ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 10 માર્ચ 2022 (07:22 IST)

ઍક્ઝિટ પોલ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ફરી ભાજપની સરકાર? પંજાબ, મણિપુર, ગોવામાં કોની સરકાર?

ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, મણિપુરમાં યોજાયેલી ચૂંટણીની 10 માર્ચે મતગણતરી થશે. જોકે, હાલમાં આ પાંચેય રાજ્યોમાં ઍક્ઝિટ પોલ જાહેર કરાયા છે.
 
ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠકો પર સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. જ્યારે પંજાબની 117 બેઠકો, ગોવાની 40 બેઠકો અને ઉત્તરાખંડની 70 બેઠકો પર એક જ દિવસે મતદાન થયું હતું.
 
મણિપુરની 60 બેઠકો પર બે તબક્કામાં મતદાન યોજાયું હતું. રાજકીય દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ ઉપરાંત પંજાબ પણ આ વખતે ભારે ઊથલપાથલનું સાક્ષી રહ્યું હતું.
 
ઍક્ઝિટ પોલ અનુસાર પંજાબમાં કોની સરકાર?
ઈટીજી રિસર્ચ અનુસાર, પંજાબમાં ભાજપને 3થી 7, કૉંગ્રેસને 27થી 33 અને આમ આદમી પાર્ટીને સૌથી વધુ 70-75 સીટ મળે તેવું અનુમાન છે.
 
તો ઇન્ડિયા ટુડે અનુસાર, ભાજપને 1થી 4, કૉંગ્રેસને 19થી 31, આમ આદમી પાર્ટીને 76થી 90 સીટનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
 
NewsX-Polstrat પ્રમાણે પણ પંજાબમાં આમ આદમી પાર્ટીને સૌથી વધુ સીટ મળે તેવી શક્યતા છે. આપને અહીં 56થી 61, ભાજપને 1થી 6, કૉંગ્રેસને 24થી 29 સીટ, જ્યારે અકાલી દળને 22થી 26 સીટ મળે તેવું અનુમાન છે.
 
રિપબ્લિક ટીવીના અંદાજ પ્રમાણે આમ આદમી પાર્ટીને 62થી 70, કૉંગ્રેસને 23-31, ભાજપને 1-3 અને અકાલી દળને 16-24 સીટ મળશે.
 
'ઇન્ડિયા ટુડે-ઍક્ઝિસ માય ઇન્ડિયા'ના ઍક્ઝિટ પોલ અનુસાર પંજાબમાં આ વખતે કૉંગ્રેસને સત્તા મળતી નથી દેખાઈ રહી. આ ઍક્ઝિટ પોલ અનુસાર પંજાબમાં આમ આદમી પાર્ટીને 76-90 બેઠકો મળતી જણાઈ રહી છે.
 
NewsX-Polstrat દ્વારા કરાવાયેલા ઍક્ઝિટ પોલમાં પણ આપ પંજાબમાં આગળ જણાઈ છે. આ પોલ અનુસાર ભાજપના ગઠબંધનને 1થી 6 બેઠકો મળી શકે એમ છે. જ્યારે કૉંગ્રેસને 24થી 29 બેઠકો મળી શકે એમ છે. જ્યારે આમ આદમી પાર્ટીને રાજ્યમાં 52થી 61 બેઠકો મળશે એવું પોલ કહી રહ્યા છે.
 
 
ઍક્ઝિટ પોલ અનુસાર ઉત્તરાખંડમાં કોની સરકાર?
વિવિધ ઍક્ઝિટ પોલ અનુસાર ઉત્તરાખંડમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ટક્કર ચાલી રહી છે. એબીપી ન્યૂઝ-સી વોટર અનુસાર, ભાજપને 26-32 અને કૉંગ્રેસને 32-38 સીટ મળે તેવું અનુમાન છે.
 
તો ઈટીજી રિસર્ચ અનુસાર, ભાજપને 37-40 અને કૉંગ્રેસને 29-32 સીટ મળે તેવી શક્યતા છે.
 
ન્યૂઝ 24ના અંદાજ મુજબ, ભાજપને 43 અને કૉંગ્રેસને 24 સીટ મળશે.
 
ઍક્ઝિટ પોલ પ્રમાણે મણિપુરમાં કોની સરકાર?
ઇન્ડિયા ન્યૂઝના ઍક્ઝિટ પોલ પ્રમાણે મણિપુરમાં ભાજપને 23-28 બેઠકો જ્યારે કૉંગ્રેસને 10-14 બેઠકો મળી શકે છે.
 
જ્યારે ન્યૂઝ 18 પંજાબ પી-માર્ક અનુસાર મણિપુરમાં ભાજપને 27થી 31 બેઠકો મળી શકે છે જ્યારે કૉંગ્રેસને 11-17 બેઠકો મળતી જણાય છે.
 
આ ઉપરાંત 'પોલ ઑફ ઍક્ઝિટ પોલ' અનુસાર રાજ્યમાં ભાજપને 30 જ્યારે કૉંગ્રેસને 14 બેઠકો મળતી જણાય છે.
 
ઍક્ઝિટ પોલ પ્રમાણે ગોવામાં કોની સરકાર?
ગોવા વિધાનસભાની વાત કરીએ તો ઈટીજી રિસર્ચ અનુસાર, ભાજપને 17-20, કૉંગ્રેસને 15-17 મળે તેવી શક્યતા છે.
 
ઇન્ડિયા ટીવી-ગ્રાઉન્ડ ઝીરો રિસર્ચ અનુસાર, ગોવામાં ભાજપને 10-14 અને કૉંગ્રેસને 20-25 સીટ મળે તેવી શક્યતા છે. તો ટીએમસીને પણ 3-5 સીટનું અનુમાન છે.
 
પોલ ઑફ ઍક્ઝિટ પોલ અનુસાર, ગોવામાં ભાજપને 16, કૉંગ્રેસને 16 અને ટીએમસીને 2 સીટ મળે તેવું અનુમાન છે.