શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 7 નવેમ્બર 2024 (18:29 IST)

યુપી સરકારને ગેરકાયદેસર બાંધકામ તોડવા બદલ સુપ્રીમ કોર્ટે રૂ. 25 લાખનું વળતર આપવા આદેશ કર્યો

સુપ્રીમ કોર્ટે કાયદા દ્વારા નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વગર ડિમૉલિશનની કામગીરી હાથ ધરવા બદલ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારની ઝાટકણી કાઢી છે, સાથે જ પીડિતને રૂ. 25 લાખનું વળતર 
ચૂકવવા આદેશ કર્યો છે.
 
ઇન્ડિયન ઍક્સ્પ્રેસના અહેવાલ મુજબ, મહારાજગંજના રહીશ મનોજ ટિંબરેવાલ આકાશનું ઘર વર્ષ 2019માં તોડી પાડવામાં આવ્યું હતું અને તેમણે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને ફરિયાદ કરી હતી.
 
સુપ્રીમ કોર્ટે આ કેસની સુઓ-મૉટો નોંધ લીધી હતી. આ બૅન્ચમાં મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા તથા જસ્ટિસ મનોજ મિશ્રા બેઠા હતા.
 
અદાલતી બાબતોનું રિપૉર્ટિંગ કરતી વૅબસાઇટ 'બાર ઍન્ડ બૅન્ચ'ના અહેવાલ મુજબ, અદાલતે અવલોક્યું હતું કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વગર કે નોટિસ કાઢ્યા વગર કોઈનું ઘર તોડી ન શકાય, તે કાયદાવિહોણી સ્થિતિ છે.
 
અરજદારનું કહેવું છે કે તેમણે રસ્તો બનાવવાની કામગીરીમાં ગેરરીતિ અંગે અખબારને માહિતી આપી એ પછી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમને કોઈ નોટિસ પણ આપવામાં નહોતી આવી.
 
રાષ્ટ્રીય માનવાધિકાર પંચના અહેવાલમાં જરૂરિયાત કરતાં આગળ પણ ડિમૉલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
 
અદાલતે જવાબદાર અધિકારીઓ સાથે ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની તથા એ વિસ્તારમાં તેમના દ્વારા ડિમૉલિશન કરવામાં આવ્યું હોય તો તેમની ફરિયાદ લેવાના નિર્દેશ પણ આપ્યા છે. અદાલતે નોંધ્યું હતું કે જો કોઈએ દબાણ કર્યું હોય તો તેમને નોટિસ કાઢવી જોઈએ તથા તેમના વાંધા સાંભળવા જોઈએ. આ કિસ્સામાં માત્ર લાઉડસ્પીકર ઉપર જાહેરાત કરી દેવામાં આવી હતી અને લોકોને તેમનો સામાન બહાર કાઢવાની તક પણ આપવામાં નહોતી આવી.