કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ડોનાલ્ડ ટ્રમ્પ, કમલા હૅરિસને પત્ર લખ્યો
લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા સંદેશ મોકલ્યો છે.
ગાંધીએ આ સિવાય ડેમૉક્રૅટિક પાર્ટીના ઉમેદવાર કમલા હૅરિસને પણ પત્ર લખ્યો છે.
ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતાના લૅટરપેડ ઉપર ટ્રમ્પને સંદેશ મોકલ્યો છે, જેમાં લખ્યું છે: "અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા બદલ હું તમને અભિનંદન પાઠવવા માગું છું. લોકોએ તમારી ભાવિ દૃષ્ટિકોણ ઉપર વિશ્વાસ મૂક્યો છે."
સાથે જ લખ્યું છે, "ભારત અને અમેરિકાની વચ્ચે જૂની મૈત્રી છે. જે લોકશાહી મૂલ્યો માટે આપણી પ્રતિબદ્ધતા ઉપર આધારિત છે."
રાહુલ ગાંધીએ આશા વ્યક્ત કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નેતૃત્વમાં બંને દેશ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે. સાથે જ ભારત અને અમેરિકા બંને માટે તકોમાં વૃદ્ધિની દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે.
પરાજિત ઉમેદવાર કમલા હૅરિસને મોકલેલા સંદેશમાં રાહુલ ગાંધીએ ભવિષ્યને માટે શુભકામનાઓ પાઠવી છે અને લખ્યું, "હું તમને જુસ્સાપૂર્વકના અભિયાન માટે અભિનંદન પાઠવવા ચાહું છું. તમારો એકજૂટતા માટેનો સંદેશ અનેક લોકોને પ્રેરિત કરશે."
રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું, "બાઇડન સરકારના કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વૈશ્વિક મહત્ત્વના મુદ્દે સહયોગ ગાઢ બન્યો છે. લોકશાહી મૂલ્યો પ્રત્યે આપણી સંયુક્ત પ્રતિબદ્ધતા આપણી મિત્રતાનું માર્ગદર્શન કરશે."