મહેસાણામાં બેટી બચાઓ અભિયાનની અસર - 2016માં સ્ત્રી જન્મદરનું પ્રમાણ વધ્યું
છેલ્લા ઘણા વર્ષોથી ચાલતું સરકારનું બેટી બચાવો અભિયાન ધીમે ધીમે પણ અસરકારક સાબિત થઈ રહ્યું છે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આની ખાસ અસર દેખાઈ રહી છે. 5 વર્ષ પહેલા મહેસાણામાં પુરુષોની સરખામણીએ સ્ત્રિઓની જેટલી સંખ્યા હતી તેમાં હવે નોંધપાત્ર વધારો થયો છે.
ગુજરાત રાજ્યમાં સૌથી ઓછો સ્ત્રી જન્મદર ધરાવતો એક માત્ર જિલ્લો હતો. મહેસાણા, મહેસાણામાં પુત્રની ઘેલછામાં પુત્રીને ગર્ભમાં જ મારી નાખી સ્ત્રી ભ્રુણ હત્યા કરવામાં આવતી હતી. વર્ષ 2001માં સ્ત્રી જન્મદરની સ્થિતિ ચિંતાજનક હદે જતી રહી હતી. એક હજાર પુરુષોની સરખામણીમાં સ્ત્રી જન્મદર 800 સુધી પહોંચી ગયો હતો. જેથી સમાજ તથા સરકારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારે સરકારે બેટી બચાવો અભિયાન છેડયું અને લોકોમાં જાગૃતિના અનેક કાર્યક્રમો આપ્યા. જેના પગલે સ્ત્રી જન્મદરનું પ્રમાણ વધારી શકાયું.
મહેસાણા જિલ્લામાં વર્ષ 2001માં 1000 પુરુષો સામે સ્ત્રી જન્મદર ફ કત 801 જેટલો નોધાયો હતો...આ સામાજિક અસમાનતા દૂર કરવા રાજ્ય સરકાર અને સેવાભાવી સંસ્થાઓએ પ્રયાસો શરુ કર્યા હતા. સરકાર અને સેવાભાવી સંસ્થાઓના અથાગ પ્રયાસો અને લોક જાગૃતિનાં પરિણામ સ્વરૂપે વર્ષ 2011માં 842 નોધાયો હતો. જોકે વર્ષ 2011 બાદ સરકાર,સેવાભાવી સંસ્થાઓ અને સામાજિક જાગૃતિ એ મહેસાણા જિલ્લાનાં સ્ત્રી જન્મદર માં નોધપાત્ર વધારો થઇ 904 થયો છે.
સરકાર અને સેવાભાવી સંસ્થાઓના પ્રયાસોથી મહેસાણા જિલ્લામાં સ્ત્રી જન્મદરમાં સુધારો લાવી શકાયો છે ત્યારે ગુજરાતના અસંખ્ય જિલ્લાઓ છે જ્યાં હજુ પણ સ્ત્રી ભ્રુણ હત્યા થતી હશે અને ત્યાંનો દર હજું નીચો હશે. ત્યારે આ પ્રકારના જિલ્લામાં લોક જાગૃતિની જરૂર લાગી રહી છે. પુત્રની ઘેલછામાં દીકરીને ગર્ભમાં જ મોતને ઘાટ ઉતારવામાં આવતી હતી ત્યારે સામાજિક અસ્થિરતાના ઉભા થયેલા પ્રશ્નને લઇ રાજ્ય સરકારે હાથ ધરેલા બેટી બચાવો અભિયાનને પગલે રાજ્યના એક જિલ્લામાં સ્ત્રી જન્મ દરમાં વધારો નોંધાયો છે.