શ્રાવણ મહિનામાં દોઢ કરોડ લોકોએ સોમનાથના ડિજિટલ દર્શન કર્યાં
શ્રાવણમાસમાં સોશ્યલ મિડીયામાં સોમનાથ મહાદેવ છવાઇ ગયા હતા. વિશેષ શૃંગારના ફોટોગ્રાફ્સ તથા આરતીના ક્લિપીંગ ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, વગેરે પર નિયમીત રીતે સોમનાથ ટ્રસ્ટની સોશ્યલ ટીમ દ્વારા મૂકાતા હતા. એકલા ફેસબુકની વાત કરીએ તો દેશ-વિદેશનાં ૧,૪૦,૨૫,૫૭૭ ભક્તોએ દાદાનાં દર્શનનો લ્હાવો લીધો હતો. જેમાં અમેરીકામાં ૮૯,૩૭૦, આરબ અમીરાતમાં ૮૯,૩૭૦, કેનેડામાં ૧૯,૫૨૫, સાઉદી અરેબીયામાં ૧૯,૪૦૬, ઓસ્ટ્રેલીયામાં ૧૬,૯૯૭, પાકિસ્તાનમાં ૫,૬૯૬ ભાવિકોએ ફેસબુક પર દર્શન કર્યા હતા.
જ્યારે અન્ય મોટા શહેરોમાં ભક્તોની સંખ્યા જોઇએ તો અમદાવાદ માંથી ૧૦ લાખ, મુંબઇ ૧.૮૬ લાખ, દિલ્હી ૧.૬૨ લાખ, જેટલા ભક્તો ફેસબુકમાં દર્શન માટે જોડાયા હતા. ટ્વીટર પર ૪,૮૭,૪૯૪ પ્રભાવીત થયા હતા અને ૪૫,૪૮૬ લોકો જોડાયા હતા. ઇન્સ્ટાગ્રામ માં ૩૦,૦૦૦ થી વધુ ભાવિકોએ શ્રાવણ માસમાં દર્શન કર્યા હતા. એકંદરે સોશ્યલ મિડીયાનાં માધ્યમ થકી શ્રાવણ માસ દરમ્યાન ૪૪ દેશોનાં સવા કરોડથી વધુ લોકોએ ભગવાન સોમનાથના દર્શન કર્યા. એટલુંજ નહીં શ્રાવણનાં વિશેષ શૃંગારનાં અભિનંદન પણ પાઠવ્યા. એન્ડ્રોઇડ પ્લેસ્ટોર અને એપલ સ્ટોર પર ઉપલબ્ધ સોમનાથ યાત્રા એપ થકી ૩૦ દેશોનાં ૪૦૦૦ યુઝર્સ નવા જોડાયા હતા. કુલ ૨.૨૮ લાખ ભાવિકો દ્વારા એપનો વપરાશ કરાયો હતો. શ્રાવણ માસનાં છેલ્લા અઠવાડિયાથી લાઇવ દર્શન પણ શરૂ કરાતાં શિવભક્તોએ બહોળી સંખ્યામાં લાઇવ દર્શનનો લાભ લીધો. માત્ર દર્શન નહીં, શ્રાવણ માસ પર્યન્ત ભક્તોએ વિવિધ ગેસ્ટહાઉસો તેમજ પુજાવિધિ ડોનેશન ઇન્ટરનેટ તેમજ સ્વાઇપ કાર્ડના માધ્યમથી ૮૯,૧૪,૩૯૭ નુ ડિઝીટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલ. સોમનાથમાં શરૂ કરવામાં આવેલ ડિઝીટલ લોકરનો ઉપયોગ શ્રાવણમાં ૧૫,૦૦૦ જેટલા લોકોએ કરેલો હતો. ભવિષ્યમાં લોકોને વધુમાં વધુ ડીઝીટલ પેમેન્ટ સેવા મળે તે માટે સોમનાથ યાત્રા એપ, ટ્રસ્ટની વેબસાઇટ તથા ઓનલાઇન વોલેટ જેવી સુવિધા સેવા શરૂ કરવા ટેક્નિકલ ટીમએ કાર્યવાહી શરૂ કરી દીધેલી છે. જે ટુંક સમયમાં શરૂ થશે. શ્રદ્ધાળુઓએ 89 લાખથી વધુનું ડિજિટલ દાન કર્યું