રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 ઑગસ્ટ 2020 (12:42 IST)

વલસાડની ઔરંગા નદીમાં આવ્યા ઘોડાપૂર, તંત્ર થયું એલર્ટ: 8 ગામોનો સંપર્ક તૂટ્યો !

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તમામ 32 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે માંડવીમાં 6 ખેરગામમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી વરસાદ ફરી શરૂ થયો છે. જેમાં 6થી 10 ચાર કલાકમાં વલસાડ જિલ્લાના પારડીમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે સુરત જિલ્લાના માંગરોળમાં પણ 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 
 
આમ દક્ષિણ ગુજરાતમાં વલસાડ થી લઈ સુરત સુધીનો વિસ્તાર જળબંબાકાર બન્યો છે અને ચોમાસા નો માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત રહેતા ગત 24 કલાકમાં ઉમરગામ, ધરમપુર, કપરાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. પારડીમાં 6.72 ઈંચ, વાપી-વલસાડમાં 4 ઈંચમાં વરસાદ ખાબક્યો છે. કોલક, દમણગંગા, પાર અને ઔરંગા નદીઓ બે કાંઠે વહી રહી છે
 
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રાજ્યમાં 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ સુરતના માંડવીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 6 તાલુકામાં છ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ 27 તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં 42 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. 
 
વલસાડ પંથકમાં વરસાદી માહોલ જામતા જનજીવન ખોરવાયુ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે અહીં લોકમાતા ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા તંત્ર એક્શનમાં આવી ગયું છે. તો બીજી તરફ નદીમાં પાણીની આવક વધતા પીઠા અને સારંગપુર વચ્ચેનો ઔરંગા નદીનો બ્રિજ પાણીમાં ગરકાવ થઇ જતા આસપાસના 8 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યાં છે.
 
મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના કાજણ, જૂજવા, સારંગપુર, પીઠા, પદારિયા, કલવાડા જેવા ગામોના લોકો આ બ્રિજનો ઉપયોગ કરે છે તે બ્રીજ પાણીમાં ગરકાવ થઈ જતા લોકો અટવાયા હતા. વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક વધતા મધુબન ડેમના 2 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં 31054 ક્યુસેક પાણીની આવક 12401 ક્યુસેક પાણીની જાવક હોવાનું જાણવા મળ્યું છે.