નરેન્દ્ર મોદી બે બેઠકો પરથી ચૂંટણી લડે તેવી સંભાવના

વેબ દુનિયા|

P.R
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ લોકસભાની આગામી ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવાના પ્રયાસરૃપે પક્ષના મોટા ગજાના નેતાઓ અલગ-અલગ રાજ્યોમાંથી ઉમેદવારી નોંધાવીને અન્ય બેઠકો પર પ્રભાવ પાડવાની વ્યૂહરચના બનાવી હોવાનું પક્ષના વર્તુળોમાંથી જાણવા મળે છે અને આ વ્યૂહરચનાના ભાગરૃપે ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલાયેલા અને મોદીના ખાસ વિશ્વાસુ અરૃણ જેટલી રાજસ્થાનમાંથી ઉમેદવારી નોંધાવે તેવા નિર્દેશો મળે છે. એક માત્ર મોદીને બે બેઠકો પરથી ઉમેદવારી નોંધાવવાની મંજૂરી પક્ષ દ્વારા આપવામાં આવી હોવાનું પણ વર્તુળોએ જણાવ્યું હતું.

ઉપરાંત માર્ચ-૨૦૧૪માં ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠકો ખાલી પડી રહી છે જેમાં ૩ ભાજપની અને ૧ કોંગ્રેસની છે. ભાજપની ૩ બેઠકો પૈકી એક બેઠક પર પક્ષના રાષ્ટ્રીય નેતા એલ.કે. અડવાણીને ઊભા રાખવામાં આવે અને એપ્રિલ-મેમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરની પ્રતિષ્ઠીત બેઠક પરથી ચૂંટણીમાં ઊભા રહે. પરિણામે અમદાવાદ-પૂર્વની બેઠક પર હરિન પાઠકને પુનઃ ટીકીટ મળે અને તેમ થવાથી અડવાણી કે જેઓ હરિન પાઠકના રાજકીય ગોડ ફાધર ગણાય છે તેઓ પણ હરીન પાઠકને ટીકીટ મળતાં તેઓ નારાજ ન થાય. અત્યારે પક્ષમાં એવી અટકળો ચાલી રહી છે કે મોદી પોતાનો વિધાનસભા મતવિસ્તાર જે લોકસભા બેઠકમાં સમાવિષ્ટ છે તે અમદાવાદ-પૂર્વની બેઠક પરથી ચૂંટણી લડે તેવી અટકળો છે.ભાજપના વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી એવી છે કે પક્ષના રાષ્ટ્રીય નેતાઓ એક રાજ્યને બદલે અલગ અલગ રાજ્યોમાંથી લોકસભા ચૂંટણીમાં ઝંપલાવે તો જે તે રાજ્યમાં કાર્યકરોમાં જોમ-જુસ્સો વધે અને રાષ્ટ્રીય નેતાને કારણે આસપાસની બીજી બેઠકો ઉપર પણ તેનો પ્રભાવ પડી શકે.
રાજસ્થાનમાં ભાજપને પુનઃ સત્તા મળતા રાજ્યસભામાં વિપક્ષના નેતા જેટલી રાજસ્થાનથી લોકસભામાં પહોંચવા માંગે છે. પક્ષ અધ્યક્ષ રાજનાથસિંહ ઉત્તરપ્રદેશમાંથી ઉમેદવારી નોંધાવે તેમ છે.

લોકસભાની આગામી ચૂંટણીમાં મોદીને બે બેઠકો પરથી ચૂંટણી લડવાની મંજૂરી મળે તેમ છે. જેમાં તેઓ યુપી-ગુજરાત કે યુપી-બિહાર એમ બે રાજ્યોમાંથી ઉમેદવારી નોંધાવે તેવી પક્ષમાં ચર્ચા છે. જ્યારે મોદી સાથે રાજકીય સંબંધો સુધર્યા બાદ એલ.કે. અડવાણી ફરીથી ગાંધીનગર બેઠક પસંદ કરશે. આમ પણ તેમણે હમણાં જ જાહેર કર્યું હતું કે તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા નથી અને ગુજરાતમાંથી ફરી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જો જેટલી રાજસ્થાનમાંથી ચૂંટણી જીતી જાય તો - ગુજરાતમાં રાજ્યસભાની બેઠક ખાલી કરશે અને માર્ચ-એપ્રિલમાં યોજાનાર ગુજરાતની રાજ્યસભાની ૪ બેઠકોની સાથે જેટલીની ખાલી પડેલી બેઠકની પણ ચૂંટણી યોજાય તેમ છે.


આ પણ વાંચો :