ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (13:25 IST)

રેલવે વિભાગે ફાટક બંધ કરી દેતાં બોરસદના અમિયાદ ગામના લોકોનું રેલ રોકો આંદોલન

બોરસદના અમિયાદ ગામે ખેતરમાં જવાના માર્ગ પર ફાટક બંધ કરી દેતાં ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. રોષે ભરાયેલા ખેડૂતોનો ટ્રેન રોકો આંદોલનનો મૂડ બની રહ્યો હતો. રેલવેને ઘટનાની જાણ થતાં પોલીસ-કાફલો ફાટક પર ખડકી દેવાયો હતો.  રેલવે વિભાગની આડોડાઈથી અહીંના 200 ખેડૂતોના હાલ બેહાલ થયા છે. રેલવે વિભાગ દ્વારા વડોદરા કઠાણાલાઈન પર આવેલા માનવરહિત ફટકો વર્ષ 2012માં બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના ભાગ રૂપે અમિયાદ ગામ સીમમાં આવેલા ફાટક નંબર 44 પણ બંધ કરવામાં આવ્યું હતું આ ફાટકના બીજા છેડે અમિયાદની 500 વીઘા જમીન  હોઈ ખેડૂતો આ ફાટકનો ઉપયોગ કરી પોતાનાં ખેતરોમાં જતા હતા, પરંતુ આ ફાટક બંધ થઈ જતાં ગામના ખેડૂતો માટે પોતાનાં ખેતરોમાં જવાનો રસ્તો સદંતર બંધ થઈ જતા રેલ વિભાગને ફાટક ખોલવા અરજ કરી હતી. જિલ્લા કલેક્ટરે પણ અમિયાદના લોકોની સમસ્યાનું સમાધાન કરાવવા સ્થળ ચકાસણી કરી ફાટક નંબર 44 ખોલવા રેલ વિભાગને સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છતાં રેલવિભાગ દ્વારા ફાટક નહિ ખોલાતાં આજે ખેડૂતોમાં રોષ ભભૂક્યો હતો અને તંત્રને લેખિતમાં આપી આજે રેલ રોકો આંદોલનનો મૂડ બનાવ્યો હતો. જોકે રેલ વિભાગ સફાળું જાગી ગયું અને પોલીસને ખડકી દેવામાં આવી હતી, જેને લઇ રેલ રોકો આંદોલન સફળ થયું ન હતું. ગામના લોકોએ રેલ વિભાગને વધુ 15 દિવસની ફાટક ખોલવા મહેતલ આપી છે. જો રેલ વિભાગ 15 દિવસની અંદર ફાટક નહિ ખોલે તો આ વખતે જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે જોવું રહ્યું કે રેલ વિભાગ ખેડૂતોની મુશ્કેલી દૂર કરે છે કે પછી પોતાનું અક્ક્ડ વલણ ચાલુ રાખે છે.