સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (12:30 IST)

રાજકોટમાં ચલણી નોટોનો વેપલો, 100ની નોટ માટે 1 લાખની બોલી બોલાઈ

દેશના ચલણી નાણાને તેની વેલ્યૂ કરતા વધુ કિંમતે વ્યવહાર રાજકોટમાં  ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. આ ટ્રેડ એટલો નફો કરાવે છે કે ફેસબૂક પર રાજકોટના કાળા નાણાંના વેપારીઓ રાજકોટ બિઝનેસ નેટવર્ક તેમજ રાજકોટ બિઝનેસ ગ્રૂપ નામના બે ગ્રૂપમાં નોટના ફોટા મૂકીને કાયદેસર બોલી લગાવી બેધડક નોટ વેચી રહ્યા છે. કલેક્શન કરાવવાના નામે અમુક ખાસ નંબર અને જૂની નોટો પર વધુ પડતી રકમ લેવાઇ રહી છે. જો કે આ ફેસબૂક એકાઉન્ટમાં જે નામ આપવામાં આવ્યા છે તે બધા રાજકોટ નિવાસી હોવાનું લખ્યું છે પણ સાચા છે કે ખોટા તે પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે. 100 રૂપિયાની નોટ માટે 1 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. ફેસબુક પર અભિષેક પટેલ નામના યુઝરે 10 રૂપિયાની નવી નોટોના બંડલનો ફોટો અપલોડ કરી વેચવાની જાહેરાત મુકી છે મહત્વનું એ છે કે બેંક પાસે હજુ પૂરતા જથ્થામાં નવી નોટો આવી નથી અને અભિષેક નામની વ્યક્તિએ બે બંડલ એ પણ 12 જાન્યુઆરીના રોજ મેળવી લીધા હતા. આ નવો જથ્થો આટલી જલ્દી કેમ મળી ગયો તે તો પોલીસ પોતાની પૂછપરછમાં જ બહાર લાવી શકશે અને અહીં એવું સ્પષ્ટ પણ થાય છે કે, ગોરખધંધામાં બેંક કર્મચારીના હાથ પણ કાળા છે. ધવલ પ્રજાપતિ નામના શખ્સે 444444 નંબરની નોટ માટે દોઢ લાખ રૂપિયાનો ભાવ મુક્યો છે. એક યુઝરે એક રૂપિયાની નોટના બંડલના 600 રૂપિયા ભાવ મુક્યા છે.રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે જણાવ્યું હતું કે, ચલણી નોટોનું તેના મૂલ્યથી વધુ રકમ લઇને વેચાણ કરવું એ ગુનો છે. કોર્ટે પણ તેના પર પ્રતિબંધ લાદેલો છે. કોઇ શખ્સો દ્વારા ઓનલાઇન વેચાણ કરી વધુ નાણાં વસૂલવામાં આવતા હશે તો તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઓનલાઇન કે અન્ય કોઇ રીતે ચલણી નોટોના વેચાણથી દૂર રહેવા કમિશનરે લોકોને અપીલ કરી હતી.