પરીક્ષાનું સીસીટીવી ફુટેજ ડીઈઓને મોકલવાનું હોય છે અને તમામ જીલ્લામાંથી આવેલા સીસીટીવી ફુટેજને બોર્ડના અધિકારીઓ દ્વારા રેન્ડમલી ચેક કરવામા આવે છે.
જેમાં ધો.૧૨ સાયન્સ અને કોમર્સની પરીક્ષાના સીસીટીવી ફુટેજની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે અને જેમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૦૦ જેટલા અને સાયન્સમાં ૧૦૦ જેટલા કોપી કેસ નોંધાયા છે. આ ઉપરાંત ધો.૧૦માં ૨૫ જીલ્લામાંથી આવેલા ફુટેજની ચકાસણી કરતા ૬૫૦ જેટલા કોપી કેસ પકડાયા છે.જ્યારે બાકીના ૯ જીલ્લાના ફુટેજ હજુ ચકાસણી કરવાના બાકી છે.જેમાં પણ વધુ ૪૦૦ જેટલા કેસ મળે તેવી શક્યતા છે.આમ સીસીટીવી ફુટેજમાં ૧૮૦૦થી ૧૯૦૦ જેટલા કેસ આ વર્ષે નોંધાય તેવી શક્યતા છે ગત વર્ષે ૨૦ હજાર જેટલા કેસ નોંધાયા છે. સીસીટીવી ફુટેજ પકડાયેલા વિદ્યાર્થીઓની રૃબરૃ સુનાવણી તેમના વાલીઓને બોલાવીને દર વર્ષે પરિણામ જાહેર થયા બાદ કરાય છે અને પરિણામ સમયે આ વિદ્યાર્થીઓના પરિણામ અનામત રખાય છે.જ્યારે ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા દરમિયાન સ્કવોર્ડ ટીમ-સુપરવાઈઝરે પકેડલા સ્થળ પર કોપી કેસ ૨૩૬ જેટલા છે.જેમાં ધો.૧૨ના કોપી કેસની સુનાવણી આવતીકાલથી શરૃ થશે અને ધો.૧૦ની સુનાવણી ૧૫મીથી શરૃ થશે.