રવિવાર, 17 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 23 જૂન 2023 (09:34 IST)

ટાઇટન સબમરીનમાં સવાર તમામ પાંચ લોકોનાં મોત, કોણ હતા ટાઇટનમાં સવાર પાંચ લોકો?

Titanic Submersible
Titanic Submersible

પાંચ લોકો સાથે વિશ્વના સૌથી વધુ ચર્ચિત જહાજ ટાઇટેનિકનો કાટમાળ જોવા ઍટલાન્ટિક મહાસાગરમાં ગયા બાદ ગુમ થઈ ગયેલી સબમરીન ટાઇટનની શોધમાં સામેલ યુએસ કોસ્ટ ગાર્ડ તેનો પાછળનો ભાગ અને લૅન્ડિંગ ફ્રેમ મળી આવ્યા છે. જેને કારણે તેમાં બેઠેલાં તમામ પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે.
 
અમેરિકાના કોસ્ટ ગાર્ડે સબમરીનમાં સવાર પાંચ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. કોસ્ટ ગાર્ડના ઍડ્મિરલ જૉન મૉગરે જણાવ્યું છે કે સબમરીનના પાંચ ભાગ ટાઇટેનિક જહાજના કાટમાળના આગળના ભાગથી 1600 ફૂટ નીચે મળ્યા છે.
 
સબમરીન ટાઇટનનો મુખ્ય જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયા તેના શોધકાર્યમાં જોડાયેલા અમેરિકન કોસ્ટ ગાર્ડે સબમરીનમાં મોટા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો.
 
સબમરીનમાં પાકિસ્તાની અબજોપતિ શહઝાદા, દાઉદ, તેમના પુત્ર સુલેમાન, બ્રિટિશ બિઝનેસમૅન હૅમિશ હાર્ડિંગ, આ સબમરીનનું સંચાલન કરતી કંપની ઑશનગેટના સીઈઓ સ્ટોકટન રશ અને ફ્રેન્ચ ઍક્સપ્લોરર પોલ ઓનરી નાર્જેલેટ સહિતના પાંચ લોકો હતા.
 
દાઉદ પરિવારે 48 વર્ષીય શાહજાદા અને તેમના 19 વર્ષના પુત્ર સુલેમાનના નિધન પર શોક જાહેર કર્યો છે. સબમરીનમાં રહેલા હૅમિશ હાર્ડિંગના પરિવારે પણ તેમના મૃત્યુનો શોક વ્યક્ત કર્યો છે. 
 
સબમરીન ટાઇટનમાં પાંચ લોકો 1912માં ઍટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલું ટાઇટેનિક જહાજ જોવા માટે ગયા હતા.ગુરુવારે યુએસ કોસ્ટ ગાર્ડે કહ્યું હતું કે રિમોટ ઓપરેટેડ વ્હીકલ- આરઓવીને ટાઇટેનિકની નજીકના સર્ચ વિસ્તારમાં જગ્યાએ થોડો કાટમાળ મળ્યો હતો.ડાઈવિંગ એક્સપર્ટ ડેવિડ મિઅરન્સ પાસેથી મળેલી એક અપડેટ અનુસાર કાટમાળમાં લૅન્ડિંગ ફ્રેમ અને સબમર્સિબલનો પાછળનો ભાગ પણ મળી આવ્યો હતો. ન્યૂફાઉન્ડલૅન્ડના દરિયા કિનારા નજીક સમુદ્રના પેટાળમાં પડેલો ટાઇટેનિકનો કાટમાળ દેખાડવા આ સબમરીન કેટલાક લોકોને લઇને રવિવારે રવાના થઈ હતી.
 
સબમરીન શોધવાના કામમાં આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ જોડાઈ હતી. અમેરિકન કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ બચાવ અભિયાન અત્યંત જટિલ હતું.  
 
કોણ છે ટાઇટનમાં સવાર પાંચ લોકો?
 
હૅમિશ હાર્ડિંગ - 58 વર્ષીય હૅમિશ હાર્ડિંગ બ્રિટિશ અબજોપતિ છે. સંયુક્ત આરબ અમીરાતમાં સ્થિત હૅમિશ હાર્ડિંગ એક્શન ગ્રૂપના સ્થાપક અને એક્શન એવિએશનના ચૅરમૅન છે. કેમ્બ્રિજમાંથી નેચરલ સાયન્સ અને કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર હૅમિશ પહેલેથી જ સ્પેસ અને એવિએશન સૅક્ટરમાં રસ ધરાવે છે. હાર્ડિંગ 'ધ એક્સપ્લોરર્સ' ક્લબના સભ્ય છે, જે સંશોધકો અને વૈજ્ઞાનિકોની જાણીતી આંતરરાષ્ટ્રીય ક્લબ છે.
 
