1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 16 મે 2015 (17:09 IST)

મધ્યાહન ભોજન યોજનાની જેમ બાંધકામ મજૂરો માટે મહત્વાકાંક્ષી યોજના

રાજયના અસંગઠિત કામદારોમાં મોટો હિસ્સો ધરાવતા અને સરકારને કરોડોની આવક પણ ઉભી કરાવી આપતા બાંધકામ મજૂરો માટે સરકાર એક મહત્વાકાંક્ષી યોજના લાવવા જઇ રહી છે. જેમાં જે સ્થળે બાંધકામ સાઇટ ચાલતી હશે ત્યાં જ મધ્યાહન ભોજન યોજનાની જેમ તેમને એક ટાઇમનું સંપૂર્ણ ભોજન આપવામાં આવશે. અમદાવાદ કે ગાંધીનગરથી આ પાઇલોટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવશે. કુલ ૨૦ રૂપિયાના આ ભોજનમાં ૧૦ રૂપિયાનો ફાળો લાભાર્થી મજૂરનો રહેશે જયારે ૧૦ રૂપિયા સરકાર ભોગવશે. જેના કારણે આદિવાસી બેલ્ટના મજૂરોમાં કુપોષણની સમસ્યા પણ લાંબા ગાળે નિવારી શકાશે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રાજયનો શ્રમ અને રોજગાર વિભાગ અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે ચાલુ વર્ષે વિવિધ યોજનાઓ લાવી રહ્યો છે. જેમાં બાંધકામ ક્ષેત્રના લાખો મજૂરોને લાભ મળે તેવી આ મુખ્ય યોજનાનો પણ સમાવેશ થાય છે. વિવિધ યોજનાઓ ચાલુ કરતા પૂર્વે વિભાગના મંત્રી વિજય રૂપાણી બાંધકામ સાઇટ પર જઇને મજૂરોને મળી રહ્યા છે અને તેમની સાથે ખાટલા બેઠક યોજી તથા સમૂહ ભોજન કરીને તેમનો અભિપ્રાય મેળવી રહ્યા છે. મોટી સંખ્યામાં મજૂરો કામ કરતા હોય તેની નજીકના વિસ્તારમાં આંગણવાડી શરૂ કરવાની પણ યોજના છે. જો કે રાજય સરકાર હાલ બાંધકામ સાઇટ પર જ મજૂરોને ભોજન પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી શકવા અંગે અંતિમ વિચાર કરી રહી છે.

આ માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થાનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. આદિવાસી મજૂરો અને બાળકોમાં કુપોષણની સમસ્યા વિકટ છે. જેના કારણે માનવ વિકાસ સૂચકાંકમાં રાજયની છબી પણ સારી રહેતી નથી. તે સાથે બાંધકામ મજૂરને એક સમય સંપૂર્ણ ભોજન મળી રહે તો તેના પરનો આર્થિક બોજો પણ ઘટી શકે અને બીજા ટંકમાં સારૂ ભોજન લઇ શકાય તેમ વિચારી રહી છે. તેને ધ્યાનમાં રાખીને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે એક શહેર નક્કી કરીને તેની કેટલીક સાઇટ પર જ તેમને રોટલી-શાક અને દાળ-ભાત જેવો પૌષ્ટિક આહાર પૂરો પડાશે. સપ્તાહમાં એકાદ દિવસ અન્ય વાનગી પણ ઉમેરવામાં આવશે. હાલ આ અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે તથા મજૂર સંગઠનો અને તેમના અગ્રણીઓને પણ વિશ્વાસમાં લઇને સમગ્ર વ્યવસ્થા કેવી રીતે ગોઠવી શકાય તે અંગે ગંભીર વિચારણા ચાલી રહી છે.

બાંધકામ મજૂરો તેમના રહેવાના કે સાઇટ નજીકના સ્થળે ચૂલો બનાવીને ભોજન બનાવતા હોવાથી તેનાથી થતા ધુમાડાના કારણે પ્રદૂષણ અને તેમના સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે તે બાબત પણ ધ્યાન પર લેવાઇ છે. જેથી મજૂરને ટોકન ભાવે પડે અને તેનો પણ ૧૦ રૂપિયાનો ફાળો ઉમેરાય અને સરકાર પણ ૧૦ રૂપિયા આપે તે રીતે ૨૦ રૂપિયાની આજુબાજુની કિંમતે ભોજન પૂરૂ પાડી શકાય તે અંગે ઉચ્ચ સ્તરે નિર્ણય લેવાયા બાદ સમગ્ર યોજનાને આખરી ઓપ આપવામાં આવશે. જો પાઇલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો તબક્કાવાર તેનો રાજયમાં અમલ કરવામાં આવશે.

સરકાર દ્વારા બાંધકામના સ્થળની નજીક મોટાપાયે આંગણવાડી શરૂ કરવા પણ વિચારી રહી છે. જેના કારણે બાળકોને સારૂ વાતાવરણ મળે અને મજૂરો નિશ્વિંત થઇને કામ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરી શકાય. હાલ મંત્રી રૂપાણી અને તેમના વિભાગના સિનિયર સનદી અધિકારીઓ દ્વારા ગાંધીનગરમાં વિવિધ બાંધકામ સ્થળે મજૂરો સાથે તેમની સાઇટ પર જઇને સમૂહ ભોજન સાથે લઇને તેમના પ્રશ્નો જાણી રહ્યા છે. જો મજૂર વર્ગમાંથી જ કોઇ શિક્ષિત મજૂર મળે તો તેને આંગણવાડી ચલાવવાની જવાબદારી પણ સોંપી દેવા વિચારણા છે. જેથી સંવાદમાં ભાષાનો પ્રશ્ન પણ ઉકેલી શકાય.