ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (09:07 IST)

Farmers Protest- ખનૌરી બૉર્ડર પર એકનું મોત, ખેડૂતો અને પોલીસના સંઘર્ષમાં શું થયું?

Farmers Protest
Farmers Protest- પંજાબ અને હરિયાણા વચ્ચે આવેલી ખનૌરી બૉર્ડર પર બુધવારે એક ખેડૂતનું મોત થયાના સમાચાર આવ્યા છે.
 
ખેડૂત સંગઠનોની સાથે એક સરકારી ડૉક્ટરે પણ આ મોતની પુષ્ટિ કરી છે.
 
જોકે હરિયાણા પોલીસે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને કહ્યું કે ‘ખેડૂત આંદોલનમાં કોઈ પણ નેતાનું મોત થયું નથી. આ એક અફવા છે.’
 
તો પંજાબ અને હરિયાણાની શંભુ બૉર્ડરે 21 ફેબ્રુઆરીના રોજ બપોરે સુરક્ષાકર્મીઓએ ખેડૂતો પર આંસુગેસના ગોળા છોડ્યા હતા. ઘટનાસ્થળેથી મળેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ત્યાં ભારે અફરાતફરીનો માહોલ હતો.
 
સમાચાર એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટિયરગેસના સેલ છોડવામાં આવી રહ્યા હતા અને તેનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો.
 
બીજી તરફ ખનૌરીમાં પણ હરિયાણા અને પંજાબની સરહદે તણાવ જોવા મળ્યો હતો. ત્યાં પણ કેટલાક યુવકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
 
સંયુક્ત કિસાન મોર્ચા (બિનરાજકીય)ના નેતા જગજિતસિંહ દલ્લેવાલે કહ્યું હતું કે, “પોલીસે માર્ચ કરી રહેલા ખેડૂત નેતાઓ પર ટિયરગેસના સેલ છોડ્યા હતા.”
 
પ્રદર્શનકારીનું ગોળી વાગવાથી મોત
ખેડૂત નેતાઓનું કહેવું છે કે પંજાબ-હરિયાણાસ્થિત ખનૌરી બૉર્ડર પર એક ખેડૂતનું કથિતપણે ગોળી વાગવાને કારણે મૃત્યુ થયું છે.
 
ખેડૂત નેતાઓએ આ યુવકના મૃત્યુ અંગે મીડિયામાં વાત કરી છે.
 
પટિયાલાની એક સરકારી હૉસ્પિટલે પણ શુભકરણસિંહ નામના યુવકના મૃત્યુની પુષ્ટિ કરી છે. જ્યારે હરિયાણા પોલીસે આ મૃત્યુની વાતને અફવા ગણાવી છે.
 
રાજિન્દરા હૉસ્પિટલ, પટિયાલાના મૅડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. હરનામસિંહ રેખીએ પુષ્ટિ કરી છે કે ખેડૂતોના વિરોધ દરમિયાન ખનૌરી બૉર્ડર પર કથિત ગોળીબારમાં 24 વર્ષીય શુભકરણસિંહનું મોત થયું છે.
 
તેમણે કહ્યું, "પ્રાથમિક તારણો અનુસાર માથાના પાછળના ભાગે બંદૂકની ગોળી વાગવાથી તેનું મૃત્યુ થયું છે. તેને રાજિન્દરા સરકારી મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ, પટિયાલામાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો."
 
તેમણે કહ્યું કે, “પોસ્ટમૉર્ટમ પછી જ વિગતવાર માહિતી બહાર આવશે. મૃતદેહને હૉસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે.”
 
હૉસ્પિટલના જણાવ્યા અનુસાર, શુભકરણસિંહ ભટિન્ડા જિલ્લાના બાલોન ગામના રહેવાસી હતા. આ મામલે ખેડૂત નેતાઓએ સમાચાર એજન્સીઓ સાથે વાત કરી છે.
 
ખેડૂત નેતા પંઢેરે કહ્યું હતું કે, "તમે અમારા સીધા છોકરાઓને મારી નાખો ત્યારે શાંતિ ક્યાંથી રહેશે? અર્જુન મુંડાને જે કહેવામાં આવ્યું તે તેમણે કર્યું નથી. અમે ક્યારેય વાત કરવાની ના પાડતા નથી. સરકારે તે માટે વાતાવરણ બનાવવું જોઈએ. જ્યારે અમારા લોકો શહીદ થઈ રહ્યા છે તો વાતચીત ઉકેલ નથી."
 
હરિયાણા પોલીસે આ ઘટનાને અફવા ગણાવી છે.
 
હરિયાણા પોલીસે ઍક્સ પર લખ્યું છે કે, “અત્યાર સુધી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર આજે ખેડૂત આંદોલનમાં કોઇનું પણ મૃત્યુ થયું નથી.”