સ્કૉકટન રશ - સબમરીન પર સવાર અન્ય મુસાફરોમાં સ્કૉકટન રશનો સમાવેશ થાય છે, જેઓ ઑશનગેટ કંપનીના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આ કંપની ભાડા પર તથા વૈજ્ઞાનિક સંશોધન માટે સબમરીન પૂરી પાડે છે. ઊંડા સમુદ્રમાં કામ કરતા લોકોમાં જાણીતું નામ બની ગયેલા રશે પોતાની કારકિર્દીની શરૂઆત આકાશમાંથી કરી હતી. તેઓ 1981માં માત્ર 19 વર્ષની ઉંમરે વિશ્વના સૌથી યુવા ટ્રાન્સપૉર્ટ જેટ પાઇલટ બન્યા હતા.
 
શાહઝાદા દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ - દાઉદ પરિવારે એક નિવેદન જારી કરીને પુષ્ટિ કરી કે શાહઝાદા દાઉદ અને તેમના 19 વર્ષીય પુત્ર સુલેમાન દાઉદ સબમરીનમાં સવાર હતા. 48 વર્ષીય શાહઝાદા દાઉદ બ્રિટિશ બિઝનેસમૅન છે અને પાકિસ્તાનના સૌથી ધનિક પરિવારોમાંથી એક છે.
શાહઝાદા દાઉદ તેમનાં પત્ની ક્રિસ્ટીન અને બાળકો સુલેમાન અને અલીના સાથે સાઉથ લંડનમાં રહે છે. દાઉદ કૅલિફોર્નિયામાં SETI સંસ્થાના સભ્ય છે અને એન્ગ્રો કૉર્પોરેશન સહિત અનેક કંપનીઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
 
પૉલ ઑનરી નાર્ઝેલેટ - પ્રતિષ્ઠિત ફ્રેન્ચ સંશોધક પૉલ ઑનરી નાર્ઝેલેટ પાણીની અંદર થતાં સંશોધનોની દુનિયામાં એક મોટું નામ માનવામાં આવે છે.
ફ્રેન્ચ નૌકાદળના ભૂતપૂર્વ કમાન્ડર રહી ચૂકેલા નાર્ઝેલેટ 'ફ્રૅન્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર રિસર્ચ ઍન્ડ ઍક્સ્પ્લૉઇટેશન ઑફ ધ સી' સાથે જોડાયા. માત્ર એક વર્ષ પછી, નાર્ઝેલેટે ટાઇટેનિકના અવશેષો એકત્રિત કરવા માટે અભિયાનનું નેતૃત્વ કર્યું. 2010માં તેમણે એક એવા અભિયાનનું નેતૃત્વ કર્યું જેણે પ્રથમ વખત હાઈ-રિઝોલ્યુશન સોનારનો ઉપયોગ કરીને ટાઇટેનિકના સર્વેક્ષણનો નકશો બનાવ્યો.
 
ગુમ થયેલ સબમરીનને વિક્ટર 6000 આરઓવીએ શોધી
 
ઍટલાન્ટિક મહાસાગરના ઊંડાણમાં ગુમ થયેલ સબમરીન ટાઇટનને શોધવા માટે અમેરિકાથી એક સંશોધન સબમરીનને સ્થળ પર મોકલવામાં આવી રહી છે.
આ રિમોટથી પણ ચલાવી શકાય તેવી સબમરીનને ટાઇટેનિક સુધી પહોંચવામાં 48 કલાક લાગશે. 'ડીપ-સી ઍક્સપ્લોરર' ડૉ. ડૅવિડ ગૅલોનું માનવું છે કે હવે માત્ર કોઈ ચમત્કાર જ આ સબમરીનમાં ફસાયેલા લોકોનો જીવ બચાવી શકે છે. પરંતુ તેમણે આશા છોડી નથી.
 
બ્રિટિશ ન્યૂઝ ચેનલ ITVના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું છે કે દરિયાની અંદરથી આવતા અવાજો વિશ્વાસપાત્ર છે અને વારંવાર આવી રહ્યા છે.
આનો અર્થ એ છે કે બચાવ કામગીરીમાં રહેલી ટીમોએ માની લેવું જોઈએ કે આ અવાજો સબમરીનમાંથી આવી રહ્યા છે અને ઝડપથી સબમરીનને શોધવી જોઈએ.
 
રોબોટ મોકલીને એ કન્ફર્મ કરવું જોઈએ કે અવાજનું સ્થાન સબમરીન છે કે નહીં. 
 
ટાઇટેનિક જહાજ જ્યાં ડૂબ્યું તેની આસપાસનું પાણી આટલું જોખમી કેમ છે?
 
એટલાન્ટિક મહાસાગરમાં જ્યાં ટાઇટેનિક જહાજ ડૂબ્યું હતું તેની આસપાસનો પાણીનો વિસ્તાર અત્યંત જોખમી માનવામાં આવે છે. તેનું પહેલું કારણ એ છે કે ત્યાંની દુનિયા અંધકારમય છે. ટાઇટેનિકનો કાટમાળ ઍટલાન્ટિક મહાસાગરમાં ચાર કિલોમિટર નીચે સ્થિત છે. આ વિસ્તારને 'મિડનાઈટ ઝોન' કહેવામાં આવે છે. સૂર્યપ્રકાશ પણ અહીં પહોંચતો નથી. સબમરીનનો પ્રકાશ થોડા મીટર સુધી આગળ જ જાય છે. આવી સ્થિતિમાં ધ્યાન ભટકી જવું ખૂબ જ સામાન્ય વાત છે.
 
ટાઇટેનિક નિષ્ણાંત ટિમ મેટલિન કહે છે, "અહીં અંધારું છે, અને પાણી ભયંકર ઠંડુ છે. સમુદ્રની સપાટી પર કાદવ છે અને સપાટી હાલક-ડોલક થતી રહે છે."
તેમણે કહ્યું, "આ સમયે તમે ક્યાં છો તે શોધવા માટે તમારી પાસે માત્ર સોનાર નામની એક જ વસ્તુ છે. રડાર પણ કામ કરતું નથી." 
 
ઍટલાન્ટિક મહાસાગરનો આ વિસ્તાર ખતરનાક હોવાનું એક કારણ તેની ખતરનાક ઊંડાઈ પણ છે. સમુદ્રના તળિયાનું દબાણ એ સપાટી પરના દબાણ કરતાં 390 ગણું વધારે હોય છે. એટલા માટે અહીં જતી સબમરીનની દિવાલો પણ ઘણી જાડી હોવી જોઈએ. 
 
ત્રીજું કારણ અહીં અનુભવાતો પાણીનો પ્રવાહ છે. સપાટી પરનાં પવનો અને મોજાને કારણે તળિયે પાણીના મજબૂત પ્રવાહો રચાય છે અને પાણીની ઘનતામાં પણ તફાવત છે. તે સમુદ્રના તળિયે રહેલા માલસામાનની જગ્યા પણ બદલી શકે છે.
 
ટિમ મેટલિન કહે છે, "તે એક રીતે મૂન શૉટ જેવું છે. તે એક રીતે અવકાશમાં જઈ રહેલા અવકાશયાત્રી જેવું છે."
 
ચોથું કારણ અહીં ડૂબેલા જહાજ ટાઇટેનિકનો કાટમાળ છે. ડૂબી જવાનાં સો વર્ષ પછી પણ ટાઇટેનિકનાં કાટમાળનો ઘસારો અને તૂટવાનું હજી પણ ચાલું છે.
જો કોઈ તેની ખૂબ નજીક જાય તો તેની સાથે અથડાઈ શકે છે અને ત્યાં જ ફસાઈ શકે છે. 
 
10,000 ચોરસ કિલોમિટર વિસ્તારમાં શોધખોળ
 
ટાઇટેનિકનો કાટમાળ કૅનેડાના ન્યૂફાઉન્ડલૅન્ડના સેન્ટ જોન્સની દક્ષિણે 700 કિલોમિટર દૂર સમુદ્રમાં પડ્યો છે. જોકે, બચાવ તથા શોધ અભિયાન અમેરિકાના બૉસ્ટન શહેરમાંથી ચાલી રહ્યું છે. અમેરિકન કોસ્ટ ગાર્ડે જણાવ્યુ હતું કે સબમરીનનાં સહાયક જહાજો પોલર પ્રિન્સ તથા ડીપ એનર્જી ઊંડા સમુદ્રમાં શોધખોળ કરી રહ્યાં છે.
 
કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે કૅનેડાના પી-3 ઑરોરા વિમાને તે વિસ્તારમાં સોનાર મારફત શોધખોળ કરી હતી અને મંગળવારે સવાર સુધીમાં તેણે 10,000 ચોરસ કિલોમિટર વિસ્તાર ફેંદી નાખ્યો હતો. ફ્રાન્સના સમુદ્રી બાબતોના મંત્રાલયે તેના લ'ઍટલાન્તે જહાજને પણ મંગળવારથી શોધ અભિયાનમાં જોતર્યું હતું. એ જહાજ પાસે પોતાનો એક રોબોટ છે, જે સમુદ્રમાં મદદ કરશે.
 
ગાયબ થયેલી ટાઇટન સબમરીનમાં સીબીએસના પત્રકાર ડેવિડ પોગે ગયા વર્ષે પ્રવાસ કર્યો હતો અને તેઓ ટાઇટેનિકના કાટમાળ સુધી ગયા હતા.
તેમણે જણાવ્યું હતું કે સપોર્ટ શીપ સબમરીનની ઉપર હોય છે અને બન્ને એકમેકને ટેક્સ્ટ મેસેજ મોકલી શકે છે. ઊંડા સમુદ્રમાં જીપીએસ કે રેડિયો સિસ્ટમ મારફત સંદેશ વ્યવહાર કરી શકાતો નથી. ડેવિડ પોગે એવું પણ જણાવ્યું હતું કે સબમરીનમાંના લોકો જાતે બહાર નીકળી શકતા નથી, કારણ કે સબમરીનને બહારથી મજબૂત રીતે સીલ કરવામાં આવે છે. 
 
કયાં મોટાં જહાજો સબમરીનની તલાશમાં લાગ્યાં છે?
 
ગુમ થયેલી સબમરીન ટાઇટનની શોધમાં ચાલી રહેલા બચાવ અભિયાનની કમાન અમેરિકા અને કૅનેડાની એજન્સીઓના હાથમાં છે. તેમાં નૌકાદળ અને ઊંડા સમુદ્રમાં ચાલી શકે તેવાં વેપારી જહાજોનો સમાવેશ થાય છે જે બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યાં છે. જે મૅસેચ્યુસૅટ્સ, બૉસ્ટનથી સંચાલિત છે.
 
ડીપ એનર્જી - આ જહાજનો ઉપયોગ સમુદ્રમાં કેબલ નાખવા માટે થાય છે, તે બે રિમોટ ઓપરેટેડ વ્હીકલ (ROV)થી સજ્જ છે. તે 10,000 ફૂટની ઊંડાઈ સુધી કામ કરી શકે છે.
 
ઍટલાન્ટિક મર્લિન - આ 4,000 મીટર લાંબી કેબલ સાથે કૅનેડિયન ઑફશોર સપ્લાય શિપ છે. આ કેબલનો ઉપયોગ કંઈક ખેંચવા માટે થઈ શકે છે.
આ જહાજમાં રિમોટ ઑપરેટેડ વાહનો પણ તૈનાત છે, પરંતુ તે કેટલી ઊંડાઈએ કામ કરી શકે છે તે જાણી શકાયું નથી.
 
સ્કૅન્ડી વિનલૅન્ડ - આ એક સહાયક જહાજ છે, જેમાં બે રિમોટ ઑપરેટેડ વાહનો છે.પરંતુ તે સ્પષ્ટ નથી કે આ જહાજ કેટલી ઊંડાઈ સુધી કામ કરી શકે છે.
 
લ'ઍટલાન્તે - ફ્રાન્સથી કાર્યરત એક જહાજ ROV એટલે કે પાણીની અંદર કામ આપી શકે તેવા રૉબોટ સાથે સ્થળ પર પહોંચી રહ્યું છે.
તે ટાઇટેનિક જહાજના કાટમાળ સુધી જઈ શકે છે.
 
હોરિઝોન આર્કટિક - રાહત અને સહાય સાધનોથી ભરેલું આ કૉમર્શિયલ જહાજ છે.
 
ગ્લૅસ બે - આ કૅનેડિયન નૅવી જહાજ છે, જે ડિકમ્પ્રેશન ચેમ્બર પણ સાથે લઈને જઈ રહ્યું છે અને તબીબી સહાય પૂરી પાડવા માટે પણ તૈયાર છે.
 
જૉન કૅબટ - કૅનેડિયન કૉસ્ટ ગાર્ડ દ્વારા સંચાલિત અને સોનાર સર્ચ માટે સક્ષમ વૈજ્ઞાનિક સંશોધનો સંબંધિત જહાજ છે.
 
તલાશી અભિયાન પરિવારને પૂછીને જ રોકવામાં આવશે...
યુએસ કોસ્ટ ગાર્ડના રીઅર ઍડ્મિરલ જ્હૉન મૉગરે કહ્યું છે કે ગુમ થયેલી સબમરીનની શોધખોળ હજુ પણ ચાલું છે.
 
તેમણે કહ્યું, "આ સર્ચ ઓપરેશન હજુ ચાલું છે અને અમે જે સાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ તે હવે સમુદ્રના તળિયા સુધી પહોંચવામાં છે. રિમોટ ઑપરેટેડ વ્હિકલ્સ અમારા સર્ચ ઓપરેશનને મજબૂત બનાવશે."
 
રિઅર ઍડ્મિરલ જ્હૉન મૉગરે એમ પણ કહ્યું હતું કે, "સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનને રોકવાનો કોઈપણ નિર્ણય સબમરીન પર સવાર લોકોના પરિવારો સાથે 'પરામર્શ' કર્યા પછી જ લેવામાં આવશે.અત્યારે અમારું ધ્યાન સંપૂર્ણપણે તલાશી અભિયાન પર જ છે."
 
ટાઇટન સબમરીનની સવારી કેવી હોય છે?
 
મૅક્સિકન યુટ્યૂબર અને અભિનેતા ઍલન ઍસ્ત્રાદા આ યાત્રાએ જઈ આવ્યા છે. ઍલન ઍસ્ત્રાદા જણાવે છે કે સબમરીનમાં યાત્રાની શરૂઆત કરતા એવું લાગે છે કે જેમ કોઈ રૉકેટ લૉન્ચ થઈ રહ્યું હોય.
 
ઍલન કહે છે, "સાચું કહું તો સબમરીનની યાત્રા કંઈ ખાસ નથી. તમે એક કૅપ્સ્યૂલની અંદર છો, જે ક્લૉસ્ટ્રોફોબિયાવાળી (સાંકડી જગ્યામાં ફસાઈ જવાનો ગૂંગળાઈ જવાનો ડર અનુભવતી) વ્યક્તિ માટે અકલ્પનીય છે, પરંતુ એનાથી વધું કંઈ નથી. ટાઇટેનિક જહાજની તબાહી સામે હોવું સૌથી દુર્લભ અનુભવ છે."
 
કાર્બન ફાઇબર અને ટાઇટેનિયમથી બનેલી સબમરીનમાં હલનચલન માટે વધારે જગ્યા નથી. તે 6.7 મીટર લાંબી, 2.8 મીટર પહોળી અને 2.5 મીટર ઊંચી છે. સાથે જ તેમાં 5 લોકો માટે 96 કલાકનો ઓક્સિજન છે. યાત્રામાં કુલ 8 કલાક લાગે છે. સમુદ્રમાં 4 હજાર મીટર ઊંડે જવા માટે 2 કલાક, ટાઇટેનિકને જોવા માટે 4 કલાક અને પછી પરત આવવામાં 2 કલાક લાગે છે.
 
સબમરીનમાં અંદર રહેવા દરમિયાન ઍલન એને કંટ્રોલ કરવામાં સક્ષમ હતા. તેને એક વાયરલેસ વીડિયો ગેમ કંટ્રોલરની જેમ દેખાતા ડિવાઇસથી કંટ્રોલ કરવામાં આવે છે. ઍલન જણાવે છે, "સબમરીનને કંટ્રોલ કરવી સરળ છે. તેને આગળ, પાછળ, ઉપર નીચે ફેરવી શકાય છે. એ અંધારી જગ્યામાં કૉમ્યુનિકેશન અને નેવિગેશન સિસ્ટમની મદદથી ટાઇટેનિકના અવશેષો સુધી પહોંચવું મુશ્કેલ છે." 
 
પોતાની યાત્રા દરમિયાન ઍલને ડૂબેલા જહાજ સુધી પહોંચવાની રાહમાં ટાઇટેનિક ફિલ્મનો એક ભાગ પણ જોયો હતો, જેવું તેમના એક વીડિયોમાં બતાવ્યું હતું. સબમરીનને અંદરથી નથી ખોલી શકાતી. તેને કેટલાક ખાસ ઉપકરણોની મદદથી બહારથી જ ખોલી શકાય છે. એટલે યાત્રી વગર કોઈ મદદે બહાર નહીં નીકળી શકે.